NRI News: Anxiety wave among more than 30,000 Gujarati students in America
  • Home
  • Ahmedabad
  • અમેરિકામાં 30 હજાર કરતાં વધુ ગુજરાતી વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું, US જવા ઈચ્છતા લોકો ખાસ વાંચે

અમેરિકામાં 30 હજાર કરતાં વધુ ગુજરાતી વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું, US જવા ઈચ્છતા લોકો ખાસ વાંચે

 | 8:54 am IST

અમેરિકામાં ફોલ સેમેસ્ટરમાં ફક્ત ઓનલાઇન ક્લાસિસ ચાલુ રાખનારી કોલેજોમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવા આદેશ થયો છે તેના પગલે અમેરિકામાં અભ્યાસ કરતા ગુજરાતના આશરે ૩૦,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે. આ વર્ષે જે યુનિવર્સિટીઓ બધા કોર્સના ઓનલાઈન ક્લાસ ચલાવવાની છે તેવા વિદ્યાર્થીઓને વિઝા નહીં મળે. તેના કારણે અમેરિકા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું અમેરિકા સ્ટડીનું સ્વપ્ન હાલ રોળાયું છે.

અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓમાં ગુજરાતનો નંબર ચોથો છે. મુંબઈ, બેંગ્લુરૂ, પૂણે બાદ ગુજરાતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણવા માટે જાય છે. કોરોનાના કારણે ઓગસ્ટથી શરૂ થતા ફોલ સેમેસ્ટર માટે આ નિયમ લાગુ પડવાનો છે. તેના કારણે આ સેમેસ્ટરમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓને વિઝા જ અપાયા નથી.

તેમણે એક સેમેસ્ટર અહીં ગુજરાતમાં રહીને જ ઓનલાઈન અભ્યાસ કરવો પડશે. જ્યારે જે વિદ્યાર્થીઓ બે કે ત્રણ વર્ષથી ત્યાં જ રહીને અભ્યાસ કરે છે અને તેની યુનિવર્સિટી જો કોર્સ ઓનલાઈન કે ટીચિંગ ઓનલાઈન કરે તો આવા વિદ્યાર્થીઓને પરત ફરવાની નોબત આવી શકે છે. અલબત્ત તેમના વિઝા રદ નહીં થાય.

ફોલ સેમેસ્ટર પછી આવા વિદ્યાર્થી પરત અમેરિકા જઈ શકશે. ઉદાહરણ તરીકે જો યુનિવર્સિટીઓ બે ક્લાસ ઓનલાઈન કરે અને એક ક્લાસ ફિઝિક્લ કરે તો વિદ્યાર્થીઓને પરત આવવાનું નહીં બને. પરંતુ જો સંપૂર્ણ કોર્સ ઓનલાઈન કરે તો વિદ્યાર્થી પર દેશ પરત આવવાનું જોખમ ઊભું રહે છે.

કેટલાએ પાછા ફરવું પડશે તેનું ચિત્ર સ્પષ્ટ થતાં હજુ સમય લાગશે

અમેરિકામાં કોરોનાના કારણે હજુ કેટલી યુનિ. ઓનલાઈન ક્લાસ ચલાવશે, કેટલી ફિઝિક્લ ક્લાસ ચલાવશે, કેટલી યુનિવર્સિટી બંને મિક્સ કરીને ક્લાસ ચલાવશે તે નક્કી નથી. તેના કારણે અમેરિકામાં ભણતા દરેક ગુજરાતી વિદ્યાર્થીમાં ચિંતા ફેલાઈ છે. જ્યાં સુધી સ્થિતિ ક્લિયર નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઉચાટમાં રહેશે.

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ફી પર નભતી યુનિવર્સિટી રસ્તો કાઢશે 

અમેરિકામાં નાની નાની યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓની ફી પર જ નભતી હોય છે. જો આવી યુનિવર્સિટી કોર્સ ઓનલાઈન કરે તો એક સેમેસ્ટરની ફી જતી કરવી પડે. યુએસમાં હાર્વર્ડ, પ્રિન્સ્ટન, એમઆઈટી જેવી યુનિવર્સિટીઝમાં એક સેમેસ્ટરની રૂ.૫૦ હજાર ડોલર જેટલી ફી હોય છે અને એવરેજ યુનિવર્સિટીમાં રૂ.૧૫ થી ૨૦ હજાર ડોલરની ફી હોય છે. હવે આ ફી જતી કરવી કે કેમ ? તે દરેક યુનિવર્સિટીએ નક્કી કરવાનું છે. વળી જો ત્યાં ભણવા જેટલી જ ફી ઓનલાઈનમાં રાખે તો કેટલા વિદ્યાર્થી ભણવા તૈયાર થાય ? તે પણ એક પ્રશ્ન છે. ઘણા વિદ્યાર્થી દેશમાં પરત આવે પછી પાછા ન પણ જાય તેવું પણ બની શકે છે.

નિર્ણય સામે ઓનલાઇન પિટિશન 

ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઈસ દ્વારા લેવાયેલા નિર્ણયને બદલવા અને તેનો ઉગ્ર વિરોધ કરવા ઓનલાઈન પિટિશનની ઝુંબેશ પણ શરૂ થઈ ગઈ છે. અમેરિકાના કેટલાંક સંગઠનોએ આ નિર્ણયને કોર્ટમાં ચેલેન્જ કરવાનીય તજવીજ હાથ ધરી છે.

પાછા ફરવું પડે તો પણ કેવી રીતે આવશે ?

જે વિદ્યાર્થીઓની હાલની યુનિ/કોલેજમાં ઓનલાઈન કોર્સ જ છે અને તેઓ બીજે વિકલ્પ શોધી નથી શક્યા તેમણે હાલની સ્થિતિએ તો ફરજિયાત સ્વદેશ પાછા ફરવું પડશે. પણ અત્યારે ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને વંદે ભારત મિશન પર અમેરિકાએ રોક લગાવેલી છે. આ સંજોગોમાં આવા વિદ્યાર્થીઓની હાલત વધુ કફોડી થવાની તે નક્કી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન