USમાં વધુ એક હત્યા, સ્ટોરથી પાછા ફરતા ગુજરાતી બિઝનેસમેનને ગોળી ધરબી દેવાઈ - Sandesh
  • Home
  • Gujarat
  • USમાં વધુ એક હત્યા, સ્ટોરથી પાછા ફરતા ગુજરાતી બિઝનેસમેનને ગોળી ધરબી દેવાઈ

USમાં વધુ એક હત્યા, સ્ટોરથી પાછા ફરતા ગુજરાતી બિઝનેસમેનને ગોળી ધરબી દેવાઈ

 | 1:32 pm IST

અમેરિકાના કેન્સાસમાં ભારતીય એન્જિનિયરની હત્યાના આઘાતથી ભારત હજુ બહાર નહતું આવ્યું અને ત્યાં ન્યૂયોર્કમાં ભારતીય યુવતી સાથે ટ્રેનમાં અભદ્ર વ્યવહારનો મામલો સામે આવ્યો. ત્યારબાદ વધુ એક હત્યાનો મામલો સામે આવતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે. સાઉથ કેરોલિનામાં રહેલા ભારતીય મૂળના ગુજરાતી બિઝનેસમેનને તેમના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટના ગુરુવારની રાતની છે.

હર્નિષ પટેલ લગભગ રાતે 11.24 વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ઘરે જવા માટે રવાના થયા હતાં. 10 જ મિનિટની અંદર લેન્કસ્ટરમાં ઘરથી થોડી દૂર જ કોઈએ તેમને ગોળી મારી દીધી હતી. ગુરુવારે રાતે કોઈ મહિલાએ પોલીસને ફોન કરીને આ ઘટના અંગે જાણકારી આપી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેણે ફાયરિંગના અવાજો અને બૂમો સાંભળી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે હર્નિષને તેના ઘરેથી થોડે દૂર મૃત અવસ્થામાં જોયા હતાં. હર્નિષના હત્યારાને હજુ પોલીસ શોધી શકી નથી. આ મામલે તપાસ ચાલી રહી છે.

સ્થાનિક માધ્યમોના અહેવાલો મુજબ હર્નિષની હત્યાને લઈને લેન્કસ્ટરના લોકોમાં ખુબ નારાજગી છે. હર્નિષની દુકાન શહેરના શેરીફની ઓફિસ પાસે જ હતી. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. હર્નિષને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની દુકાન બહાર બલૂન્સ અને ફૂલ મૂકવામાં આવી રહ્યા છે. ભારતીય મૂળના લોકો ઉપરાંત મોટી સંખ્યામાં અમેરિકનો પણ સામેલ છે. દુકાનની બહાર એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે પરિવારમાં કટોકટીની સ્થિતિના કારણે આ દુકાન થોડા દિવસો માટે બંધ છે. અસુવિધા માટે ખેદ છે.

અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ 22મી ફેબ્રુઆરીએ એક અમેરિકી નાગરિકે બારમાં ઉગ્ર ચર્ચા બાદ બે ભારતીયો શ્રીનિવાસ અને તેમના દોસ્ત આલોક મદાસાનીને ગોળી મારી હતી. જેમાં શ્રીનિવાસનું મોત નિપજ્યું હતું. આરોપીએ ભારતીયોને આતંકવાદી પણ કહ્યાં હતાં. ફાયરિંગ કરતી વખતે અમેરિકી નાગરિકે ભારતીયોને અમેરિકા છોડી દેવા પણ જણાવ્યું હતું. ભારત અને અમેરિકા બંને દેશોમા આ ઘટનાની ખુબ જ ટિકા થઈ હતી.

ન્યૂયોર્કમાં રહેતી એક ભારતીય યુવતી એક્તા દેસાઈ સાથે પણ ટ્રેનમાં અભદ્ર વ્યવહાર થયો હતો. એક્તાએ તો ઘટનાનો વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. સૌથી શરમજનક વાત એ હતી કે ઘટના સમયે ટ્રેનમાં અનેક લોકો હાજર હતાં પરંતુ કોઈ તેની મદદ માટે આવ્યુ નહતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન