મારું પેટ મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન નથી! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મારું પેટ મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન નથી!

મારું પેટ મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન નથી!

 | 3:15 pm IST

વિશ્વભરમાં લોકો ‘વેલેન્ટાઈન્સ ડે’ મનાવે છે, ‘ફાધર્સ ડે’ મનાવે છે, ‘મધર્સ ડે’ મનાવે છે. ‘ફ્રેન્ડશિપ ડે’ મનાવે છે પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે તા.૨૫મી નવેમ્બરને હવે ઈન્ટરનેશનલ ‘મીટલેસ ડે એન્ડ એનિમલ રાઈટ્સ ડે’ તરીકે મનાવવાનો આરંભ સાધુ વાસવાણી મિશન દ્વારા શરૂ કરાયો છે. આ દિવસે અમદાવાદ જેવા શહેરમાં સરદાર નગરમાં આવેલી સાધુ વાસવાણી સ્કૂલથી એક શાંતિયાત્રા પણ કાઢવામાં આવે છે. આ દિવસે સાધુ ટી.એલ.વાસવાણીનો ૧૪૧મો જન્મદિવસ છે.

‘સ્વાદ કે લિયે હત્યા ક્યોં?’ એ પુસ્તકમાં  એક પ્રસંગ છે. સિંગાપુરના કેટલાક ચીની મિત્રોને કહેવામાં આવ્યું: ‘તા.૨૫ નવેમ્બરના દિવસને તેઓ ‘માંસરહિત દિવસ’ તરીકે મનાવે.’

ત્યારે ચીની મિત્રોએ પૂછયું: ‘માંસ ખાધા વગર અમે આખો દિવસ કેવી રીતે રહી શકીએ?’

જવાબ હતોઃ ‘મારી વય ૬૫ વર્ષની છે અને આજ સુધી મેં કદી માંસ ખાધું નથી અને હજુ હું સ્ફૂર્તિથી ચાલી શકું છે.’

ચીનીઓએ જોયું તો તેઓ ગજબની સ્ફૂર્તિથી ચાલી શકતા હતા. ચીની મિત્રોએ એમની સાથે કદમ મિલાવવા લગભગ દોડવું જ પડતું હતું.

એ વાત સાચી કે એક જમાનામાં જ્યારે શાકાહારીને કેટલાક યુરોપના લોકો ‘પાગલોના સંપ્રદાય’ (ષ્ઠેઙ્મં ર્ક ષ્ઠટ્વિડઅ) માનતા હતા. મજાક કરતા હતા. એક વ્યક્તિને અનિદ્રાનો રોગ હોવાથી તે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે એને સલાહ આપી કે ‘સારી ઊંઘ લેવી હોય તો ઘેટાના ટોળામાં જઈ તે કેટલાં છે તેની ગણતરી કરીને આવો.’

દરદીએ જવાબ આપ્યો કે ‘હું એમ કરી શકીશ નહીં, કારણ કે હું શાકાહારી છું.’

છેવટે ડોક્ટરે તેને કહ્યું: ‘એમ હોય તો જાવ ખેતરમાં ગાજર કેટલાં છે તે ગણી આવો!’

શાકાહારીઓની આવી મજાક કરવામાં આવતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. વિશ્વમાં શાકાહારીઓની સંખ્યા વધી રહી છે. એક આંકડા પ્રમાણે વિશ્વમાં શાકાહારી ભોજનની માંગમાં ૧૪ ટકાનો વધારો થયો છે. એકમાત્ર પોર્ટુગલમાં શાકાહારીઓની સંખ્યામાં ૪૦૦ ટકા વધારો થયો છે. પોર્ટુગલના ૬૦,૦૦૦ લોકો શાકાહારી છે. ઓસ્ટ્રેલિયામાં જે કોઈ ફૂડ પ્રોડક્ટનું લોન્ચિંગ થયું તેમાં શાકાહારી પદાર્થોવાળા ફૂડમાં ૯૨ ટકાનો વધારો થયો છે અને તે વિશ્વનું ત્રીજા નંબરનું શાકાહારી ફૂડ માર્કેટ બની ગયું છે. ૨૦૨૦ સુધીમાં ચીનના વેજિટેબલ ફૂડના માર્કેટમાં ૧૭ ટકાનો વધારો થશે તેવું અનુમાન છે. યુનાઈટેડ કિંગ્ડમમાં હવે ૫૦ ટકા લોકો બીફ ઓછું ખાય છે. ૫૦ ટકા અમેરિકનો કતલખાનાંઓનો વિરોધ કરી રહ્યા છે. વિશ્વમાં ભારત એક એવો દેશ છે કે જ્યાં ઓછામાં ઓછું મીટ ખવાય છે. ૨૦૦૬ના નેશનલ સરવેમાં જણાયું હતું કે ૩૧ ટકા લોકો શુદ્ધ શાકાહારી છે.

આમ છતાં દુઃખની વાત એ છે કે ભારતનાં કતલખાનાંમાં કપાતાં નિર્દોષ પ્રાણીઓનું માંસ વિપુલ પ્રમાણમાં ભારતના જ કેટલાક માંસના વેપારીઓ કરે છે.

વિશ્વના ચીન જેવા કેટલાક દેશો ઉંદર પણ ખાય છે પરંતુ જાણવા જેવી વાત એ છે કે વિશ્વમાં તાઈવાન એ એવો પ્રથમ દેશ છે કે જેણે કૂતરાં-બિલાડીનું માંસ ખાવા પર પ્રતિબંધ મૂક્યો. વાનકુંવરે પમી મીલ ડોગ્સ અને કેટ્સ વેચવા પર પ્રતિબંધ મૂક્યો. લેબેનોનમાં પ્રાણીઓ પરનો અત્યાચાર ગેરકાયદે છે. વિયેતનામ રીંછના ફાર્મ પર પ્રતિબંધ મૂકવા સંમત થયું છે. વિશ્વના ઘણા દેશોમાં લોકો ભૂંડ અને રીંછનું માંસ ખવાય છે. ઈંગ્લેન્ડનાં કતલખાનાઓમાં હવે કેમેરા લગાવવા ફરજિયાત છે. જર્મનીએ તમામ અધિકૃત કાર્યક્રમોમાં મીટ પીરસવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ધર્મગુરુ સાધુ વાસવાણીજીએ કહ્યું છે કે, ‘આજે માનવી અવાજની ગતિ કરતાં વધુ ઝડપે ઊડવા શક્તિમાન બન્યો છે અને અંતરિક્ષને જીતવા દોડ લગાવી રહ્યો છે પરંતુ માનવીએ પોતાની જીતને જીતવાની હજુ બાકી છે. માનવી પોતાની ભૂખ અને ઈચ્છાઓનો ગુલામ બની ગયો છે. માનવીએ જે સભ્યતાનું નિર્માણ કર્યું છે તે તૂટીને ભંગાર થઈ જવાની અણી પર છે, કારણ કે માનવી પોતે જ ઈશ્વરે કરેલા સર્જનથી વિમુખ થઈ રહ્યો છે. માનવીએ તમામ પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો, ફૂલો, ઝરણાં અને તારાઓને મિત્ર બનાવવાની જરૂર છે. આ પક્ષીઓ તમારા માટે સુંદર ગીતો ગાશે. ફૂલો તમને સ્મિત આપવા માંગે છે. પ્રાણીઓ તમારી સામે બેસીને તેમની નિર્દોષ આંખોથી તમને પ્રેમ આપશે.’

અત્રે એ જાણવું જરૂરી છે કે મનુષ્ય જાતિમાં મૃત્યુનું એક મુખ્ય કારણ છે હૃદયરોગ. લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી જતાં હૃદયરોગનો હુમલો આવે છે અને તાજેતરનાં સંશોધનો જણાવે છે કે પશુઓના માંસમાં કોલેસ્ટેરોલ સહુથી વધુ માત્રામાં છે. જેઓ શાકાહારી છે તેમના લોહીમાં માંસાહારી લોકો કરતાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું જણાયું છે. શાકાહારી પદાર્થો બ્રેસ્ટ, આંતરડાં અને પ્રોસ્ટેટ તથા કેન્સર જેવી બીમારીઓને રોકે છે. ગુણોની દૃષ્ટિએ વનસ્પતિમાંથી જે પ્રોટીન પ્રાપ્ત થાય છે તે માંસમાંથી મળતા પ્રોટીન કરતાં વધુ શ્રેષ્ઠ છે.

કેટલાક લોકો એમ માને છે કે બાળકો માંસાહાર નહીં કરે તો દુર્બળ બની જશે. તેની સામે હાથીનું ઉદાહરણ છે. હાથી મહાકાય અને શક્તિશાળી પ્રાણી હોવા છતાં તે શાકાહારી છે. આની સામે કેટલાક લોકો માંસાહારી વાઘ કે સિંહનો દાખલો આપે છે પણ શાકાહારીઓને તેમને જવાબ છે કે વાઘ, ચિત્તા કે સિંહની શક્તિ વિનાશકારી છે જ્યારે હાથીની તાકાત રચનાત્મક છે.

એકવાર વિશ્વવિખ્યાત સાહિત્યકાર બર્નાડ શોના સન્માનમાં એક મિજબાનીનું આયોજન થયું હતું. ટેબલ પર માંસાહારી વાનગીઓ મૂકવામાં આવી હતી. એ વાનગીઓ જમવાનો ઈન્કાર કરનાર બર્નાડ શોને પૂછવામાં આવ્યું કે, ‘તમે માંસાહારી વ્યંજનો કેમ ખાતા નથી?’ તો એ પ્રશ્નના જવાબમાં બનાર્ડ શોએ કહ્યું હતું: ‘મારું પેટ મરેલાં પશુઓનું કબ્રસ્તાન નથી.’

કતલખાનાંની દીવાલો કાચની હોત તો બધા જ લોકો શાકાહારી હોત.

શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છેઃ ‘જેણે આ પૃથ્વી પર રહેલાં બધાં જ પ્રાણીમાત્ર એવાં માનવ, પશુ-પક્ષી, જીવ, જંતુ એ બધામાં એક જ જીવનતત્ત્વ નિહાળ્યું છે તેણે જ સાચા અર્થમાં ઈશ્વરનાં દર્શન કર્યાં છે.’

ભગવાન ગૌતમ બુદ્ધે તેમના પ્રિય શિષ્ય આનંદને કહ્યું હતું: ‘આનંદ, આ ‘કલ્પ’ના લોકોને કામવાસનાથી દૂર રહેતાં શીખવવું પડશે અને હિંસા અને ક્રૂરતાથી પણ દૂર રહેવું પડશે.’

લેડી માર્ગારેટ હોસ્પિટલના ડો.જે.ઓલ્ડફીલ્ડ કહે છેઃ ‘શાકાહારી પદાર્થોમાં જીવન માટેનાં બધાં જ આવશ્યક તત્ત્વ ઉપસ્થિત છે જે માનવીને જીવિત રાખી શકે. માંસ એક અપ્રાકૃતિક ભોજન છે અને તેના કારણે ઈન્દ્રિમ-કર્મ સંબંધિત અવ્યવસ્થા પેદા થાય છે એટલું જ નહીં પરંતુ તેના કારણે ખતરનાક બીમારીઓ પણ આવે છે. એના કારણે કેન્સર, ક્ષય, જ્વર, આંતરડામાં કીટાણુ વગેરે રોગોના ભોગ બનવાનો સંભવ રહે છે. એ કહેવામાં કોઈ સંકોચ નથી કે જે ખતરનાક બીમારીઓના કારણે ૯૯ ટકા લોકોનાં મૃત્યુ થાય છે તેનું એક કારણ છે માંસાહાર.’

એ ખુશીની વાત છે કે તા.૪ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ગુરુદેવ સાધુ વાસવાણીના ૧૩૯મા જન્મદિવસને ‘આંતરરાષ્ટ્રીય મીટલેસ ડે’ તરીકે ઉજવવાના ભાગરૂપે પૂણેની ૫૮ શાળાઓમાં ડ્રોઇંગ અને પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ૪૨,૦૦૦ બાળકોએ ભાગ લીધો. આ ડ્રોઇંગ સ્પર્ધાની થીમ હતી- ‘એનિમલ્સ આર પાર્ટ ઓફ માય ફેમિલી’ અને ‘ટુ લવ ગોડસ ક્રિએશન ઈઝ ટુ લવ ગોડ.’ ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ માટે થીમ હતીઃ ‘એનિમલ્સ આર માય ફ્રેન્ડ એન્ડ આઈ ડોન્ટ ઈટ માય ફ્રેન્ડ્સ.’

બાળકો પણ આટલું સમજે છે તો હવે મોટેરાંઓ કેમ નહીં? માંસાહાર છોડો.

  • devendrapatel.in

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન