લોકશાહીમાંથી 'લોક' શબ્દનો તો જાણે છેદ ઊડી ગયો છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • લોકશાહીમાંથી ‘લોક’ શબ્દનો તો જાણે છેદ ઊડી ગયો છે

લોકશાહીમાંથી ‘લોક’ શબ્દનો તો જાણે છેદ ઊડી ગયો છે

 | 2:18 am IST

ઘટના અને ઘટન :- મણિલાલ એમ. પટેલ

દેશના વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ૧૯૮૦ પછી ઘટતી ઘટનાઓ લોકશાહી માટે ભારે ઘાતક છે. લોકશાહીમાંથી ‘લોક’ શબ્દનો તો જાણે સાવ છેદ જ ઊડી ગયો છે. લોકશાહીમાં લોકોના અવાજ ક્યાંય બચ્યો નથી. લોકશાહીમાં માત્ર રાજકીય પક્ષો અને રાજનેતાઓનો જ પ્રભાવ વધતો જાય છે. બંધારણમાં કાગળ પર લોકશાહી દેખાય છે પણ તેના અમલમાં ક્યાંય લોકશાહીની ભાવના કે ઉદારતાવાદ યા ગંભીરતા દેખાતા નથી. માત્ર કાગળ પરની પ્રક્રિયાત્મક લોકશાહી બચી હોય તેમ લાગે છે. તાજેતરમાં ભારત વિશ્વમાં લોકશાહીમાં ૧૦ અંક ઘટીને ૫૧મા ક્રમે આવ્યું છે તે તેનો પુરાવો છે. લોકશાહી માત્ર રાજકીય પક્ષો ને રાજનેતાઓના જ માત્ર લાભાર્થે હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

સંસદીય લોકશાહી આપણા બંધારણ નિર્માતાઓએ સ્વીકારી હતી. જેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી પ્રજા વહીવટ સુધી પહોંચી શકે અને તેની આકાંક્ષાઓ, અપેક્ષાઓ ને આશાઓ પૂર્ણ થાય, પરંતુ ઊલટું ચૂંટાવા માટે ધન, જ્ઞાતિ ને ગુનેગારોનું પ્રભુત્વ વધ્યું. ઉમેદવારી કરનારા ને ચૂંટાનારાઓમાં ગુનેગારો ને કરોડપતિઓની સંખ્યા વધતી જાય છે. દેશના ૬૩ ટકા પરિવારો પાસે સરકારી બજેટ કરતાં પણ વધુ સંપત્તિ હોય ત્યારે સમાજવાદ ને આર્થિક સમાનતાની વાતો અંધારામાં દંડા પછાડવા જેવી છે. આવા સમયે થાય છે કે, આ લોકશાહી કોના લાભાર્થે ? કહેવાતી બંધારણીય સ્વાયત્ત સંસ્થાઓ અને પદો પર અંતે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પક્ષનો જ પ્રભાવ વધતો જાય છે. ત્યારે બંધારણના ઘડવૈયાની વાત યાદ આવે છે કે, બંધારણ શ્રેષ્ઠ છે પણ તેનો આધાર તેનો અમલ કરનારા કેવા છે તેના પર છે. આજે પણ બંધારણ તો એ જ છે પણ મૂલ્યો બદલાયાં છે, કેમ કે અમલ કરનારાઓમાં નિયતમાં ખામી છે.

પક્ષાંતર વિરોધી કાયદો હોવા છતાં તેની નિરર્થકતા પુરવાર થઈ છે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષનાં બંધારણીયપદોની નિષ્પક્ષ ભૂમિકા એ તો હવે ભૂતકાળની ઘટના બની ગઈ છે. જેમ ચૂંટાયેલા પ્રજાને વફાદાર નથી તેમ રાજ્યપાલો ને સ્પીકરો બંધારણને ભાગ્યે જ વફાદાર રહે છે. તેમની ભૂમિકા અંગે અનેક કેસ દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા છે. તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતે ધારાસભ્યોના રાજીનામાં અંગે અને ચુકાદામાં નિર્ણય લેવા માટે કાનૂની સ્વતંત્ર સત્તામંડળ રચવાની હિમાયત કરી છે પણ આવું સત્તામંડળ રચવામાં કયા રાજકીય પક્ષને રસ છે ? બધાને પક્ષાંતરનો લાભ ઉઠાવવો છે. પક્ષાંતરના કાયદાથી કંઈક અંશે વ્યક્તિગત પક્ષાંતર પર અંકુશ આવ્યો છે પણ હવે તેનું સ્વરૂપ બદલાયું છે ને સૌ તેનો લાભ ઉઠાવવામાં મશગૂલ છે. રાજ્યપાલ ને સ્પીકર બેઉ જે તે સત્તાધારી પક્ષના જ હોય છે ત્યારે તેમની પાસે ન્યાયી ને નિષ્પક્ષ ભૂમિકાની અપેક્ષા રાખવી તદ્દન અસ્થાને છે. તેમના માટે કોઈ વિશેષ લાયકાતની જોગવાઈ નથી. આથી સત્તાપક્ષનાં આ બંને બંધારણીયપદોના અધિકારોનો વ્યાપક દુરુપયોગ થઈ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે સભ્યોના રાજીનામાંનો નિર્ણય એકાદ મહિનામાં લેવા સૂચવ્યું છે પણ અધ્યક્ષો પોતાના માતૃપક્ષના હિતમાં ઇરાદાપૂર્વક વિલંબ કરે છે યા ઝડપથી સ્વીકારી લે છે. આ સ્થિતિમાં રાજકીય કે સત્તાની ખેવનાથી મુક્ત ન્યાયતંત્રના લાંબાગાળાના નિવૃત્ત સ્વતંત્ર વ્યક્તિ સ્પીકર બને તેવી જોગવાઈની જરૂ છે. કેમ કે રાજ્યપાલ કે સ્પીકરના નિર્ણયોમાં અદાલતો પણ હસ્તક્ષેપ ન કરી શકે તેટલી વ્યાપક બંધારણીય સત્તાઓ તેમની પાસે છે. સર્વોચ્ચ અદાલતે તો આપણે ગુનેગારોને રાજકારણમાં આવતા અટકાવવા વ્યાપક કાયદો કે આચારસંહિતા ઘડવા પણ સૂચવ્યું હતું પણ આવું કયો રાજકીય પક્ષ ઈચ્છે ?  આજે તો ધારાસભ્યોને માત્ર ધારાસભ્ય બની રહેવામાં બિલકુલ રસ નથી. તેમની પદ ને પૈસાની લાલચ વધતી જાય છે. આ બધું સત્તાપક્ષની સાથે કે નજીકમાં રહેવાથી જ મળી શકે. કોઈને સત્તાથી દૂર રહેવું ગમતું નથી. ઊગતા સૂર્યને પૂજવાનું બધાને ગમે છે. સત્તા ન મળે તો કંઈ નહીં પણ સત્તાપક્ષની સાથે રહેવામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફાયદો જણાય છે. પૈસા કે પદના મોહ કરતાં પણ સત્તાની નજીક રહેવાનું પણ મજબૂત કારણ એ છે કે પ્રજાના નામે પોતાનાં કામો કરાવવાનું સરળ બની જાય છે. મુખ્ય વાત તો એ છે કે, જ્યારે પોતાનો કુદનો પક્ષ સત્તાકીય રીતે નબળો બને ત્યારે તેના ધારાસભ્યો સત્તાપક્ષ તરફ મીટ માંડે છે. આવા સમયે સત્તાની ઉચ્ચાંકાક્ષાઓની મહત્ત્વાકાંક્ષાઓ વધે છે. આમાં સૌ સાપનાથ ને નાગનાથ છે. આવ ભાઈ હરખા આપણે સૌ સરખા જેવું છે. ધોતીમાં બધા નિર્વસ્ત્ર છે. કોંગ્રેસમાં જે દૂષણોને પ્રવેશતાં ૧૩૫ વર્ષ લાગ્યાં તે ભાજપમાં માત્ર ૩૫ વર્ષમાં પ્રવેશી ચૂક્યાં છે. કોંગ્રેસમાં ગાંધી, નેહરુ કે સરદારનાં મૂલ્યો રહ્યાં નથી તેમ ભાજપ પણ શ્યામાપ્રસાદ, દીનદયાળજી કે અટલજીનાં મૂલ્યો બહુ ઓછાં બચ્યાં હોય તેવું લાગે છે. સત્તા, સંપત્તિ ને સગાંવહાલાંને ઠેકાણે પાડવાનું હાથવગું સાધન રાજકારણ બની ગયું છે. સત્તા વિના પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની દશા પાણી વિના ટળવળતી માછલી જેવી બની જાય છે. ત્યારે સ્થિર શાસન અને બંધારણીય મૂલ્યો તેમને માટે ગૌણ બની જાય છે. પ્રજાકીય કામોમાં નિષ્ક્રિય ને બેજવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાછા બોલાવવાનો પ્રજાને અધિકાર નથી પણ તેમને પક્ષાંતર કરવાનો જાણે મૂળભૂત અધિકાર છે ! ચૂંટાયેલા પ્રજાને તો ભાજીમૂળા જ ગણે છે. પક્ષાંતર રોકવાના ઉપાય છે પણ રાજકીય પક્ષોની દાનત ને ઈચ્છાશક્તિ નથી. નીતિ-નિયમ જરૂર બનાવી શકાય પણ તે માટે નિયત હોવી આવશ્યક છે.

પાંચ વર્ષ માટે ચૂંટાયેલા પ્રતિનિધિએ પાંચ વર્ષ સુધી તે જ પક્ષમાં તે જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની કડક જોગવાઈ જરૂરી છે. પક્ષ છોડે તે પુનઃ એ જ બેઠક પરથી ચૂંટણી ન લડી શકે તેવો નિયમ હોવો જોઈએ. ચૂંટણી લડતી સમયે પક્ષાંતર નહીં કરવાનું કબૂલાતનામું કે કરારનામું લખાવવું જોઈએ. વચ્ચે પક્ષાંતર કરે તો નવી પેટાચૂંટણીનો ખર્ચ તેની પાસેથી વસૂલવો જોઈએ યા જૂની ચૂંટણી સમયે બીજા ક્રમે હોય તેને વિજેતા જાહેર કરીને પેટાચૂંટણીનો ખર્ચ ટાળવો જોઈએ. કોઈ પક્ષે ગુનેગારોને ટિકિટ ન આપવી જોઈએ. પ્રજાએ પાટલીબદલુઓનો પ્રજાકીય બહિષ્કાર કરવો જોઈએ ને આવાને પુનઃ ન ચૂંટવો જોઈએ. પ્રજાકીય જાગ્રતિ વધશે તો જ લોકશાહીનું ભાવિ ઉજ્જવળ હશે અને તેનો લાભ પ્રજાને મળી શકશે. રખેવાળો જ ભેળવવાનું કાર્ય ન કરે તે માટે પ્રજાએ સાવધ બનવું પડશે, નહીંતર લોકશાહીમાં માત્ર હાથ ઊંચા કરનારાનું જ પ્રભુત્વ રહેશે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંગે નવોદિત કવિ-ગઝલકાર મિલન ઠક્કરની એક વ્યંગ-વિનોદ ને વ્યથા-વેદનાભરી રસપ્રદ કૃતિ અહીં મૂકવાનું મન થાય છે-

”ઘડીમાં તારા સભ્ય, ઘડીમાં મારા સભ્ય

ચાલ રમીએ ધારાસભ્ય, ધારાસભ્ય !

એક પક્ષે કહ્યું, ચાલ રમીએ રમત નવા પ્રકારની આમ તો ઘણી જૂની છે પણ તે રમ્યા વિના રાજનીતિ સૂની છે !

પણ આમાં જનતાને વાગશે તો નહીં ને ?

અરે, વાગે શું ! અમારી પાસે વચનો ને વાયદાનો મલમ છે ને !

પણ આપણામાંથી કોઈને નુકસાન તો નહીં થાય ને ?

ના, ના ફાયદો જ ફાયદો છે !

પણ રમતમાં કરવાનું શું ?

દૂર દૂર ફરવાનું, મજા-મજા કરવાની ને એ પણ આપણા પૈસે નહીં !

પણ રમતના નિયમો તો જણાવો ?

આમ તો નથી પણ એક બને ને એક તૂટે તેવો નિયમ છે !

આમાં જનતાને કંઈ ફાયદો ખરો ?

હા, કેમ નહીં ? એન્ટરટેઇન્મેન્ટ, એન્ટર ટેઇન્મેન્ટ ને એન્ટરટેઇન્મેન્ટ !!

બસ, તો તો હું રમી શકું !

બોલો, શું છે રમત ?

રમત સાવ સરળ છે,

ઘડીમાં તારા સભ્ય, ઘડીમાં મારા સભ્ય !

ચાલો, રમીએ ધારાસભ્ય, ધારાસભ્ય !”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન