ઓકાપીની જીભ એટલી લાંબી કે  જીભથી કાન અને આંખો સાફ કરે! - Sandesh
  • Home
  • Kids Corner
  • ઓકાપીની જીભ એટલી લાંબી કે  જીભથી કાન અને આંખો સાફ કરે!

ઓકાપીની જીભ એટલી લાંબી કે  જીભથી કાન અને આંખો સાફ કરે!

 | 12:01 am IST

જંગલબુક :- નીરવ દેસાઈ

ઓકાપી સસ્તન પ્રાણી છે. તે સામાન્ય રીતે મધ્ય આફ્રિકાના લોકતાંત્રિક ગણરાજ્ય કાંગોના ઈટુરી વર્ષાદી જંગલોમાં જોવા મળે છે. તેના શરીરનો પાછળનો ભાગ અને તેના પગનો ઉપરનો ભાગ ઝિબ્રા જેવો ચટાપટાવાળો હોય છે. તેમજ તેની ગરદન અને મોંનો ભાગ જિરાફને મળતો આવે છે. ઓકાપીને જિરાફનું સંબંધી પ્રાણી માનવામાં આવે છે. ઓકાપી ૧.૯થી ૨.૫ મીટર લાંબા અને ખભાથી ૧.૫થી ૨.૦ મીટર ઊંચા હોય છે. તેમની પૂંછડી ૩૦થી ૪૦ સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. આમ, તેના શરીરના પ્રમાણમાં તેમની પૂંછડી ટુંકી હોય છે. તેઓ વજનમાં ૨૦૦થી ૨૫૦ કિલોગ્રામ જેટલાં હોય છે. ઓકાપીની ચામડી ઘેરા બદામી તેમજ લાલ રંગની હોય છે. તેમના પગનો નીચેનો ભાગ સફેદ રંગનો હોય છે અને ચામડી મખમલ જેવી સુંવાળી હોય છે. ઓકાપી અને જિરાફમાં બીજી એક વાતે સામ્યતા છે, બંનેની જીભ લાંબી અને લચીલી હોય છે, તેની લંબાઈ ૩૦ સેન્ટિમીટર જેટલી હોય છે. ઓકાપી પોતાની જીભથી કાન અને આંખો પણ સાફ કરી શકે છે. તેની જીભનો રંગ કાળો અથવા લીલો હોય છે. ખૂબ જ ઓછાં પ્રાણીઓ હોય છે, જેમની જીભ આંખ અને કાન સુધી પહોંચી શકે છે. તેના કાન લાંબા હોય છે, જે તેમને ચિત્તા જેવા શિકારી આસપાસ હોવાની જાણ કરે છે અને તેમને એલર્ટ કરે છે. તેમનું શરીર ખભાથી પીઠ સુધી ઢોળાવવાળું હોય છે. નર ઓકાપીના માથા પર ચામડીથી ઢંકાયેલું નાનું શિંગડું હોય છે, જેને ઓસિકોન્સ કહે છે. આ શિંગડું એકથી પાંચ વર્ષની વચ્ચે વિકસે છે. તે ખોરાકમાં ઝાડ પરનાં પાંદડાં, ફળ, સુંવાળી વનસ્પતિ, ઘાસ અને ફૂગ ખાય છે. ઓકાપીને સામાજિક પ્રાણી કહી શકાય નહીં, કારણ કે તે શાંત વાતાવરણ અને ખુલ્લામાં એકલાં રહેવાનું વધારે પસંદ કરે છે. તેઓ સામાન્ય રીતે એકલામાં અથવા જોડીમાં રહે છે ને આ જ કારણે તેમનો શિકાર થાય છે અને તેમની સંખ્યા ઘટતી જાય છે. ઓકાપી પોતાના રસ્તે જતાં વચ્ચે વચ્ચે મૂત્રત્યાગ કરે છે, જેના કારણે અન્ય ઓકાપી તેને સૂંઘીને તેનો રસ્તો મેળવી લે છે. તેના પગમાંથી એક દ્રવ્ય નીકળે છે, જેને તે પોતાના વિસ્તારની આજુબાજુ લગાવે છે અને પોતાના વિસ્તારની રક્ષા કરે છે. તે એ વિસ્તારમાં અન્ય કોઈ પ્રાણીને પ્રવેશવા દેતું નથી. જોકે તે માદા ઓકાપીને તેમાં પ્રવેશવા દે છે. વરસાદી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો હોવાથી તેમની ચામડી તેલયુક્ત અને લીસી હોય છે, જે પાણીને તેના શરીર ઉપર ટકવા દેતી નથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન