ઓડિશામાં દેશની સૌથી મોટી કોરોના હોસ્પિટલ ૧૫ દિવસમાં તૈયાર કરાશે - Sandesh
  • Home
  • India
  • ઓડિશામાં દેશની સૌથી મોટી કોરોના હોસ્પિટલ ૧૫ દિવસમાં તૈયાર કરાશે

ઓડિશામાં દેશની સૌથી મોટી કોરોના હોસ્પિટલ ૧૫ દિવસમાં તૈયાર કરાશે

 | 1:34 am IST

। નવી દિલ્હી ।

જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાઇરસના કારણે પ્રથમ મોત સાથે ગુરુવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં વધુ એક-એકનાં મોત થતાં દેશમાં કોરોના વાઇરસના કારણે થયેલાં મોતનો આંકડો ૧૭ પર પહોંચી ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩ નવા કેસ સાથે કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા ૬૯૪ પર પહોંચી ગઇ હતી. જોકે કેન્દ્ર સરકારે ગુરુવારે પુનઃરટણ કર્યું હતું કે, દેશમાં કોરોના વાઇરસના પ્રસારનો દર સ્થિર થઇ રહ્યો છે. કોરોના મહામારી કોમ્યુનિટી ટ્રાન્સમિશન સુધી પહોંચી હોવાના કોઇ પુરાવા હાલ ઉપલબ્ધ નથી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે પરંતુ તે વધવાનો દર સ્થિર છે. ભારતમાં કોરોના વાઇરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું હોવાના કોઇ નક્કર પુરાવા સામે આવી રહ્યા નથી.

અગ્રવાલે જણાવ્યું હતું કે, ૧૭ રાજ્યોએ કોરોના વાઇરસના દર્દીઓની જ સારવાર માટે હોસ્પિટલો તૈયાર કરવાનો પ્રારંભ કરી દીધો છે. ઓડિશામાં ૧૦૦૦ બેડની દેશની સૌથી મોટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલ ૧૫ દિવસમાં તૈયાર થઇ જશે. આસામમાં ગુવાહાટી ખાતેના સ્ટેડિયમમાં દેશનું સૌથી મોટું આઇસોલેશન કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. અગ્રવાલે મચ્છર દ્વારા કોરોના વાઇરસનો પ્રસાર થતો હોવાના અહેવાલોને પણ નકારી કાઢયા હતા.

દરમિયાન કેન્દ્ર સરકારે એ જાહેરનામું જારી કરી લોકડાઉનના ૨૧ દિવસ દરમિયાન દવાઓની ઘરઆંગણે ડિલિવરીને મંજૂરી આપી દીધી હતી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન દ્વારા જ મળતી શિડયુલ એચ કેટેગરીની દવાઓ હવે કેમિસ્ટ દર્દીઓને ઘરઆંગણે પહોંચાડી શકશે. સરકારે ૩ પ્લાય મેલ્ટબ્લોન ફેસ માસ્કની કિંમત ૩૦ જૂન સુધી રૂપિયા ૧૬ નક્કી કરી છે.

દિલ્હી અને મહારાષ્ટ્રમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહેશે

જીવનજરૂરી વસ્તુઓના પુરવઠા અંગે ચિંતિત દિલ્હીવાસીઓને મોટી રાહત આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે જણાવ્યું હતું કે, જીવનજરૂરી વસ્તુઓની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. તે ઉપરાંત જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓને પણ ૨૪ કલાક કામગીરી ચાલુ રાખવાની પણ પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પણ સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં ગ્રોસરી સહિતના જીવન જરૂરિયાતની વસ્તુના સ્ટોર, મેડિકલ સ્ટોર ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન પરનો પ્રતિબંધ ૧૪ એપ્રિલ સુધી લંબાવાયો

કેન્દ્ર સરકારે ભારતની હવાઇસીમાની કિલ્લેબંધી જારી રાખતાં ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ ૧૪મી એપ્રિલ સુધી લંબાવી દીધો છે. ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ કોર્મિશયલ પેસેન્જર સર્વિસને ૧૪ એપ્રિલના રોજ સવારના ૬:૩૦ કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

છત્તીસગઢ સરકારે કોરોનાનાં દર્દીઓની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલને પોતાના હસ્તક કરી

દેશમાં કોરોના વાઇરસનું સંકટ વધી રહ્યું છે ત્યારે છત્તીસગઢ સરકાર દ્વારા કોરોના વાઇરસને રોકવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. છત્તીસગઢની સરકાર હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોના વાઇરસની સારવાર ઉપલબ્ધ કરાવશે. કોરોના વાઇરસની આ જંગમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને કામ કરતી જોવા મળી રહી છે. એક બાજુ જ્યારે કોરોના વાઇરસને રોકવા માટે દેશમાં લોક ડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યાં છત્તીસગઢ સરકાર દ્વારા દરેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડત આપવાનાં ભાગરૂપે પોતાનો ફાળો આપવાનું નક્કી કર્યું છે. જેમાં દરેક પ્રાઇવેટ મેડિકલ કોલેજ, ર્નિંસગ હોમ અને હોસ્પિટલોને પોતાના હસ્તક લેવામાં આવી છે. હાલ પર્યત છત્તીસગઢમાં કોરોના વાઇરસનાં ત્રણ દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી છે.

મહત્ત્વના નિર્ણયો

  • કેરળ સરકાર જીવનજરૂરી વસ્તુઓનો ઓનલાઇન સપ્લાય શરૂ કરશે
  • હરિયાણા સરકાર શ્રમિકો અને ફેરિયાઓના બેન્ક ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરાવશે
  • નીતીશકુમારે બિહારમાં કોરોના વાઇરસ સામે લડવા રૂ. ૧૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું
  • છત્તીસગઢ સરકારે કોરોના સામે લડવા તમામ પ્રાઇવેટ હોસ્પિટલ પોતાના નિયંત્રણમાં લીધી
  • પંજાબ સરકારે ૭ વર્ષથી ઓછી સજા ધરાવતા ૬૦૦૦ કેદીઓને પેરોલ પર મુક્ત કરી દીધા
  • બોમ્બે હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા તમામ વચગાળાના આદેશ ૩૦મી એપ્રિલ સુધી અમલમાં રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;