NRI News At 6000 Indian workers trapped in Oman, including 150 from South Gujarat
  • Home
  • Corona
  • ઓમાનમાં દ. ગુજરાતના 150 સહિત 6000 ભારતીયો ફસાયા, હૃદયદ્રાવક પોકાર કરતો વીડિયો જોઈને આંખો ભીંજાશે, હાલત એવી કે..

ઓમાનમાં દ. ગુજરાતના 150 સહિત 6000 ભારતીયો ફસાયા, હૃદયદ્રાવક પોકાર કરતો વીડિયો જોઈને આંખો ભીંજાશે, હાલત એવી કે..

 | 7:32 am IST

પોકાર કરતો વીડિયો ‘સંદેશ’ને મોકલ્યો  ..રાજસ્થાનીને મારઝૂડના વિરોધમાં કામદારો તોફાને ચઢતાં કંપની બંધ કરી દેવાઇ   

ઓમાનની એક કંપનીમાં છેલ્લાં ૨થી ૫ વર્ષથી નોકરી કરી રહેલા દક્ષિણ ગુજરાતના ૧૫૦ સહિત કુલ ૬૦૦૦ જેટલા ભારતીય કામદારો ફસાઇ ગયા છે. કંપનીમાં કેમ્પમાં રાખવામાં આવેલા કામદારોની હાલત કફોડી બનતા તેઓને કોઇપણ રીતે વતન પરત પહોંચાડવા માટે સરકારની મદદ માંગતો વીડિયો ‘સંદેશ’ને મોકલ્યો છે.

કપરાડા તાલુકાના સુખાલા ગામના નિશાળ ફળિયામાં રહેતા સતીષ ગુલાબભાઇ પટેલ નામના કામદારે ઓમાનથી સંદેશનો સંપર્ક કરીને જણાવ્યું કે, ઓમાનની, બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલી અલ તુર્કી કંપનીમાં દ.ગુજરાતના ૧૫૦ સહિત ભારતના ૬૦૦૦ જેટલા કામદારો નોકરી કરે છે.

દ.ગુજરાતના ૧૫૦ ગુજરાતીઓ સહિત દેશના ૪૦૦૦ કામદારોવાળા કેમ્પના એક રાજસ્થાની મજૂરને કોઇક કારણસર કંપનીના સિક્યુરિટી કર્મચારીઓએ ચાલી શકે નહીં તેટલી હદે મારઝૂડ કરતા, તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો. કંપની આ ઘટના બાદ તોફાને ચઢેલા દેશના અન્ય પ્રાંતના કામદારોએ કંપનીમાં ભારે તોડફોડ કરી હતી. તેથી ૧૭ દિવસ પહેલાં કંપની બંધ કરી દેવાઇ હતી.

સતીષ પટેલે સંદેશને જણાવ્યું કે, કામદારોને નવ માસ, ૧૫ માસ, બે વર્ષના કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. પાંચ વર્ષે પહેલાં જ્યારે ઓમાનના ૧ રિયાલના ભારતના ૧૬૦ રૂ. થતા હતા, ત્યારે ૧૨૫ રિયાલ ચૂકવાતા, હવે ભારતના ૧૯૬ રૂ. થયાં તો ૯૫થી ૧૦૦ રિયાલ જ પગાર પેટે ચૂકવાય છે. અગાઉ ૧૨ કલાકની ડયૂટી આપતા, જેનો ઓવરટાઇમ ચૂકવાતો હતો.

હવે ડયૂટીનો સમય ૯ કલાકનો કરીને, ઓવરટાઇમ બંધ કરી દેવાયો છે. જ્યારે ૧૨ કલાકનું કામ ૯ કલાકમાં કરવાની ફરજ પડાય છે. હાલ કંપની બંધ છે, કામદારોને ઉતરતી કક્ષાનું ભોજન અપાય છે, પીવાનું પાણી આપતા નથી. તેમના કેમ્પથી ભારતીય એમ્બેસી કેમ્પ ૩૦૦ કિ.મી. દૂર છે. ત્યાં આગળ કામદારોને જવા દેવાતા નથી. કામદારોએ ઇમો એપ મારફતે સરકાર સમક્ષ હૃદયદ્રાવક ચિતાર રજૂ કરીને મદદની પોકાર કરતાં જણાવ્યું કે, તેઓને કોઇપણ ભોગે વતન પરત પહોંચાડવામાં આવે. તેઓ હવે ઓમાનમાં રહેવા માંગતા નથી.

ખેરગામના આછવણી ગામના યુવકનો આપઘાત

સુખાલાના સતીષ પટેલે સંદેશને જણાવ્યું કે, દ.ગુજરાતના  ૧૫૦ કામદારોના જીવ ટાળવે ચોંટયા છે. ભારત સરકાર તરફ મદદની મીટ મંડાયેલી છે.  ક્યારે બસ આવે અને તેઓને ભારતીય એમ્બેસી કેમ્પ સુધી પહોંચાડે તેની રાહ જોતા કંપનીના કેમ્પના ગેટ પાસે સામાન લઇને ઊભા છે. કંપનીની મનમાનીથી કામદારો ત્રાસી ગયા છે.

માનસિક રીતે ભાંગી પડયા છે. મદદની આશ પુરી ન થત ન દેખાતાં તેઓમાં હતાશા ઘર કરવા માંડી છે. આવી સ્થિતિ વચ્ચે ખેરગામના આછવણી ગામના દીપકભાઇ નામના કામદારે ગતરોજ કેમ્પની અંદર જ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ બાદ માહોલ વધુ બિહામણો બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન