NRC's exercise to dispel intruders from Gujarat
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સાવધાન, રૂપાણી સરકાર ભરવા જઇ રહી છે આ પગલું

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સાવધાન, રૂપાણી સરકાર ભરવા જઇ રહી છે આ પગલું

 | 8:10 am IST

। ગાંધીનગર ।

આસામની જેમ ગુજરાતમાં પણ નેશનલ સિટીઝન એક્ટ હેઠળ નાગરીકતા અંગેના દસ્તાવેજીકરણ માટે રાજ્યમાં ભાજપની સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન અર્થાત NRC ઝુંબેશ આરંભવાની તૈયારી કરી છે.

ગુજરાતમાંથી અનેક ગુનાહિત કૃત્યોમાં બાંગ્લાદેશીઓ પકડાયા છે. બનાવટી દસ્તાવેજોને આધારે ભારતના નાગરીક, ગુજરાતના મતદાર, રેશનકાર્ડ મેળવી ચૂકેલા અફઘાની, પાકિસ્તાની સહિતના ઘુસણખોરોને દસ્તાવેજોને આધારે NRC હેઠળ ૨૪ માર્ચ ૧૯૭૧ની કટ ઓફ ડેટથી અલગ તારવીને દેશવટો અપાશે. તેના માટે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકારે પણ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અને અત્યાર સુધીમાં નોંધાયેલા પોલીસ કેસનો અભ્યાસ શરૂ કર્યો છે.

જેના આધારે ઓક્ટોબર- નવેમ્બર મહિનામાં NRC ઝુંબેશ અંગે નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દેશભરમાં NRC લાગુ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. ગુરૂવારે ર્સ્વિણમ સંકુલ-૨માં સોલાર પ્રોજેક્ટ સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ સંદેશ સાથેની મુલાકાતમાં  મુખ્યમંત્રી વિજય રૂપાણીને NRC સંદર્ભે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે ‘બીજા  રાજ્યોની જેમ ગુજરાતમાં પણ NRCની જરૂરીયાત છે જ’ તેમ જણાવીને સરકારની તૈયારી સંદર્ભે ઈશારો કર્યો હતો.

અહીં એ ઉલ્લેખ કરવો આવશ્યક છે કે, ગુજરાતમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ અમદાવાદ, સુરત, ભૂજ, વડોદરા, જામનગર જેવા શહેરોમાં છે. જેમાંથી અધિકાંશ લોકો તો બનાવટી દસ્તાવેજોને આધારે ભારતનું નાગરીકત્વ મેળવવામાં પણ સફળ થઈ ચૂક્યા છે.

પાંચ વર્ષમાં અમદાવાદમાંથી ૨૦૦ સહિત ગુજરાતમાંથી ૨૫૭ બાંગ્લાદેશી પકડાયા

વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા ૨૫૭ બાંગ્લાદેશી પકડાયા છે. તેમાંથી ૨૦૦ તો માત્ર અમદાવાદમાંથી પોલીસે પકડયા છે. ઈન્ટલિજન્સના રિપોર્ટ મુજબ ગુજરાતમાં એક અંદાજે ૫૦ હજારથી વધારે બાંગ્લાદેશીઓ છે. દ્યોગિક ક્ષેત્રોમાં શ્રમિકોમાં તેમની વસ્તી છે. બાંગ્લાદેશીઓ પાસે રેશનકાર્ડ, આધારકાર્ડ અને મતદાતા ઓળખકાર્ડ પણ હોવાનું સામે આવ્યું છે.

જોકે, ૨૪ માર્ચ ૧૯૭૧ની કટઓફ ડેટ પહેલાનાં પુરાવા ન હોવાથી એનઆરસી ઝુંબેશના આધારે આવા ઘૂસણખોરોને ગુજરાતમાં અલગ તારવી શકાય તેમ છે. આ ઉપરાંત પોલીસ ચોપડે નોંધાતા દેહવ્યપાર, ગુનાહિત કૃત્યોમાં તેમની સંડોવણીને કારણે તેમના વસવાટના સ્થળો પણ પોલીસે અલગ તારવ્યા છે. વિતેલા પાંચ વર્ષમાં સુરતમાં ૧૨, ભૂજમાંથી ૧૫, પાલનપુરમાં ૭, વડોદરામાં ૩ બાંગ્લાદેશી પકડાયા છે.

આ ઉપરાંત મહેસાણામાં ૧, ભરૂચ ૧, મોરબી ૧, ગાંધીનગર ૨, પાટણ ૧, ગાંધીધામ ૨, ખેડા ૨, દ્વારકા ૪, પંચમહાલ ૧, બાંગ્લાદેશીઓ પકડાયા છે. તાજેતરમાં અમદાવાદમાંથી એસઓજીએ ૪૭ જેટલાં બાંગ્લાદેશીઓને પકડયા હતા.

હરિયાણા, ઝારખંડ, UPની તૈયારી, અમિત શાહે કહ્યું દેશભરમાં NRC જરૂરી

આસામ પછી હરિયાણા, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યોમાં NRC અમલમાં મુકવાની સંદર્ભે જાહેરાત કરી ચૂક્યા છે. બે દિવસ પૂર્વે પ્રાઈવેટ ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં NRC લાગુ કરવાનો ઈરાદો જાહેર કર્યો હતો. અત્રે એ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે, ગુજરાતમાં બાંગ્લાદેશીઓ ઉપરાંત ૨૪ માર્ચ ૧૯૭૧ પછી પાકિસ્તાનથી આવેલા લોકોની સંખ્યા પણ છે.

આ પણ જુઓ વીડિયો: સુરતમાં જહાંગીરપુરા-ડભોલી બ્રિજ પર ટ્રાફિકની વિચિત્ર સમસ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન