હવે તમે પુસ્તકોને નહીં, પુસ્તકો તમને વાંચશે! - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • હવે તમે પુસ્તકોને નહીં, પુસ્તકો તમને વાંચશે!

હવે તમે પુસ્તકોને નહીં, પુસ્તકો તમને વાંચશે!

 | 12:44 am IST

ટેક ઓફઃ શિશિર રામાવત

કિંડલ નામના ગેજેટથી તમે પરિચિત છો. પરિચિત ન હો તો ટૂંકમાં સમજી લો કે કિંડલ એેક મોટી સાઇઝના મોબાઇલ ફેન અથવા ટેબ્લેટ જેવું દેખાતું ઉપકરણ છે, જે પોતાની ભીતર હજારો-લાખો પુસ્તકોને ઓહિયાં કરીને બેઠું છે. તમારે જે પુસ્તક વાંચવું હોય તે સર્ચ કરો એટલે તમારી સામે ટચ સ્ક્રીન પર તે પુસ્તકનાં પાનાં એક પછી એક ખુલતાં જશે અથવા કહો કે સરકતા જશે. તમે અક્ષરોને નાના-મોટા કરી શકો, ફેન્ટ બદલી શકો, મનગમતાં વાકયોને હાઇલાઇટ કરી શકો, બુકમાર્ક રાખી શકો, કોઈ શબ્દ સમજાતો ન હોય તો એના પર આંગળી ઘુમાવીને તરત તેનો ડિકશનરીમાં આપેલો અર્થ અથવા સમજૂતી વાંચી શકો, વગેરે.

આ બધું આપણે ઓલરેડી જાણીએ છીએ. એમેઝોન ક્ંપનીએ બહાર પાડેલાં કિંડલનાં આ સિવાયનાં ફીચર્સ વિશે પણ આપણને ખબર છે. આપણે જે જાણતા નથી તે વસ્તુ આ છેઃ આપણે જ્યારે કિંડલ પર પુસ્તક વાંચતા હોઈએ છીએ ત્યારે સાથે સાથે કિંડલ પણ આપણને વાંચતું હોય છે. પુસ્તકનાં કયાં પાનાં તમે ધીમેધીમે, મમળાવી મમળાવીને વાંચ્યાં, કયાં પાનાં કે ફ્કરા કુદાવી ગયાં, કયાં વિરામ લીધો, કયા વાકય પર પહોંચીને તમે પુસ્તક વાંચવાનું બંધ કર્યું ને પછી કયારેય તે પુસ્તક તરફ્ નજર સુદ્ધાં ન કરી – આ બધી જ વિગતો એમેઝોન કંપનીના સર્વરમાં રેકોર્ડ થતો રહે છે.

વાતને હજુ આગળ વધારો. સમજો કે એકાદ-બે વર્ષ પછી કિંડલનું નવું વર્ઝન માર્કેટમાં આવે છે. નવા કિંડલમાં નાનકડા બટન જેવી ફેસ રેકગિન્શન ડિવાઇસ તેમજ ટચૂકડાં બાયોમેટ્રિક સેન્સર્સ જડેલાં છે. ફેસ રેકગ્નિશન ડિવાઇસની નજર સતત તમારા પર તકાયેલી રહે છે. તે તમારા ચહેરાના હાવભાવમાં થતા ફેરફરોને એકધારું નોંધતું રહે છે. બાયોમેટ્રિક સેન્સર તમારા હ્ય્દયના ધબકારા અને બ્લડ પ્રેશર પર ચાંપતી નજર રાખે છે. આથી પુસ્તક વાંચતી વખતે તમે કયું વાક્ય વાંચતી વખતે મરકયા અથવા ખડખડાટ હસી પડયા, કયું પાનું યા તો પ્રકરણ વાંચતી વખતે તમારા ચહેરા પર કંટાળાનો ભાવ આવ્યો, કયારે તમારી આંખમાં આંસુ આવ્યાં, કયું વર્ણન વાંચતી વખતે ઉત્તેજિત થઈ ગયાં, શું વાંચતી વખતે તમારા હ્ય્દયના ધબકારા વધી ગયા… આ બધું જ નવું કિંડલ નોંધતું જશે. શક્ય છે કે તમે હજાર પાનાનું પુસ્તક પૂરું કરો ત્યાં સુધીમાં શરૂઆતના પ્રકરણોમાં શું શું આવ્યું હતું તે ભૂલી ગયા હો, પણ મહાઉસ્તાદ કિંડલ કે એમેઝોન તમારી એકેય વસ્તુ નહીં ભૂલે. તમારા વિશેનો સઘળો ડેટા એમેઝોનના સર્વરમાં કેદ થઈ જશે. એમેઝોનને હવે ખબર પડી ગઈ છે કે તમે કયાં પ્રકારનાં પુસ્તકો ગમે છે. એટલું જ નહીં, એમેઝોનને એ પણ જાણી ગયું છે કે તમે કયા પ્રકારના માણસ છો, તમને શું પસંદ પડે છે, શાનાથી ગુસ્સે આવે છે ને કઈ વાતે તમને ટેન્શન થઈ જાય છે!

પણ એમેઝોન આ બધા ડેટાનું શંુ કરશે? આનો જવાબ વાંચતા પહેલાં એક પુસ્તક અને એના લેખક વિશે વાત કરી લેવી પડે. યુવલ નોઆહ હરારી. આ નામ બરાબર યાદ રાખી લેજો કેમ કે આજની તારીખે દુનિયાના સૌથી ઇન્ટરેસ્ટિંગ તેમજ ઓરિજિનલ લેખકોમાં યુવલ હરારીનું નામ આનંદપૂર્વક લેવાય જ છે, પણ આવનારાં વર્ષોમાં પણ આ નામ વધુ ને વધુ વજનદાર બનતું જવાનું છે. યુવલ હરારી લખેલું એક પુસ્તકની સંવર્ધિત આવૃત્તિ આ વર્ષે પ્રકશિત થઈ, જેનું શીર્ષક છેઃ ‘હોમો ડુસઃ અ બ્રિફ્ હિસ્ટરી ઓફ્ ટુમોરો.’ હોમો ડુસ (ડીઇયુએસ) એટલે સાદી ભાષામાં કહીએ તો સુપરહૃાુમન યા તો મહામાનવ. બેતાલીસ વર્ષના યુવલ હરારી ઇઝરાયલી લેખક છે. હિબુ્ર યુનિવર્સિટી ઓફ્ જેરુસલેમમાં લેકચરર તરીકે કામ કરે છે. ૨૦૧૪માં બહાર પડેલાં ‘સેપિઅન્સ’ નામનાં પુસ્તકથી યુવલ હરારી પ્રકાશમાં આવ્યા હતા. માનવજાતના ઔઇતિહાસ વિશેનું બેસ્ટસેલર પુસ્તક ચાલીસ ભાષાઓમાં અનુદિત થયંુ છે. આપણે ‘સેપિઅન્સ’ વિશે આ કોલમમાં ઓલરેડી બે ભાગમાં વિગતવાર ચર્ચા કરી ચૂકયા છીએ

વિષય ભલે ભારે હોય અને અભ્યાસપૂર્ણ તેમજ આધારભૂત વિગતોથી લથપથ હોય, પણ યુવલની લખવાની શૈલી એવી કમાલની છે કે વાચકને એવું જ લાગે કે જાણે એ કોઈ દિલધડક જાસૂસી નવલકથા વાંચી રહૃાો છે. એટલેસ્તો કોલેજિયનોથી લઇને તાજા તાજા ભૂતપૂર્વ બનેલા અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, ઘરેઘરે અને ટેબલે-ટેબલે પર્સનલ કમ્પ્યૂટર પહોંચાડવામાં સિંહફળો આપનારા બિલ ગેટ્સ અને ફેસબુક લોન્ચ કરીને દુનિયાભરમાં સોશિયલ હુલ્લડ પેદા કરનારા માર્ક ઝુકરબર્ગ સુધીના સૌ કોઈ યુવલ હરારીના ફેન છે. ‘હોમો ડુસ’ પુસ્તકનાં બેક-કવર પર તમને યુવલ હરારીનાં લખાણના ખોબલે ખોબલે વખાણ કરતા ઓબામા અને બિલ ગેટ્સના કવોટ્સ વાંચવા મળશે. યુવલે ‘હોમો ડુસ’ પુસ્તક એમણે વિપશ્યનાના આચાર્ય અને પોતાના ગુરુ સત્ય નારાયણ ગોએન્કાને અર્પણ કર્યું છે. યુવલ હરારી વિપશ્યનાના અઠંગ સાધક જ નહીં, આસિસ્ટન્ટ ટીચર પણ છે અને અન્યોને વિપશ્યનાની વિદ્યા શીખવામાં મદદ છે. તેઓ ૧૭ વર્ષથી વિપશ્યનામાં પ્રવૃત્ત છે. રોજ સવાર-સાંજ એક-એક કલાક અચૂક વિપશ્યના શૈલીથી મેડિટેશન કરે છે. ઉપરાંત દર વર્ષે ત્રીસથી પિસ્તાલીસ દિવસ સુધી દુનિયાથી તદ્ન કપાઇને અને સંપૂર્ણ મૌન જાળવીને વિપશ્યનાનો એડવાન્સ કોર્સ સુદ્ધાં કરે છે.

‘સેપિઅન્સ’માં યુવલ હરારીએ માનવજાતના લાખો વર્ષોમાં ફેલાયેલા અતીતનું સિંહાવલોકન કર્યું હતું, તો ‘હોમો ડુસ’માં તેમણે માણસજાતના આવનારા ભવિષ્ય વિશે અભ્યાસપૂર્ણ વાતો કરી છે. તેમણે દાખલા દલીલ સાથે સમજાવ્યું છે કે આવતી કાલ આલ્ગોરિધમ્સની છે.

આલ્ગોરિધમ એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો કમ્પ્યૂટર સમજી શકે એવી ફેર્મ્યુલા કે સમીકરણો. એક્વીસમી સદીનું વિજ્ઞાાન કહે છે કે માણસમાત્રનાં વિચારો, વૃત્તિઓ, વર્તન અને વ્યવહાર બીજું કશું નહીં, પણ આલ્ગોરિધમ છે. ચોકકસ પ્રકારની આંતરિક ફેર્મ્યુલા કે સમીકરણોનાં કોમ્બિનેશનના આધારે આ બધું નક્કી થાય છે. લાખો-કરોડો વર્ષોથી જે પ્રકારે માણસની ઉત્ક્રાંતિ થઈ છે, જે પ્રકારના એનાં ડીએનએ છે, જે પ્રકારની પરિસ્થિતિઓમાં માણસ પોતે અને એની અગાઉની હજારો પેઢીઓ મુકાઈ છે અથવા મુકાઈ હતી અને જે પ્રકારનું એનું શારીરિક તંત્ર ગોઠવાયું છે તેના આધારે આ આલ્ગોરિધમ ઘડાય છે. માણસ જ શું કામ, સજીવમાત્રનું આંતરિક અને બાહૃા જીવન આલ્ગોરિધમનું પરિણામ છે.

આજે મશીનો પાસે આપણે જાતજાતનાં કોમ્પ્લિકેટેડ કામ કરાવી શકીએ છીએ, કેટલાય કામ માણસ કરતાં મશીનો વધારે સારી રીતે અને વધારે ઝડપથી કરી શકે છે, ભલે, પણ આપણે એમ માનીને ફ્ુલાઈએ છીએ કે આ મશીન બનાવનારા આખરે તો માણસ જને? મશીન પાસે સ્પર્શ, ગંધ, સ્વાદ, દ્રષ્ટિ અને કાન ઇન્દ્રિયો કયાં છે? મશીન પાસે વિચારશકિત, અંતઃસ્ફ્ુરણા, ક્રિયેટિવિટી અને પ્રેરણાની તાકાત કયાંથી હોવાનાં? મશીન પાસે સંસ્કારો, લાગણીઓ, માંહૃાલો અને આપણે જેને આત્મા કહીએ છીએ તે કયાંથી હોવાનાં? આથી મશીનો ભલે ગમે તેટલાં સ્માર્ટ બને પણ માણસનો હાથ હંમેશાં ઉપર રહેવાનો. આના જવાબમાં એકવીસમી સદીનું વિજ્ઞાાન કહે છે કે એક મિનિટ, ઊભા રહો. માણસ પાસે અંતઃસ્ફ્ુરણા, પંચેન્દ્રિયો, પ્રેરણા વગેરે હોવાને કારણે મશીનો એને કયારેય પહોંચી નહીં શકે તે માત્ર એક વિશફ્ુલ થિંકિંગ છે, ઠાલો આશાવાદ છે. એ દિવસો હવે બહુ દૂર નથી જ્યારે માણસ કરતાંય મશીન વધારે સારી રીતે વસ્તુસ્થિતિનું વિશ્લેષણ કરી શકશે અને વિચાર-વર્તન-વ્યવહારની પેટર્નને પારખી શકશે. આપણે જે વિચારીએ છીએ, નિર્ણયો લઈએ છીએ કે જે વર્તન કરીએ છીએ તે આખરે શું છે? આપણા અનુભવો, પરિસ્થિતિઓ, હજારો-લાખો વર્ષોના વારસો અને જનીનિક-શારીરિક બંધારણના પરિણામે જે કંઈ જમા થયું છે તેના આધારે થતી ગણતરી. આ ગણતરી સાચી હોય એટલું પૂરતું છે. પછી તે ગણતરી માણસ કરે કે મશીન તેનાથી શું ફ્રક પડે છે?

યુવલ હરારી કહે છે કે અઢારમી સદી સુધી ઈશ્વરનો સર્વસત્તાધીશ – અલ્ટિમેટ ઓથોરિટી – તરીકે સ્વીકાર થતો રહૃાો. ઓગણીસમી અને વીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અર્થતંત્રો બદલાયાં, વિજ્ઞાાને હરણફળ ભરી અને અલ્ટિમેટ ઓથોરિટી તરીકે ઇન્ડિવિઝ્યુઅલિઝમ એટલે કે વ્યકિતવાદ અથવા તો ‘હું’ની મહત્તા પ્રસ્થાપિત થઈ. અલબત્ત, ભગવાનમાં શ્રદ્ધા તો રહી જ, પણ વ્યકિત-સ્વાતંત્ર્યનું મહત્ત્વ ઉત્તરોત્તર વધતું ગયું. મારી ઇચ્છાઓ, મારી લાગણીઓ, મારું જીવન, મારી સ્વતંત્રતા… આ બધાનો માલિક હું છું એવી ભાવના સર્વોપરી બની. ક્રમશઃ વિજ્ઞાાન એટલું વિકસ્યું કે આજે આપણું મગજ કરી રીતે કામ કરે છે તે આપણે જાણીએ છીએ, આપણા શરીરમાં કેવા કેવા કેમિકલ લોચા થાય છે અને આ લોચાઓનો શો ઇલાજ છે એની આપણને ઠીક ઠીક ખબર પડવા લાગી છે. ઘણું બધું ઉકેલવાનું હજુ બાકી છે છતાંય શરીર અને મનની આંતરિક રચના હવે પહેલાં જેટલી રહસ્યમય રહી નથી. અધૂરામાં પૂરું કમ્પ્યૂટર સાયન્સ ગજબનાક ગતિએ વિકસી રહૃાું છે. આનું સંયુકત પરિણામ હવે એ આવશે કે એકવીસમી સદીમાં માણસનો વ્યકિતવાદ, એનું ‘હું પણું’ પડી ભાંગશે. અલ્ટિમેટ ઓથોરિટી વ્યકિતવાદમાંથી શિફ્ટ થઈને કમ્પ્યૂટરાઇઝ્ડ આલ્ગોરિધમના હાથમાં આવી જશે. ત્રીસેક વર્ષમાં એવો સમય આવશે કે આપણે ખુદને જાણીએ છીએ એના કરતાં મશીનો આપણને વધારે સારી રીતે જાણવા લાગશે. આપણે પોતાની જાત કરતાં મશીનો પર વધારે વિશ્વાસ મૂકતા થઈ જઈશું!

શું કંઈ બી લખે છે આ માણસ. આ યુવલ હરારીનું ચસકી ગયું લાગે છે. આવું તે કંઈ થોડું હોય?… જો તમારા મનમાં આવા વિચારો ઝબકી ગયા હોય તો જરા થોભી જજો. પોતાની જાત કરતાં મશીન પર વધારે ભરોસો કરવાની શરૂઆત માણસે ઓલરેડી કરી નાખી છે. શકય છે કે તમે પોતે પણ આવું કરતા હો. શી રીતે? અને પેલા એમેઝોન કિંડલનું પછી શું થયું? આના જવાબો આવતા લેખમાં.

[email protected]