હવે બાળકો માટે આવી ગઈ કોરોનાની વેક્સિન : સંક્રમણનો ઓછાયો દૂર થશે - Sandesh
  • Home
  • Columnist
  • હવે બાળકો માટે આવી ગઈ કોરોનાની વેક્સિન : સંક્રમણનો ઓછાયો દૂર થશે

હવે બાળકો માટે આવી ગઈ કોરોનાની વેક્સિન : સંક્રમણનો ઓછાયો દૂર થશે

 | 8:30 am IST
  • Share

કોરોનાની વેક્સિનની દેશમાં પોઝિટિવ અસર જોવા મળી રહી છે. કોરોનાના દરરોજ નોંધાતા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના ખોફમાંથી લોકો બહાર આવી રહ્યા છે. સરકાર દ્વારા તમામ સેક્ટર અનલોક કરવામાં આવતા જનજીવન સામાન્ય બની રહ્યું છે. આમ છતાં કોરોનાની ત્રીજી લહેર માટેની ચેતવણી સરકારે હળવી કરી નથી. સરકારનું આ વલણ કેટલાક અંશે જોઈએ તો વાજબી છે. દેશમાં હવે 2 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમરનાં બાળકો માટે વેકિસન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા નિષ્ણાતોની સમિતિએ ભલામણ કરી છે.

આમ જોવા જઈએ તો 95 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. એકાદ અઠવાડિયામાં 100 કરોડ વેક્સિનના ડોઝ આપીને ભારત નવું સીમાચિન્હ સિદ્ધ કરશે. બાળકો માટેની વેક્સિન કોવેક્સિનના ઉપયોગ માટે હજી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ની મંજૂરી મળી નથી. આ માટેની પ્રોસેસ ચાલી રહી છે.

બાળકો માટેની વેક્સિનને મંજૂરી માટે હજી તો ભલામણ કરાઈ છે ત્યાં તેની ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સામે સવાલો સર્જાયા છે. સવાલોના ઘેરામાં આવેલી આ વેક્સિન માટે સો વાતની એક વાત એ છે કે આપણે દેશમાં તેનો મોટાપાયે ઉપયોગ કરાઈ રહ્યો છે. તમામ પરીક્ષણોમાં તે પાર ઊતરી છે.

સરકારે ઓગસ્ટ મહિનામાં 12થી 18 વર્ષનાં બાળકો તેમજ કિશોરો માટે ઝાયડસ કેડિલાની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી આપી હતી. વેક્સિનેશન ઝુંબેશ હેઠળ કોવેક્સિનનો ઉપયોગ 2 વર્ષનાં બાળક માટે કરવા વિચારાયું છે તે આવકાર્ય છે. આને કારણે કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર સામે બાળકોને રક્ષણ આપી શકાશે અને સ્કૂલોને શરૂ કરવા માટેનો માર્ગ ખુલશે.

હાલ ધોરણ 6થી 12 સુધીના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. કેટલાક વાલીઓ હજી તેમનાં સંતાનોને સ્કૂલોમાં મોકલવા ખચકાટ અનુભવી રહ્યા છે. તેમનાં બાળકોને કોવેક્સિન આપ્યા પછી તેમનામાં હિંમત આવશે તેવી આશા રાખીએ તો ખોટી નથી. એક અભ્યાસ મુજબ દેશમાં 5 કરોડ બાળકો પાસે ઓનલાઈન અભ્યાસ માટે મોબાઈલ ફોન કે ઈન્ટરનેટ કનેકશન નથી.

આવા સંજોગોમાં જો સ્કૂલો ખોલવામાં આવે તો તેમનાં અભ્યાસની સમસ્યા પણ દૂર થશે. સરકારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. દેશનાં કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં હજી પુખ્ત વયનાં કે મોટી ઉંમરનાં લોકો વેક્સિન લેવામાં આનાકાની કરી છે ત્યારે બાળકોને વેક્સિન આપવા માતાપિતા તૈયાર થાય તેવું વાતાવરણ સરકારે સર્જવાનું છે. વેક્સિન લીધા પછી બાળકોમાં તેની આડઅસરો ન થાય તેની તકેદારી રાખવાની છે. બાળકોને વેક્સિન આપવાની સમજદારીમાં જ શાણપણ છે તે પુરવાર કરવાનું છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો