પોલીસ કસ્ટડીમાં થઇ યુવકની મોત, ઉગ્ર લોકોએ પોલીસ સ્ટેશનને લગાવી દીધી આગ... - Sandesh
  • Home
  • India
  • પોલીસ કસ્ટડીમાં થઇ યુવકની મોત, ઉગ્ર લોકોએ પોલીસ સ્ટેશનને લગાવી દીધી આગ…

પોલીસ કસ્ટડીમાં થઇ યુવકની મોત, ઉગ્ર લોકોએ પોલીસ સ્ટેશનને લગાવી દીધી આગ…

 | 6:25 pm IST

ઓડિસાના સાંબલપુર જિલ્લાના એક પોલીસ મથકમાં ચોરીના કેસમાં શકમંદ તરીકે અટકમાં લેવાયેલા ૨૨ વર્ષના આદિવાસી યુવકે લોકઅપમાં જ ગુરૂવારે રાતે આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં તંગદીલી પ્રવર્તી રહી છે. સાંબલપુરમાં આ મુદ્દે રમખાણો ફાટી નીકળે તેવી સંભાવના જોતાં શુક્રવાર સવારથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આગમાં પોલીસ મથકના મહત્વના દસ્તાવેજ બળી ગયા હતા.લોકોના ટોળાએ શુક્રવારે સવારે જ ઐન્થાપલ્લી પોલીસ મથકને આગ ચાંપી હતી. પોલીસ મથક સંકુલમાં પડેલા વાહનોને પણ આગ ચાંપવામાં આવી હતી. લોકોએ પોલીસ મથક પર પથ્થરમારો કરતાં પાંચ પોલીસ જવાનોને ઇજા પણ પહોંચી હતી.

ભાલુપાલી ગામના અવિનાશ મુંડાની બુધવારે ચોરીના કેસમાં સંડોવણીની શંકા આધારે ધરપકડ થઈ હતી. ઐન્થાપલ્લી પોલીસ મથકના લોકઅપમાં તેનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. સાંબલપુર એસપીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની માર્ગદર્શક સુચનાઓ મુજબ યુવકના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી થશે.

મુંડાના પરિવારના સભ્યો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે દમન કરતાં અવિનાશે આત્મહત્યા કરી હતી. પિતાએ આક્ષેપ કર્યા હતા કે પોલીસે તેમને જણાવ્યું હતું કે પુછપરછ કરીને પુત્રને ઘેર પાછો મોકલશે, પણ તેમ કર્યું નહોતું.

મૃતદેહને વીવીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રંજન પાંડા નામની વ્યક્તિએ પુત્રીના લગ્ન સમયે પુત્રીને મળેલા સોનાના આભૂષણની ચોરી થઈ હોવાની ફરિયાદ કર્યા પછી મુંડાની પોલીસે પુછપરછ કરી હતી. પોલીસને મુંડાના નિવાસેથી કેટલાક આભૂષણ મળી આવ્યા હતા.

રોષ શા માટે ભભૂકી ઉઠયો
પોલીસ દાવો કરી રહી છે કે અવિનાશે કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ ગામલોકોનું કહેવું છે કે પોલીસે યુવાનને માર મારતાં તેનું મૃત્યુ થયું છે. રોષે ભરાયેલા ગામલોકોએ પોલીસ મથકને આગ ચાંપવા ઉપરાંત સાંબલપુર – રૂરકેલા સ્ટેટ હાઈવે -10 પર રોડ બ્લોક કરતાં સેંકડો વાહનો અટવાઈ ગયા હતા. વિવિધ સ્થળે પોલીસ અને ભાંગફોડ કરી રહેલા લોકો વચ્ચે અથડામણ થતાં 30ને ઇજા પહોંચી હતી.

ત્રણ પોલીસ સસ્પેન્ડ
ડીજીપી આર.પી.શર્માએ ઐન્થાપલ્લી પોલીસ મથકના ઈન્સપેક્ટર ઈનચાર્જ તેમ જ બે અન્ય જવાનોને સસ્પેન્ડ કર્યા હતા. આઈજી સુશાંત નાથે જણાવ્યું હતું કે ઓડિશા પોલીસ માનવ અધિકાર સુરક્ષા સેલ કસ્ટડીમાં થયેલા મૃત્યુ કેસની તપાસ કરશે. પોલીસે માર મારવાથી તેનું મૃત્યુ થયું હતું કે આત્મહત્યા કરી હતી? તેની તપાસ સેલ કરશે.