નવા વર્ષ પર કિમની અમેરિકાને મોટી ધમકી, મારા ટેબલ પર જ છે પરમાણુ મિસાઈલનું બટન - Sandesh
  • Home
  • World
  • નવા વર્ષ પર કિમની અમેરિકાને મોટી ધમકી, મારા ટેબલ પર જ છે પરમાણુ મિસાઈલનું બટન

નવા વર્ષ પર કિમની અમેરિકાને મોટી ધમકી, મારા ટેબલ પર જ છે પરમાણુ મિસાઈલનું બટન

 | 9:52 am IST

વર્ષ 2017માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગે એકબીજાને નષ્ટ કરવાની અનેકવાર ધમકી આપી હતી. કિમે નવા વર્ષની શરૂઆત પર જ અમેરિકાને મોટી ધમકી આપી છે. નવા વર્ષ પર દેશને સંબોધિત કરતા કિમ જોંગે કહ્યું કે, તે અમેરિકાના કોઈ પણ હિસ્સાને નિશાન બનાવી શકે છે. તેમણે કહ્યું કે, સમગ્ર અમેરિકા અમારા પરમાણુ હથિયારોના દાયરામાં છે અને ન્યૂક્લિયર બટન હંમેશા મારા ડેસ્ક પર જ હોય છે. આ ધમકી નથી, સત્ય હકીકત છે.

કિમના જણાવ્યા અનુસાર, અમેરિકા હવે નોર્થ કોરિયાની વિરુદ્ધ ક્યારેય પણ યુદ્ધ નહિ માંડે. અમે અમેરિકાના તમામ હિસ્સા પર પરમાણુ હુમલાની ક્ષમતા વિકસિત કરી લીધી છે. કિમે કહ્યું કે, અમેરિકા ક્યારેય મારી સાથે કે મારા દેશ સાથે લડાઈ નહિ કરે. હું કોઈને બ્લેકમેલ નથી કરી રહ્યો. પરંતુ આ સત્ય છે. કિમે પોતાના ભાષણમાં કહ્યું કે, આપણો દેશ સૌથી મોટી ન્યૂક્લિયર શક્તિ બનીને ઉભરશે.

સાઉથ કોરિયા સાથે વાતચીત માટે તૈયાર
આ દરમિયાન તાનાશાહે સાઉથ કોરિયાને પણ સંદેશ આપ્યો અને કહ્યું કે, વાતચીતના રસ્તા ખુલ્લા છે અને પ્રાયદ્વીપથી સૈન્ય તણાવ ઓછું કરવું જરૂરી છે. સાઉથ કોરિયામાં ફેબ્રુઆરીમાં થવા જઈ રહેલા વિન્ટર ઓલિમ્પિક્સમા નોર્થ કોરિયાના પ્લેયર્સને મોકલવા પર કિમે કહ્યું કે, શક્યતા છે કે, બંને કોરિયાના અધિકારી જલ્દી જ મુલાકાત કરશે અને આ વિશે વિચાર કરશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ આયોજન સફળ થાય. કિમે કહ્યું કે, સાઉથ કોરિયામાં વિન્ટર ઓલિમ્પિક્સ કોરિયન દેશની સ્થિતિને પ્રદર્શિત કરવાનો સારો મોકો છે.

કિમે કહ્યું કે, પ્યોંગયાંગ અને સિયોગે પોતાના સંબંધોમાં સુધાર કરવો જોઈએ. સાથે જ નોર્થ કોરિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ ત્યારે જ કરશે જ્યારે તેની સુરક્ષા પર ખતરો મંડરાઈ રહ્યો હશે.