મેઘાલયમાં સરકાર, નાગાલેન્ડમાં CM ખુરશી છોડવા તૈયાર નથી - Sandesh
  • Home
  • India
  • મેઘાલયમાં સરકાર, નાગાલેન્ડમાં CM ખુરશી છોડવા તૈયાર નથી

મેઘાલયમાં સરકાર, નાગાલેન્ડમાં CM ખુરશી છોડવા તૈયાર નથી

 | 11:16 am IST

મેઘાલયમાં એનપીપીના કોનરાડ સંગમાએ સીએમ પદના શપથ લઇ લીધા છે. આ ગઠબંધનમાં ભાજપ પણ સામેલ છે. બીજીબાજુ પાડોશી રાજ્ય નાગાલેન્ડમાં સરકારને લઇ રસ્સાકશી તેજ થઇ ગઇ છે. અહીં ભાજપ સરકાર બનાવાની તૈયારીમાં લાગી ગયું છે, પરંતુ આ બધાની વચ્ચે રાજ્યમાં સંવૈધાનિક સંકટની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. એનપીએફના નિવર્તમાન મુખ્યમંત્રી ટીઆર જેલિયાંગે રાજીનામું આપવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે નવી સરકારની રચનાનો પ્રયાસ ચાલુ છે. સોમવારના રોજ નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટે કહ્યું કે તેમણે ગવર્નરને ચૂંટણી પહેલાં જ ગઠબંધનનો પત્ર સોંપ્યો હતો. તેની સાથે જ નેશનલ પીપલ્સ પાર્ટી અને જેડીયુ એ ચૂંટણી પહેલાં જ ગઠબંધન કર્યું હતું.

જો કે જેડીયુએ ચૂંટણી પરિણામો બાદ ભાજપની સાથે જવાની જાહેરાત કરી દીધી. એનપીએફની તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે સરકારની રચના માટે જરૂરી સંખ્યા એકત્ર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આથી હાલ જેલિયાંગના રાજીનામાંનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

એનપીએફએ કહ્યું કે જ્યાં સુધી નવા મુખ્યમંત્રી શપથ લેતા નથી ત્યાં સુધી નિવર્તમાન સીએમ કેયરટેકર તરીકે બની રહી શકે છે. બીજીબાજુ ભાજપના નેતા અને નૉર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના સંયોજક હેમંતા બિશ્વા સરમાએ કહ્યું કે ભાજપનું એનપીએફની સાથે ગઠબંધન ખત્મ થઇ ગયું છે. તેમણે કહ્યું કે અમે એનપીએફની સાથે મળી રાજ્યમાં 15 વર્ષ સુધી કામ કર્યું. અમારો સાથ ખત્મ થઇ ગયો અને પછી અમે એનડીપીપીની સાથે મળીને સરકાર બનાવી. અમે ચૂંટણી એનડીપીપીની સાથે મળીને લડ્યા હતા, એનપીએફની સાથે નહીં.

આપને જણાવી દઇએ કે એનપીએફની તરફથી કેટલીય વખત કહેવામાં આવ્યું હતું કે તેનું ભાજપની સાથે ગઠબંધન હજુ પણ યથાવત છે, તેના જવાબમાં સરમાએ આ વાત કહી. સરમાએ કહ્યુંકે ચીફ મિનિસ્ટર જેલિયાંગને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઇએ અને નવી સરકારની રચનાનો રસ્તો સાફ કરવો જોઇએ. તેમણે કહ્યું કે એનડીપીપી-ભાજપ ગઠબંધનને પૂર્ણ બહુમત પ્રાપ્ત થઇ છે. 60 સીટો વાળા નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને 28 સીટો મળી છે. એક નિર્દલીય અને એક જેડીયુ એમએલએ એ પણ ભાજપના સમર્થનની જાહેરાત કરી છે. એનપીએફને એકલા દમ પર 27 સીટો મળી છે.