GOOD NEWS: હવે રાજ્યની કોઇપણ RTO/ARTOમાંથી લાયસન્સ રિન્યૂ કરાવી શકાશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • GOOD NEWS: હવે રાજ્યની કોઇપણ RTO/ARTOમાંથી લાયસન્સ રિન્યૂ કરાવી શકાશે

GOOD NEWS: હવે રાજ્યની કોઇપણ RTO/ARTOમાંથી લાયસન્સ રિન્યૂ કરાવી શકાશે

 | 8:48 am IST

ગુજરાતની કોઇ પણ આરટીઓ/એઆરટીઓમાં હવે સંબંધિત કચેરીના એનઓસી વગર ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, લાઇસન્સ રિન્યૂ અને સરનામા જેવા ફેરફાર કરી શકાશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સત્તાવાર પરિપત્ર મારફતે તમામ કચેરીઓને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતની લગભગ તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરી સારથી-૪ સોફટવેર મારફતે એકબીજાથી સંઘટિત છે. બીજા શબ્દોમાં કહીએ તો વડોદરા આરટીઓનો તમામ ડેટા રાજ્યની અન્ય આરટીઓ/એઆરટીઓ કચેરી આંગળીના ટેરવે જોઇ શકે છે. સારથી-૪ના અમલીકરણ બાદ હવે કોઇ પણ વ્યક્તિ રાજ્યની કોઇ પણ આરટીઓ/એઆરટીઓ કચેરીમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવી શકે છે, ડુપ્લિકેટ લાઇસન્સ કઢાવી શકે છે અને લાઇસન્સમાં સરનામું બદલવા જેવા ફેરફાર પણ કરાવી શકે છે. ઉપરોક્ત કામ માટે હવે સંબંધિત આરટીઓ/એઆરટીઓ કચેરીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાની જરૃર પડશે નહીં. અરજદારોના ડ્રાઇવિંગ લાઇસન્સની ખરાઈ કર્યા બાદ જે તે આરટીઓ/એઆરટીઓ કચેરી વાહન વ્યવહાર વિભાગના પરિપત્રને અનુસરશે.

ડુપ્લિકેટ લાઇસન્સ માટે કઇ કાર્યવાહી કરવી પડશે?
અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર અરજી કરી અરજી નંબર લેવો પડશે. ત્યારબાદ અરજદાર જે તે કચેરીમાં પ્રત્યક્ષ અથવા તેમના વતી અન્ય વ્યક્તિને મોકલી શકે છે. જે તે કચેરી અરજીની ચકાસણી કર્યા બાદ ફી સ્વીકારી ડુપ્લિકેટ લાઇસન્સ આપશે.

સારથી-૪માં રેકોર્ડ ઉપલબ્ધ ના હોય તો શું કરવું?
અરજદારે પહેલાં રૃબરૃમાં તેની સંબંધિત કચેરીમાં ડેટાનો બેકલોગ કરાવવો પડશે. ત્યારબાદ ઉપરોક્ત વેબસાઇટ પરથી અરજી નંબર લેવો પડશે. રાજ્યની કોઇ પણ આરટીઓ/એઆરટીઓ બેકલોગનો ડેટા લઇ રિન્યૂ, સરનામા ફેરબદલ અને ડુપ્લિકેટ લાઇસન્સ આપશે.

ઇન્ટરનેશનલ-ડુપ્લિકેટ લાઇસન્સ માટે એપાઈન્ટમેન્ટ લેવાની જરૃર નથી
ઇન્ટરનેશનલ અને ડુપ્લિકેટ લાઇસન્સ અથવા લાઇસન્સને સંબંધિત માહિતી માટે હવે ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડશે નહીં. રાજ્યની કોઇ પણ આરટીઓ/એઆરટીઓ કચેરીને લાઇસન્સ માટે એનઓસી આપવા મનાઈ ફરમાવાઈ છે.

સસ્પેન્ડ કે રદ થયેલાં લાઇસન્સની સારથી-૪માં નોંધ થશે
સસ્પેન્ડ અથવા રદ થયેલાં ડ્રાઇવિંગ લાઇસન્સની સારથી-૪ સોફટવેરમાં નોંધ કરવામાં આવશે. બીજી તરફ ગુજરાત બહારની આરટીઓ માગણી કરે તો સારથી-૪માંથી લાઇસન્સ અંગે ફરજિયાત એનઓસી આપવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન