સત્તાધીશોની કમાલ : વરસાદ એક ઇંચ, પાણી દોઢ ફૂટ!   - Sandesh
  • Home
  • Columnist
  • સત્તાધીશોની કમાલ : વરસાદ એક ઇંચ, પાણી દોઢ ફૂટ!  

સત્તાધીશોની કમાલ : વરસાદ એક ઇંચ, પાણી દોઢ ફૂટ!  

 | 2:55 am IST

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

અમે કોઈ મંત્રી કે નેતા તો છીએ નહીં કે અગત્યના વિષય પર સમજ્યા-વિચાર્યા વિના જ નિર્ણય લઈ લઈએ, પૂરો વિચાર કરીને અમે મુંબઈ જવાનું નક્કી કરેલું, ને તેમ છતાં વરસાદે અમને એવું વિચારવા મજબૂર કરી દીધા કે આટલા ભયાનક વરસાદી માહોલમાં ખરેખર બહાર ના નીકળાય. લોકો ઘરની બહાર નીકળવાનું વિચારતા નથી હોતા એવા માહોલમાં અમે ગુજરાત બહાર છેક મુંબઈ જવાનું વિચારેલું!

વરસાદ મુંબઈનો હોય, અમદાવાદનો હોય કે સુરત, રાજકોટનો હોય, પોતાની કૃપા વરસાવવામાં એ સહેજપણ ભેદભાવ નથી રાખતો કારણ કે એ વરસાદ છે, રાજકારણી નથી. એણે કોઈનીય સાથે એવો વહેવાર કર્યો નથી કે, જે તે શહેરના નાગરિકોને એવી ફરિયાદ કરવાનો ચાન્સ મળે કે ‘વરસાદ પણ ખરો છે કે એણે મુંબઈના રસ્તા તો રસ્તા, મકાનોનાં મકાનોય સાફ કરી નાખ્યાં, અને અમારે ત્યાં આમાંનું કશુંય કર્યું નહીં!’ ના સાહેબ, આવા પ્રકારની માનવીય ફરિયાદ કરવાની તક એ કોઈપણ શહેરનો આપતો નથી. પાણી પચાવવાની કેટલી ક્ષમતા છે એ મુજબ વરસાદ જે તે શહેરને સાફ કરવાનું ત્રિદિવસીય કે પછી પૂરા સપ્તાહ સુધી વરસવાનો કાર્યક્રમ એ ગોઠવે છે.

શહેર કોઈપણ હોય, વરસાદ તો જે તે શહેરની પોલ ખોલી દેવાનો પોતાનો ધર્મ અચૂક પાળે છે. વરસાદ આપણને એ વાતનું જ્ઞાન આપે છે કે ભારતના કોઈપણ શહેર પાસે બધું – મતલબ કે બધ્ધું જ હોય તેમ છતાં વરસાદમાં એ શહેર કેટલું અસહાય અને અપાહિજ બની જાય છે! પહેલા જ વરસાદમાં ઓફિસો અને રહેઠાણની છતો પરથી પાણી ટપકવા માંડે છે ત્યારે લોકોને ખબર પડે છે કે અરે વાહ, આ ઓફિસો તો સરકારી છે અને એ રહેઠાણો હાઉસિંગ બોર્ડના છે, એ સિવાય સાવ નહીં જેવા વરસાદમાં પણ આટલા સરસ જલાભિષેકની સુવિધા આપવાની તાકાત પ્રાઇવેટ સેક્ટરની ના હોય! પ્રાઇવેટ સેક્ટરનાં મકાનોમાં આટલી પાવરફુલ સગવડતા નથી મળતી કે વરસાદ એકધારો એકાદ કલાક વરસ્યા કરે અને છત રાતભર! માત્ર ખુદા જ નહીં, કોન્ટ્રાક્ટર ભી દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. નાગરિકોના જીવન સાથે મજાક કરવાની ટેવ જેટલી રાજકારણીઓને છે એટલી કોન્ટ્રાક્ટરોને પણ છે. પછી એ કોન્ટ્રાક્ટર, મકાનોનો હોય, પુલો બાંધનારો હોય કે કાચા-પાકા રોડ બનાવનારો હોય. દરેક જણ ‘પોતપોતાના અર્થ’ની ડિઝાઇન મુજબ પોતાના ધર્મનું પાલન કરતો હોય છે.

હમણાં થોડા દિવસ પહેલાં વરસાદે મુંબઈના કોર્પોરેશનની પોલ ખોલી નાખી. દર વરસે કરોડો રૂપિયાના ખર્ચે જૂના-નવા રોડનું રિ-સરફેસિંગ થતું રહે છે તેમ છતાં (અથવા ‘એટલા માટે જ’) એક ઇંચ વરસાદમાં રસ્તા પર દોઢ ફૂટ પાણી ભરાઈ ગયું હોય એવા સમાચારો મીડિયાએ પ્રગટ કર્યા છે. વરસાદ એક ઇંચ, પાણી દોઢ ફૂટ! આને કહેવાય સાહેબ સબકા સાથ – સબકા વિકાસ! હવે આ ‘સબકા’ની વ્યાખ્યામાં નાગરિકોને બાદ કરતાં કોનો કોનો સમાવેશ થયો છે એ સંશોધનનો વિષય છે. ક્યારેક તો રસ્તામાં ધસમસતા પ્રવાહની જેમ વહેતું પાણી ફૂટપાથનીય શરમ રાખ્યા વિના દુકાનોમાં કે રહેઠાણોમાં ઘૂસવા માંડે છે. ‘પાણી ઘૂસવા માંડે છે’ એવું કહીને અમે કોઈ જળનું, નીરનું, વારિનું, ઉદકનું કે પાણીનું અપમાન કરવા નથી માગતા. આટલી સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે કોઈ માત્ર ને માત્ર પોતાને જ સાચા ધર્મરક્ષક અને પાક્કા તત્ત્વદર્શન સંરક્ષક તરીકેના એકમાત્ર ઠેકેદાર તરીકે સમજવાની ઉદારતા રાખતો હોય તો એના કોમળ હૃદયને સહેજપણ ઠેસ ન પહોંચે! ખરેખર તો અમારે એવું લખવું જોઈતું હતું કે રસ્તા પરનું ધસમસતું પાણી બંધ બારણાંનીય આમન્યા રાખ્યા વિના છેક ઘરમાં પ્રવેશી ઘરનાં વાસણકૂસણ કે ફર્નિચરને તો સમજ્યા, ઊંચા પગ રાખીને બેઠેલા માણસોના ચરણોનેય એ સ્પર્શ કરીને પાવન કરી દે છે. વહેતું પાણી પોતે જ પ્રસન્ન થઈ જે તે રહેવાસીઓનાં ચરણ પખાળે છે એવું પુનીત દર્શન જ્યારે મીડિયા કરાવે છે ત્યારે સવાલ એ પેદા થાય છે કે આવું પવિત્ર દૃશ્ય જોઈને આપણે આભાર કોનો માનવાનો – મીડિયાનો કે વરસાદનો? ક્યાંકથી જવાબ સંભળાય છે : ‘અધિકારીઓનો!’

મુંબઈનો વરસાદ કવિઓને કે લેખકોને જેટલો આકર્ષક અને ઉત્તેજક લાગે છે એના કરતાં અનેકગણો ઉત્તેજક અને આકર્ષક ત્યાંના અને ખાસ તો દેશ-વિદેશના પત્રકારો અને ફોટોગ્રાફરોને લાગે છે! કવિ અને પત્રકાર વચ્ચે ફરક માત્ર એટલો જ છે કે ‘કવિ પોતાની રૂમમાં બંધબારણે બેસીને વરસાદને માણતો હોય છે, પત્રકાર ઘરની બહાર નીકળતો હોય છે. કવિ બહારથી કોરો રહીનેય ભીતરથી લથપથ થઈ જતો હોય છે, પત્રકાર બહારથી જ લથપથ થઈ જાય છે ભીતરથી કોરો રહે છે. જોકે અમુક પત્રકારોએ હવે કવિઓના ગઢમાં ગાબડાં પાડવા માડયાં છે એ લોકો તો, બહારથી અને ભીતરથી એમ બંને રીતે વરસાદને માણે છે. મહત્ત્વનું એ નથી કે આંખો બંધ રાખીને માણવું કે ખુલ્લી રાખીને માણવું – મહત્ત્વનું છે, માણવું. જોકે એ નહીં ભૂલવું જોઈએ કે વરસાદ પણ માણવાની ચીજ છે! એમાંય જો કોઈ કવિ ભૂલેચૂકેય વરસતા વરસાદમાં ઘરની બહાર નીકળવાનું સાહસ કરે અને નદી વહી રહી હોય એવા વહેતા પ્રવાહમાં નહીં દેખાતા રોડ પર મંદ મંદ ગતિએ ચાલવાનું દુઃસાહસ કરે, અને ન કરે કોન્ટ્રાક્ટર – નારાયણ ને અચાનક જ ખાડો આવી જાય અને કવિરાજ ઓમ ધબાય નમઃની મુદ્રામાં ફેરવાઈ જાય ત્યારે એમને જે અનુભવ થાય છે એ અનુભવમાંથી જન્મતી કવિતા કાંતો મંદાક્રાન્તા છંદમાં જ લખાઈ ગઈ હોય, કાંતો કવિ નાનાલાલની ડોલનશૈલીમાં!’

ધોધમાર વરસી રહેલા વરસાદમાં કે જળબંબાકાર થઈ ગયેલા રસ્તામાં આવતા મોટાભાગના ખાડા ભગવાન જેવું પરમપદ પામતા હોય છે કેમકે અસ્તિત્વનું હોવું અને તેમ છતાં પ્રગટપણે એનું દેખાવું નહીં એને ભગવાન કહેવાય. પોતે હોય છતાં દેખાય નહીં. વરસાદને માણવાના ડાઇમેન્શન અલગ અલગ હોય છે. કવિઓ, જે કંઈ માણવા યોગ્ય માણવાનું હોય એને એ બંધ આંખે માણે છે અને પત્રકારો ખુલ્લી આંખે!

‘ખાડાનો સાક્ષાત્કાર નસીબદાર લોકોને થાય છે.’ આવું અમે નથી કહેતા, ખાડાના નિર્માતા કહે છે. આપણો સમાજ વેદકાળથી લઈને આજના વેબકાળ સુધી માત્ર ને માત્ર સહકારી ભાવના પર ટક્યો છે. આવી ભાવનાને કારણે જ મોટાભાગના વિસ્તારોમાં ખાડાની આજુબાજુમાં જ હાડવૈદ્યનાં ક્લિનિક જોવા મળે છે. ખબર નથી પડતી કે આ વિસ્તારોમાં આવેલાં હાર્ડવૈદ્યનાં ક્લિનિકોની આસપાસના રસ્તાઓને વરસાદી ખાડાઓનું વરદાન મળ્યું છે કે પછી આવાં ક્લિનિકોને ખાડા પડતા વિસ્તારોમાં સ્થાયી થવાના આશીર્વાદ મળ્યા છે. કંઈક તો છે સાહેબ! ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ એવું કંઈ અમસ્તું તો નહીં જ કહેવાતું હોય ને!

મુંબઈ શિવસેનાના એક નેતાએ હમણાં દુઃખ વ્યક્ત કરતાં એવું કહ્યું કે મુંબઈમાં ભારે વરસાદને કારણે કેટલાક માણસો મૃત્યુ પામ્યા એ એક અકસ્માત છે, એમાં સત્તાધીશોની સહેજ પણ બેદરકારી નથી. નેતાની આ વાતમાં દમ છે. સત્તાધીશોની સહેજ પણ બેદરકારી નથી, બેદરકારી તો મૃત્યુ પામેલા એ માણસોની કહેવાય કે છેલ્લા ૨૫ વર્ષથી મ.ન.પા.માં સત્તાસીન રહેલી પાર્ટીને વારંવાર મત આપીને સત્તા સોંપતા રહ્યા. છેલ્લા ૨૫ વર્ષથી મુંબઈનો નાગરિક ચોમાસામાં વરસાદ કે વરસાદી પાણીનો ભોગ બનતો આવ્યો છે, છતાં એ પોતાનો મતદાન ધર્મ ચૂકતો નથી અને નેતાઓ પોતાનાં કિંમતી નિવેદનો પીરસવાનો રાજધર્મ ચૂકતા નથી. શિવસેનાના એ નેતાએ તો ઉદારભાવે એમ પણ કહ્યું કે ક્યાંક ઢીંચણ સુધી તો ક્યાંક કેડ સમાણાં પાણી ડહોળતાં ડહોળતાં જે લોકો પોતાનાં ઘર ભેગાં થઈ શક્યા એ જ એ વાતની સાબિતી આપે છે કે મુંબઈમાં હજુપણ કેટલાક રસ્તા એવા રહી ગયા છે કે જ્યાં સમ ખાવા પૂરતોય ખાડો નથી.

છેલ્લાં કેટલાંક વરસોમાં મુંબઈના વરસાદે મોટાભાગના કોન્ટ્રાક્ટરોને મોટા ગજાના બિલ્ડર્સ બનાવી દીધા છે. ધોધમાર વરસતો વરસાદ અને જળબંબાકાર થઈ ગયેલા રસ્તા જ્યારે બંધનું નિઃશબ્દ એલાન આપી દે છે ત્યારે એ બંધના એલાનને નિષ્ફળ બનાવવા નથી તો પોલીસ કે સરકાર કામે લાગતી કે નથી તો કોઈ સ્વૈચ્છિક સંસ્થા બંધને વખોડતી! માત્ર લોકલ ટ્રેનો જ નહીં, દ્વિચક્રી, ત્રિચક્રી કે ચતુર્ચક્રી વાહનો, વિમાનો, શાળા-કોલેજો, સરકારી-ખાનગી ઓફિસો સૌ આ બંધમાં કાંતો હેરાન થયા પહેલાં કાંતો હેરાન થયા પછી સ્વેચ્છાએ જોડાય છે. આને કહેવાય સાહેબ, ‘પાણી’દાર બંધ!

ડાયલટોન :  

– એવું કયું નાટક છે જેના અંતમાં બીજા નાટકનો આરંભ હોય?

– કરના-ટક!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન