NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઓડિશા-પશ્ચિમ બંગાળ : રસગુલ્લા નાના અને ભૌગોલિક રાજકારણ મોટું

ઓડિશા-પશ્ચિમ બંગાળ : રસગુલ્લા નાના અને ભૌગોલિક રાજકારણ મોટું

 | 4:48 am IST

આખા દક્ષિણ એશિયામાં રસગુલ્લા અત્યંત લોકપ્રિય મીઠાઈ છે. રસગુલ્લાનું નામ પડતાં જ જીભ પર બંગાળનું નામ આવી જાય છે. કારણ કે વર્ષોથી એવું કહેવાઈ રહ્યું છે કે રસગુલ્લા એ બંગાળની દેન છે. પણ ગયા વર્ષે ૩૦ જુલાઈએ ઓડિશાએ રસગુલ્લા દિન મનાવ્યો ત્યાં બંગાળની ભ્રમરો તણાઈ ગઈ હતી. મામલો એ હદે બિચક્યો છે કે હવે બંને રાજ્યોએ આ મુદે કોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. ૨૨ ઓગસ્ટે કોલકાતા સોલ્ટલેક કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકારે રસગુલ્લા પર તેનો દાવો કરીને ભૌગોલિક ઓળખ માટે અપીલ કરી છે. જો કે ઓડિશાએ આવો કોઈ દાવો કર્યો નથી. પશ્ચિમ બંગાળનો દાવો કોર્ટે ગ્રાહ્ય રાખ્યો અને તેને રસગુલ્લાની ભાૌગોલિક ઓળખ આપવાનું સ્વીકાર્યું. આ રસગુલ્લાનો વિવાદ તેની સ્ટોરી રસપ્રદ છે. કોના દાવામાં કેટલો દમ છે અને શું છે જીઆઈ ટેગ તેનાં પર નજર નાખવાથી મજા પડશે.

પ.બંગાળનો તર્ક

બંગાળ શરૂઆતથી જ રસગુલ્લા પર તેઓ એકાધિકાર જમાવતું રહ્યું છે. રાજ્યનો દાવો છે કે રસગુલ્લા સૌથી પહેલા ત્યાંનાં કંદોઈ નવીનચંદ્ર દાસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. રસગુલ્લાની શોધને કારણે તેને મીઠાઈનાં દુનિયાનાં સ્ટીવ જોબ્સ માનવામાં આવે છે. તેમનાં શુભચિંતકોએ તેમને પોતાની આ શોધ માટે પેટન્ટ મેળવવા સલાહ આપી હતી. તેઓ માનતા કે તેમની આ શોધ ત્યારે જ મશહૂર બનશે જ્યારે દેશભરમાં લોકો તેને ખાતા થશે.

બંગાળનાં સફેદ અને ઓડિશાનાં ભૂરા રસગુલ્લા : બંને રાજ્યોનાં પોતપોતાનાં દાવા છે. બંગાળ કહે છે કે ઓડિશા સાથે તેને કોઈ ઝઘડો નથી. રસગુલ્લા અમારું અને છૈનાપોડા એ ઓડિશાનું ઉત્પાદન છે. ઓડિશાનાં રસગુલ્લા ભૂરા રંગના છે જ્યારે કોલકાતાનાં રસગુલ્લા સફેદ અને જરા વધુ પકાવેલા હોય છે. જો કે અહીંનાં રસગુલ્લા બનાવનારા તેની નિકાસ કરી શકતા નથી કારણ કે વધુ સારા પેકિંગની કોઈ સુવિધા તેમની પાસે નથી. જીઆઈ ટેગ મેળવવાનો એક ઈરાદો આ મુશ્કેલી દૂર કરવાનો પણ છે. બંગાળનાં સફેદ રસગુલ્લા માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં ધૂમ મચાવે છે. અનેક મોટા નામ આ રસગુલ્લાનો સ્વાદ દુનિયાને ચખાડી રહ્યા છે.

વિવાદનું મૂળ કારણ

  • રસગુલ્લા સૌથી પહેલાં કોણે બનાવ્યા, ક્યારે બનાવ્યા અને ક્યાં બનાવ્યા તે અંગે વિવાદ સર્જાયો છે. મતલબ કે રસગુલ્લાની શોધનાં અધિકારી કોણ ઓડિશા કે પશ્ચિમ બંગાળ તેનો વિવાદ કોર્ટ સુધી ગયો છે. બંગાળ અને ઓડિશા વચ્ચે આ મધુર અને સ્વાદિષ્ટ મીઠાઈએ કડવાશ જન્માવી છે.
  • જ્યારે ઓડિશા સરકારે કટક-ભુવનેશ્વર વચ્ચેનાં પહાલમાં મળનારા મશહૂર રસગુલ્લાનાં જ્યોગ્રોફિકલ ઈન્ડિકેશન (જીઆઈ) મેળવવાની કોશિશ કરી ત્યારે આ વિવાદે જોર પકડયું હતું.
  • ઓડિશા સરકારે ગયા મે મહિનામાં રસગુલ્લા માટે જીઆઈ ટેગ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પણ અધવચ્ચે જ બંગાળ સરકારે તેનાં પર પોતાનો અધિકાર જમાવી દીધો હતો.

કોને કહેવાય ભૌગોલિક ઓળખ?

જ્યોગ્રોફિકલ ઈન્ડિકેશન એટલે કે ભૌગોલિક ઓળખ એ ટેગ છે જે કોઈપણ ઉત્પાદન પર તે સ્થળની વિશેષ ઓળખ દર્શાવવા માટે લગાવવામાં આવે છે. આથી જે તે સંબંધિત ઉત્પાદન માટે તે જગ્યાની વિશેષતાનો ખ્યાલ આવે છે. આઈ ટેગનો ફાયદો એ છે કે આ પ્રોડક્ટની નિકાસની પ્રાથમિકતા પણ જીઆઈ ટેગ ક્ષેત્રને મળે છે. ૧૫મી સપ્ટેમ્બર ૨૦૦૩નાં રોજ જ્યોગ્રોફિકલ ઈન્ડિકેશન ઓફ ગુડ્ઝ એક્ટ ૧૯૯૯ અસ્તિત્વમાં આવ્યો હતો. દાર્જિલિંગ ચા એવી પહેલી પ્રોડક્ટ હતી કે જેને ૨૦૦૪-૦૫માં જીઆઈ ટેગ મળી હતી. હાથથી વણવામાં આવેલી કાશ્મીરી કાર્પેટને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવેલ છે. હાલ બૌદ્ધિક સંપત્તિ અધિકાર વિભાગ પાસે જીઆઈ ટેગ માટે અનેક અરજીઓ પેન્ડિંગ છે. ૨૦૦૪થી અત્યાર સુધીમાં ૨૭૨ ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવામાં આવેલ છે. જેમાં તિરૂપતિ બાલાજીનાં લાડવા, બનારસી સાડી, મૈસૂરનું સિલ્ક, મકરાણા માર્બલ તેમજ જલગાંવનાં રીંગણા જેવી ખાસ ચીજો જીઆઈ ટેગ ધરાવતા ઉત્પાદન છે.

કેવી રીતે બનાવ્યા રસગુલ્લા ?

તેમની દુકાન ઉત્તર કોલકાતાનાં બાગબજારમાં હતી. આ દુકાન ૧૮૬૬માં શરૂ કરાઈ હતી. ૧૮૬૮માં એક દિવસ તેમણે ફાડેલા દહીંમાંથી પનીરની નાની નાની ગોળીઓ બનાવી અને તેને ચાસણીમાં નાખી. આ રીતે નવી મીઠાઈ બની જેનું નામ રસગુલ્લા પાડવામાં આવ્યું. રસગુલ્લા એટલે રસથી સભર.

પુરી સાથે જોડાયેલો છે દાવો

૧૨મી સદીમાં જ્યારે જગન્નાથ મંદિર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી રસગુલ્લા રથયાત્રાનાં ર્ધાિમક રીતરિવાજોનો હિસ્સો બનેલા છે. મંદિરનાં ૩૦૦ વર્ષથી પણ જૂના હસ્તલેખોમાં તેનાં પુરાવા છે. પહેલા તેને ખીરમોહન કહેતા હતા પછી તે રસગુલ્લા કહેવાવા લાગ્યા.

ઓડિશાનો પોતાનો તર્ક : ઓડિશાનો દાવો છે કે રસગુલ્લા તેની શોધ છે. જગન્નાથ મંદિર સાથે જોડાયેલા શોધક સૂર્યનારાયણ રથ શર્માનો દાવો છે કે રસગુલ્લાની શોધ પુરીમાં થઈ હતી. કારણ કે રથયાત્રા પછી પુરી મંદિરમાં ભગવાન ફરી પ્રવેશે ત્યારે દેવી લક્ષ્મીને રસગુલ્લાનો ભોગ ધરાવવામાં આવતો હતો.

એક તર્ક આ પણ છે

એનસાયક્લોપીડિયા વિકીપીડિયા ઈતિહાસકારોને ટાંકીને તેઓ જાણકારી આપે છે કે એવું બની શકે કે પુરી આવનારા બંગાળી ભક્તો ૧૯મી સદીમાં આ મીઠાઈ લઈને બંગાળ આવ્યા હોય. ૧૮મી સદીની વચ્ચે ઓડિશાનાં રસોઈયાઓને બંગાળનાં ઘરોમાં કામ મળ્યું હતું. તેમણે અહીંનાં લોકોને ઓડિશાની મીઠાઈઓ ઉપરાંત રસગુલ્લા બનાવવાનું પણ શીખવ્યું હોય એવું બને. હાલ મામલો કોર્ટમાં છે. હવે એ જોવાનું છે કે જીઆઈ ટેગ કોને મળે છે. ટેગ ભલે ગમે તેને મળે પણ આ સ્વાદિષ્ટ મીઠાઈનો સ્વાદ હંમેશા લોકોને મળતો રહે તે આવકાર્ય છે.