સમુદ્રમાં સમાઇ રહ્યા છે ભારતના કિનારાના વિસ્તારો - Sandesh
  • Home
  • Newspaper
  • સમુદ્રમાં સમાઇ રહ્યા છે ભારતના કિનારાના વિસ્તારો

સમુદ્રમાં સમાઇ રહ્યા છે ભારતના કિનારાના વિસ્તારો

 | 1:16 am IST

છેલ્લાં ૨૬ વર્ષમાં દેશના દરિયા કિનારાના શહેરોને જમીનકપાતનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે પશ્ચિમ બંગાળની ૯૯ કિમીની જમીન સમુદ્રમાં ગરકાવ થઇ ગઇ છે. આ દરમિયાન સમગ્ર દેશના કિનારાના વિસ્તારમાં ૨૩૪.૨૫ કિમીની જમીન સમુદ્રમાં સમાઇ ચૂકી છે. દેશના પૂર્વના દરિયા કિનારે આ જોખમ સૌથી વધારે છે. જ્યારે પશ્ચિમના કિનારાઓમાં સ્થિતિ હજું એટલી ગંભીર નથી. પશ્ચિમ બંગાળમાં ૬૩ ટકા કિનારાની રેખા સમુદ્રમાં સમાઈ ચૂકી છે. આ પછી પોંડિચેરીનો ક્રમ આવે છે જેની ૫૭ ટકા જમીન, ઓડિશાની ૨૭ ટકા જમીન, આંધ્ર પ્રદેશની ૨૭ ટકા જમીન સમુદ્રમાં સમાઇ ચૂકી છે. રાજ્યમાં જમીન કપાત જુદા જુદા કારણોસર થાય છે. પરંતુ, લહેરોની પેટન્ટમાં આવતા પરિવર્તન, તીવ્રતા, તોફાન અને દબાણને કારણે ભારે વરસાદને લીધે પાણીના સ્તરમાં વધારો થાય છે. આ ઉપરાંત મોટા પાયા પર બાંધકામ પ્રવૃત્તિઓ જવાબદાર છે.

કિનારાના શહેરો સામે જોખમ

ચેન્નઇમાં આવેલા એનસીસીઆરે જાહેર કરેલા એક રીપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કિનારાની નજીકના શહેરોનું ભવિષ્ય જોખમમાં છે. જો કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો મોટા ભાગની જમીન દરિયામાં સમાઇ જશે. આ કિનારાની આસપાસ રહેતા લોકો સામે પણ એક જોખમ ઊભું થયું છે. આ નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ છે. કિનારાના શહેરમાં વસતા લોકો, ઇમારતો અને હોટેલને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે.એનસીસીઆર સંસ્થાના ડાયરેક્ટર એમ.વી. રામન્ના કહે છે કે, દરિયા કે નદી કિનારાથી નજીક રહેલા શહેરમાં સૌથી વધું નુકસાન ખેતિને થાય છે. નવ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન કપાતનું જોખમ દિવસને દિવસે વધતું જાય છે.

બાંધકામને કારણે જમીનકપાત વધી

રામન્ના મૂર્તિએ જણાવ્યું હતું કે, કિનારાના વિસ્તારોમાં આડેધડ બાંધકામને કારણે જમીનકપાત પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. બંદરવિસ્તારોમાં જમીનમાંથી કાપ કાઢીને ઊંડા સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે. જેને કિનારાથી થોડા દૂરના વિસ્તારમાં ફેંકવો જોઈએ. વિજ્ઞા।નીઓ કહે છે કે, ગ્લોબલ વોર્મિંગ  અને સમુદ્રની સપાટીમાં વધારો થતા સમસ્યાઓમાં વધારો થયો છે. બીજી તરફ નદીઓ પર બંધ તૈયાર થવાને કારણે કિનારાના વિસ્તારોનો કાંપ ઓછો થઈ રહ્યો છે. બીજા એક નિષ્ણાંતે કહ્યું હતું કે, આ સમસ્યા આજ-કાલની નથી ખૂબ જૂની છે.

પશ્ચિમ બંગાળની ગંભીર સ્થિતિ

પશ્ચિમ બંગાળના દરિયાના કિનારાના વિસ્તારોમાં જમીનકપાતનું જોખમ સૌથી વધારે છે. જમીનકપાતને કારણે સુંદરવન વિસ્તારના લોહાચારા અને સુપારીભાંગા નામના બે દ્વીપ કાયમ માટે બંગાળની ખાડીમાં સમાઈ ચૂક્યા છે. હાલમાં સુંદરવન વિસ્તારને દુનિયામાં ડૂબતા દ્વીપોની ધરતી તરીકે ઓળખવામાં આવે છે. સેટેલાઇટની મદદથી મેળવેલા આંકડા સ્પષ્ટ છે કે, આ વિસ્તારોમાં છેલ્લાં એક દાયકા દરમિયાન ૯,૯૦૦ હેક્ટર જમીન પાણીમા સમાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળ દેશનું બીજા નંબરનું સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે. સુંદરવનમાં પ્રતિવર્ગ કિમીમાં એક હજાર લોકો વસવાટ કરે છે. આ લોકો આજીવિકા માટે સમુદ્ર અને જંગલ પર આધાર રાખે છે તેથી અહીં વસી ગયા છે. પરંતુ, પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થતા આ વિસ્તારમાંથી લોકો સ્થાનાંતર કરી રહ્યા છે.

કેરળમાં ૪૦ ટકા જમીન પાણીમાં ગરકાવ

અન્ય એક નિષ્ણાંત ડો. સુગત હાજરા કહે છે કે, સુંદરવનના જુદા જુદા દ્વીપ પર રહેતા ૪૫ લાખ લોકો પર જોખમ તોળાઇ રહ્યું છે. આ વિસ્તારના કેટલાય દ્વીપ પાણીમાં ડૂબી ગયા છે. આ વિસ્તારમાંથી ૧૪ લાખ લોકો અન્ય સ્થાને શિફ્ટ થઇ ગયા છે. જમીનકપાતને રોકવા માટે જંગલનું જનત કરવામાં આવી રહ્યું છે. આ એવો વિસ્તાર છે જ્યાં પાણીનું સ્તર વર્ષે ૩.૧૪ મિમી સુધી વધે છે. દક્ષિણના અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો કેરળ, પોંડિચેરી અને તામિલનાડું જેવા દક્ષિણના રાજ્યમાં સમુદ્રનું જળસ્તર વધતા જમીનકપાતમાં જઇ રહી છે. કેરળમાં ૪૦ ટકા જમીન પાણીમાં ગરકાવ થઇગઇ છે. અરબ સાગરની તુલનામાં બંગાળની ખાડીમાં દબાણ અને તોફાનને કારણે આખું વર્ષ હવામાન ખરાબ રહે છે. જેના કારણે જમીનકપાતમાં વધારો થાય છે. દક્ષિણના રાજ્યમાં લહેરોની તીવ્રતા વધારે હોવાને કારણે કેરળના દરિયાના કિનારાના વિસ્તારો ઝડપથી પ્રભાવિત થઈ રહ્યા છે. ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને દીવ-દમણમાં આ સમસ્યા એટલી ગંભીર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન