સૂક્ષ્મ તત્ત્વોની છોડના વિકાસ પર થતી અસર - Sandesh
  • Home
  • Agro Sandesh
  • સૂક્ષ્મ તત્ત્વોની છોડના વિકાસ પર થતી અસર

સૂક્ષ્મ તત્ત્વોની છોડના વિકાસ પર થતી અસર

 | 3:48 am IST

લોહતત્ત્વની ભૂમિકા

લોહ તત્ત્વ બીજા તત્ત્વોના અવશોષણમાં મદદ કરે છે. નાઈટ્રેટ અને સલ્ફેટનું અપચયન (રીડકશન) કરી સાદા તત્વોમાં રૂપાંતર કરે છે. આ પ્રક્રિયાઓમાં છોડના વિકાસ વૃદ્ધિ માટે જરૂરી છે. જુદાજુદા પ્રોટીન્સ બનવા માટે જરૂરી છે. છોડમાં લોહતત્ત્વની ઉણપ હોય તો ટોચ પરનાં પાન પીળા પડે છે. પણ ધોરી નસ લીલી જ રહે છે. વિકટ પરિસ્થિતિમાં ટોચનાં પાન સફેદ જેવાં થઈ જાય છે તથા તેની ટોચ અને કિનારી બળી જાય છે. પાન ઉપર વિશિષ્ટ ડાઘા પડતા નથી.

જસતની ઉણપથી ઉત્પાદનમાં ઘટાડો

જસત વનસ્પતિમાં ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રોવોને અસર કરે છે. અમુક વનસ્પતિના પ્રજનન માટે ઉપયોગી છે. વનસ્પતિ દ્વારા થતાં પાણીના વપરાશ સાથે સંકળાયેલ છે. જસત ન હોય તો છોડના અગ્રભાગનાં પાન પીળા પડી જાય છે તથા કોઈક વખત પાન પર તપખીરિયા રંગના રતાશ પડતાં ડાઘા પડે છે. પાન પર પીળા રંગની પટી વિકાસ પામે છે. જૂના પાન ખરી પડે છે. આંતરગાંઠો ટૂંકી રહે છે. પાન નીચે તરફ વળે છે. પાક ઉત્પાદન ઓછું મળે છે.

તાંબાની ઉણપથી પૂરતાં ફળ બેસતાં નથી

એમિનો એસિડ તથા પ્રોટીન્સ દ્વારા બનતાં ઘણા પદાર્થો સાથે સંકળાયેલ છે. છોડ દ્વારા લેવાતાં એમોનિકલ નાઈટ્રોજન માટે તાંબું અગત્યનું છે. વનસ્પતિમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. લોહ લેવામાં મદદકર્તા હોઈ પ્રકાશસંશ્લેષ્ણની ક્રિયામાં ઉપયોગી છે. જો તાંબું  ન હોય તો પાનમાં આંતરિક શિરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો સફેદ થાય છે. પાનનો ટોચ સૂકાઈ જાય છે. કોઈક વખત પાન ભૂરો લીલો રંગ ધારણ કરે છે. પૂરતા ફળ બેસતા નથી.

છોડમાં મેંગેનીઝ હરિતકણોના ઉત્પાદનમાં મદદરૂપ

મેંગેનીઝ હરિતકણોના ઉત્પાદનમાં મદદ કરે છે. વનસ્પતિમાં થતી આંતરિક ક્રિયામાં ઉદ્ીપક તરીકે કાર્ય કરે છે. છોડની શ્વાસોચ્છ્વાસ તથા પ્રોટીન બનવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. મેંગેનીઝ ન હોય તો ટોચ પરનાં પાન ફીક્કાં પડે છે. વચ્ચેના જૂના પાન પર તપખીરિયા રંગની જાળી પડે છે. પાનની કિનારી વળી જઈ ત્રિકોણાકાર ધારણ કરે છે.

છોડમાં મોલિબ્ડેનમની અસર

નાઈટ્રેટનું એમોનિયામાં રૂપાંતર કરે છે. જે એમોનિયા પ્રોટીન બનાવવામાં વપરાય છે. કઠોળવર્ગનાં પાકોમાં હવામાંથી નાઈટ્રોજન મેળવવાની શક્તિમાં વધારો કરે છે. મોલિબ્ડેનમ ન હોય તો પાનનો અગ્રભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે. પાનમાં ભૂખરાં ચકામાં પડે છે. ક્યારેક ગુંદર જેવો રસ પાન નીચેથી ઝરે છે. પાન કોકડાઈને પાતળા કાગળ જેવા થઈ જાય છે. પાનની કિનારી વિકૃત થઈ જાય છે. કઠોળ વર્ગના પાકમાં નાઈટ્રોજનની ગાંઠો સૂકાઈ જતાં જમીનમાં રહેલાં જીવાણુઓની મદદથી હવામાંનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરી શક્તાં નથી.

બોરોન કેલ્શિયમને દ્રાવ્ય સ્વરૂપમાં રાખે છે

છોડમાં કેલ્શિયમને દ્રાવ્ય સ્વરૂપમાં રાખે છે,જેથી છોડમાં તેની હેરફેર વધે છે. પોટેશિયમ, કેલ્શિયમ ગુણોત્તરનું નિયમન કરે છે. નાઈટ્રોજનના અવશોષણમાં મદદ કરે છે. કોષ દિવાલમાં અગત્યનો ઘટક છે, તેથી કોષ વિભાજનમાં અગત્યનો ભાગ ભજવે છે. છોડના એક ભાગમાંથી બીજા ભાગ તરફ શર્કરાની હેરફેર માટે જરૂરી છે. મૂળની વૃદ્ધિ સારી થાય છે. છોડમાં બોરોન ન હોય તો ઉગતી કળીની આજુબાજુનાં પાન નિલવર્ણા થઈ જાય છે. પાનની ધાર, કૂંપળ અને ટોચ પર વિશેષ અસર જોવા મળે છે. આંખો મરી જાય છે.છોડનો વિકાસ અટકે છે અને દાણા બેસતા નથી.

ક્લોરીનની હાજરી શર્કરાની હેરફેર માટે જરૂરી

શર્કરાની હેરફેર માટે જરૂરી છે. વધુ ક્લોરીન હોય તો કુલ નાઈટ્રોજન અને નાઈટ્રેટ નાઈટ્રોજનનું પ્રમાણ ઘટે છે. છોડ વધુ ક્લોરીન લે તો તેમાં પાણીનું પ્રમાણ વધે છે જે બતાવે છે કે, તે રસાકર્ષણ સંબંધી જરૂરી છે. ક્લોરિન ન હોય તો પાનની ટોચ અને ધાર બળી જાય છે. કોબીજ જેવા પાકમાં પાણીની અછત ઊભી થઈ પાન સૂકાઈ જાય છે. સુગરબીટ જેવા પાકમાં કોષ વિભાજનનો દર ધીમો પડી પાનનો વિકાસ રૂંધાય છે.

મુખ્ય પોષકતત્ત્વોની ઉણપનું નિવારણ

મુખ્ય પોષકતત્ત્વો પાકને કાર્બનિક તથા અકાર્બનિક પદાર્થોના રૂપમાં આપવામાં આવે છે. જેનો જથ્થો જમીન ચકાસણીના આધારે કૃષિ યુનિવર્સિટી દ્વારા જુદાજુદા પાક માટે થયેલ ભલામણ મુજબ આપવાથી લક્ષ્ય ઉત્પાદન મેળવી શકાય છે. સાથે જ જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદકતા પણ જાળવી શકાય છે.

સૂક્ષ્મતત્ત્વોની ઉણપ સહેલાઈથી વર્તાય તેવા પાકો  

મેંગેનીઝઃ મકાઈ, ઘઉં, ડાંગર, સોયાબીન, મૂળા, વાલ, વટાણા, ડુંગળી, ગાજર, શેરડી, સુગરબીટ, લીંબુ અને દ્રાક્ષ.

લોહઃ જુવાર, જવ, કોબી, ફ્લાવર, ટામેટાં, લીંબુ અને બાગાયતી પાક.

જસત : જુવાર, ઘઉં, ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન, ડુંગળી, લીંબુ, સંતરા, ગ્રેપ ફ્રૂટ.

તાંબુઃ મકાઈ, ઓટ, ઘઉં, જવ, કોબીજ, ફ્લાવર, કાકડી, તુરિયાં, ડુંગળી, ટમેટાં, બીટ, રૂટ, તમાકુ, લીંબુ, સંતરા, ગ્રેપ ફ્રૂટ.

બોરોનઃ રજકો, સુગર બીટ, કોબીજ, ફ્લાવર, બટેટા, લીંબુ, દ્રાક્ષ.

મોલીબ્લેડમઃ ચોળા, કોબીજ, ફ્લાવર, કાકડી, રજકો, બર્સીમ, સુગર બીટ, લીંબુ.

સૂક્ષ્મ તત્ત્વોની ઉણપનું નિવારણ

જમીનમાં જો સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઉણપ વર્તાતી હોય તો તેની પ્રમાણસર અને સમયસર જમીનમાં પૂર્તી કરવાથી અથવા ઊભા પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જો જમીન ચકાસણીથી ઉણપ નક્કી કરવામાં આવી હોય તો, શરૂઆતથી જે-તે પાક માટે પાયાના ખાતર સાથે ખૂટતા સૂક્ષ્મતત્ત્વોનું પ્રમાણસર ખાતર જમીનમાં આપી દેવું જોઈએ. જેથી છોડમાં તત્ત્વોની ખામી નિવારી શકાય. ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર (એફ.સી.ઓ.) દ્વારા પ્રમાણિત થયેલ સૂક્ષ્મતત્ત્વોયુક્ત ખાતરોની પૂર્તિ કરવી હિતાવહ છે. ઉભા પાકમાં ઉણપના લક્ષણો દેખાય ત્યારે નિદાન કરી માત્ર ખૂટતા તત્ત્વોની પ્રમાણસર પૂર્તી છંટકાવથી કરવી જરૂરી છે.

મુખ્ય પોષકતત્ત્વોની અસમતુલાનું નિવારણ

જમીનમાં રહેલ પોષકતત્ત્વોની અસમુતલાની સુધારણા માટે પાકમાં સંકલિત પોષણવ્યવસ્થાને અનુસરવી પડે. પાકની સંકલિત પોષણવ્યવસ્થા એટલે જમીનમાં ઘટતા તથા પાકને આવશ્યક પોષક તત્ત્વો ચોક્કસ પ્રમાણમાં જમીનમાં ઉમેરવા. ચોક્કસ પ્રમાણ એટલે શું? દા.ત. નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ૪:૨:૧ પ્રમાણમાં આપતા, આવું જ પ્રમાણ સૂક્ષ્મ તત્ત્વ માટે પણ નક્કી કરી શકાય છે. આવા સંતુલિત પ્રમાણ દરેક પાક માટે પણ નક્કી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન