ઓ મેરે સપનોં કે રાજા - Sandesh

ઓ મેરે સપનોં કે રાજા

 | 12:04 am IST

વાર્તા :- અમૃત વડિયા

ભામિનીબહેન, આ મિસ્ટર ભાસ્કર રાવ છે. મારી ઓફિસમાં નવા જ જોડાયા છે. અમદાવાદના છે. એ એકલા જ છે. મેં એને આપણે ત્યાં વ્યવસ્થા થઈ જશે એમ કહ્યું છે, એટલે આવ્યા છે! ભામિનીએ ભાસ્કર સામે નજર સ્થિર કરતાં જ એ જાણે સ્થિર થઇ ગઈ! એની આંખોમાં અજબની ચમક આવી ગઈ અને દિલમાં આનંદની છોળ ઉછળવા માંડી. એણે થોડી ક્ષણો બાદ સ્વસ્થ થતાં કહ્યું, વાસુભાઈ, તમે આમને લાવ્યા છો અને ભલામણ કરો છો તો મારે ના પાડવાનો સવાલ જ નથી. આપણા ગેસ્ટરૂમમાં જ તમારી સાથે જ એમને રહેવાની વ્યવસ્થા કરી દો. અને ચા-પાણી, નાસ્તો અને બે ટાઈમ જમવાનું તો હોવાનું જ. હવેથી તમે અમારા પરિવારના સભ્ય જ છો. કહી ભામિનીએ ભાસ્કર સામે સ્મિત કર્યું.

વાસુભાઈ થેંક્સ કહી ભાસ્કરને ઉપરના માળે દોરી ગયા ત્યારે ભામિની તેના તરફ જ જોતી રહી. એને સમજ નહોતી પડતી કે તેને શું થઈ રહ્યું છે? અત્યાર સુધીમાં તેને ત્યાં અનેક યુવાનો આવી ગયા પરંતુ ક્યારેય આવું ખેંચાણ થતું ન હતું. તેના પપ્પાને મિલમાંથી નોકરી છૂટી ગઈ પછી બીજી નોકરી મળતી ન હતી અને નાસીપાસ થઈ ગયા હતા. ત્યારે મમ્મીએ જ તેમને હિંમત બંધાવી ટિફિનનું કામ ચાલુ કર્યું હતું. પરિવારમાં તે ત્રણ બહેનો જ હતી. ત્રણેય અભ્યાસ સાથે મમ્મીને રસોઈ સહિતના ઘરકામમાં મદદ કરતી. પપ્પાએ કેટલાક મિત્રો અને જાણીતાઓને જાણ કરીને હોટલોનું નહીં પણ ઘરનું ખાવાનું ઈચ્છતા નોકરિયાતોને શોધી કાઢયા. મમ્મીની ધગશ અને સ્વાદિષ્ટ રસોઈની આવડતે ટિફિનની સંખ્યા વધવા માંડી અને ઘરે પણ રસોડું ચાલુ કરી દેતા સારો પ્રતિસાદ મળવા માંડયો. તેઓની આર્િથક સંકડામણ દૂર થઈ ગઈ અને ધીરેધીરે સધ્ધર થવા માંડયા. બે બહેનોને પણ ધામધૂમથી પરણાવી દીધી. એ પછી મોટું ઘર હોવાથી ઉપરના બે ત્રણ રૂમ ગેસ્ટહાઉસ બનાવી દીધા. બેંકો અને કંપનીઓમાં બહારથી આવતા કર્મચારીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ન હોય તેમના માટે આ ગેસ્ટહાઉસ ઘર બની જતું. જોકે તે માટે તેનાં મમ્મી-પપ્પા બહુ કડક હતાં. ખૂબ જ જાણીતા અને વિશ્વાસ મૂકી શકાય એવા ગ્રાહકો કે મિત્રોની ભલામણ જ સ્વીકારતાં. વધુ જગ્યા ન હોવાથી ચાર-પાંચ વ્યક્તિઓને રાખતાં અને તેઓને સવારનાં ચા-પાણી, નાસ્તો, રૂમની સાફસફાઈ, કપડાં, પાણી તેમજ જરૂરી તમામ ચીજવસ્તુઓ અંગે કશી જ અગવડ પડવા ન દેવાતી. રૂમમાં ટીવી., ફ્રિજ પણ મૂક્યાં હતાં. જમવા માટે મોટો હોલ હતો. તેઓ ઇચ્છતાં હોત તો મોટી લોજ શરૂ કરી શક્યાં હોત, પરંતુ પપ્પાનું અવસાન થયા બાદ મમ્મીએ એવી ઝંઝટમાં ન પડવાનું વિચાર્યું. એ કહેતી કે હવે તું જ તો માત્ર છે એટલે તારા મેરેજ થઈ જશે તે પછી આ બધી ઝંઝટ કોણ કરવાનું ! હું ખૂબ આરામથી જીવી શકું એટલી મૂડી તો મારી પાસે થઈ ગઈ છે જ. એટલે પછી હું આરામ જ કરવાની! હું જ બીજેથી ટિફિન મંગાવી લઈશ!

મમ્મીની એ વાત સાંભળી એને મનોમન બાળપણની વાર્તા યાદ આવતી. એમાં રાજકુમારી માટે સપનાનો રાજકુમાર આવતો અને પછી બંને પરણી જતાં! એ પણ એવું જ ઈચ્છતી. એને હંમેશાં એમ જ લાગતંુ નક્કી કોઈ સપનાનો રાજકુમાર જેવો યુવાન આવશે અને તેને એ પરણશે પરંતુ પછી તો એ પરણે તે પહેલાં જ મમ્મીએ પણ કાયમી વિદાય લેતા એ એકલી થઈ ગઈ. બહેનો તેનાં લગ્ન માટે મુરતિયા પણ શોધી આપતી, પરંતુ તે ના જ પાડતી. એ કહેતી કે હું તો મારી રીતે જ મારા પાત્રને શોધી લઈશ, પરંતુ એને ગમે એવો કોઈ યુવાન હજી સુધી મળ્યો ન હતો. એનું દિલ હંમેશાં કહ્યા કરતું કે ભામિની, તારો કૃષ્ણ એક દિવસ ચોક્કસ આવશે, તારે એને શોધવા નહીં જવું પડે. એણે પોતાનો ટિફિનનો વ્યવસાય બંધ કરીને ઘરે જ જમાડવાનો અને ગેસ્ટરૂમનો વ્યવસાય ચાલુ રાખ્યો હતો. એ આર્િથક રીતે સધ્ધર હોવાથી વધુ હાયવોયનો સવાલ જ ન હતો. જોકે એને ઘણીવાર આ વ્યવસાય છોડીને કંઈ બીજું કરવાનો વિચાર આવતો તો ગ્રેજ્યુએટ હોવાથી નોકરી મળી શકે એમ હતી, પરંતુ એમાં આટલી આવક શક્ય ન હતી. તેને ટયૂશન ક્લાસીસનોય વિચાર આવતો, પરંતુ હવે આ વ્યવસાય જ ફાવી ગયો હતો અને પોતે માણસો રાખી લીધા હોવાથી કોઈ બોજ ન હતો. જે જમવા આવતા તે અને અહીં ગેસ્ટહાઉસમાં રહેતા તે લોકો લાંબા સમયથી હોવાથી ચિંતા ન રહેતાં એ ચાલીસીની નજીક પહોંચી ગઈ હોવા છતાં હજી યુવાન જ લાગતી હતી. તેને કેટલાક યુવાનો પ્રત્યે આકર્ષણ પણ થયું હતું પરંતુ કોઈ એ ઈચ્છે એવો રાજકુમાર ન હતો. હવે એને પોતાને પણ મેરેજ કરવાની બહુ ઇચ્છા થતી ન હતી. એ ક્યારેક  વિચારતી તો એવું લાગતું કે એવો કોઈ રાજકુમાર આવવાનો નથી, એવું બધું વાર્તાઓમાં હોય, હકીકતમાં ન હોય!

પરંતુ આજે અચાનક ભાસ્કરને જોતાં જ એને કંઈક અજબ લાગણી થઈ રહી હતી. તેને લાગ્યું કે આ એ જ છે જેની તે રાહ જોતી હતી. તેણે પહેલા દિવસથી જ ભાસ્કરનો ખાસ ખ્યાલ રાખવા માંડયો. એ એક બેંકમાં ઓફિસર હતો. તેનો પરિવાર વેલ એજ્યુકેટેડ અને પૈસેટકે સુખી હતો. ભામિનીએ પોતે રસોઈ બનાવવાનું તો ક્યારનુંય છોડી દીધું હતું, પરંતુ એણે ભાસ્કર આવતા જાતે જ રસોઈ કરવા માંડી. ભાસ્કરને શું શું ભાવે છે તે જાણી લીધું અને તે મુજબ વાનગીઓ બનાવતી. ભાસ્કર તેની રસોઈનાં ખૂબ વખાણ કરતો અને તેને તેની સાથે ફાવવા માંડતા તેની સાથે વાતો કર્યા કરતો.

એક દિવસ બંને એકલાં હતાં ત્યારે એણે ભાસ્કરને મેરેજ અંગે પૂછતાં એ બોલ્યો, ભામિની, મારી લાઈફમાં છોકરીઓ તો ઘણી આવી ગઈ પણ કોઈ સાથે આગળ ન વધી શક્યો. હાલ પણ મારાં મમ્મી-પપ્પા માથંુ ખાધા કરે છે, પરંતુ હું તેઓને કહું છું કે મને મારી પસંદની રાજકુમારી મળી જશે ત્યારે તમને જાણ કરીશ.

ઓહ, તારું પણ મારા જેવું જ છે એમને? ભામિનીએ ધડકતાં દિલે કહ્યું.

ભાસ્કર ભામિનીએ શું કહ્યું તે કંઈ સમજ્યો નહીં, પરંતુ એણે ખૂબ ઝડપથી કહ્યું, ભામિની, મેં આજે જ મારાં મમ્મી-પપ્પાને વોટ્સએપ મેસેજ કરી દીધો છે કે મને મારી સપનાની રાજકુમારી મળી ગઈ છે!

હેં? શું વાત કરે છે? કોણ છે? ભામિનીએ ફરી ધબકતાં દિલે પૂછયું.

જો ભામિની, વાસુભાઈએ તારા વિશે મને બધું જ કહ્યું છે, પરંતુ મને તો તને જોઈ એવું જ લાગ્યું કે આ જ તો છે મારા સપનાની રાજકુમારી! એટલે જ તો મેં તને પૂછયા વિના જ મારાં મમ્મી-પપ્પાને તારો ફોટો પણ મોકલી આપ્યો છે!

શું વાત કરે છે? મને હતું જ કે એક દિવસ મારા સપનાનો રાજકુમાર આવશે જ. એમ ખુશીથી ઉછળી ભામિની ભાસ્કરને ભેટી પડી.

(તસવીર પ્રતીકાત્મક છે)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન