ઓઇલ, બેન્કિંગ તથા ફાઇ. શેર્સ શેરબજારને ઘટાડવામાં કારણરૂપ - Sandesh
  • Home
  • Business
  • ઓઇલ, બેન્કિંગ તથા ફાઇ. શેર્સ શેરબજારને ઘટાડવામાં કારણરૂપ

ઓઇલ, બેન્કિંગ તથા ફાઇ. શેર્સ શેરબજારને ઘટાડવામાં કારણરૂપ

 | 12:15 am IST

। મુંબઈ ।

ઓઇલ, બેન્કિંગ તથા ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીઓના શેર્સ શેરબજારને ગુરુવારે નીચે લઈ ગયા હતા. બીજી બાજુએ ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના કંપનીઓના પરિણામની શરૂઆત થતાં રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. એશિયન શેરબજાર ઘટયા બાદ અમેરિકી વાયદા સહિત યુરોપિયન શેરબજાર ઘટયા હતા.

દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૦૬.૪૧ પોઇન્ટ ઘટી ૩૬,૧૦૬.૫૦ અને નિફ્ટી ૩૩.૫૫ પોઇન્ટ ઘટી ૧૦,૮૨૧.૬૦ ઉપર બંધ થયાં હતાં. એનટીપીસી, વેદાંત, ઓએનજીસી, આઇટીસી, તાતા મોટર્સ અને યસ બેન્ક વધ્યા હતા જ્યારે એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, સન ફાર્મા અને એચપીસીએલ ઘટયા હતા.  ત્રીજા ત્રિમાસિક ગાળાનો નફો વધતા બંધન બેન્કનો શેર એક તબક્કે ૧૦.૪૭ ટકા વધ્યો હતો. બેન્કે રૂ.૩૩૧ કરોડનો નફો કર્યો હતો કે જે સામે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૩૦૦ કરોડનો નફો કર્યો હતો. શેરનો ભાવ રૂ.૧૬.૧૫ વધી રૂ.૪૭૧.૫૫ થયો હતો.

મારુતિ સુઝુકીએ ચોક્કસ કાર મોડલોના ભાવમાં ફેરફારની જાહેરાત કરતા શેરનો ભાવ ઘટયો હતો. શેરનો ભાવ રૂ.૧૦૧.૩૦ ઘટી રૂ.૭,૩૯૧.૬૦ થયો હતો. ગ્લેનમાર્ક ફાર્માએ યુહાન કોર્પોરેશન સાથે સમજૂતી કર્યાના અહેવાલે શેર એક ટકો વધ્યો હતો. શેરનો ભાવ રૂ.૧૧.૧૫ વધી રૂ.૬૬૭.૮૫ ઉપર બંધ થયો હતો.   ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં બહેતર કામગીરી છતાં ડેલ્ટા કોર્પનો શેર ઘટયો હતો. કંપનીનો નફો ૧૩ ટકા વધી રૂ.૫૦.૫૩ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૪૪.૭ કરોડ હતો. શેરનો ભાવ રૂ.૩.૮૫ ઘટી રૂ.૨૫૮.૧૫ થયો હતો. ઉત્તર પ્રદેશ અને ચંડીગઢ તરફથી ૨૫૮૦ બસનો ઓર્ડર મળતા અશોક લેલેન્ડનો શેર વધ્યો હતો. શેર રૂ.૦.૫૫ વધી રૂ.૯૫ થયો હતો.

અમેરિકામાં અગ્રણી ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર બ્લેક બોક્સ કોમ્યુનિકેશન્સને કંપનીની સબ્સિડિયરીએ હસ્તગત કર્યાના અહેવાલે એજીસી નેટવર્કનો શેર ઇન્ટ્રા ડેમાં ૮.૫ ટકા વધ્યો હતો.

મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ એનસીસીમાં અમુક શેરહિસ્સો ખરીદતાં શેરનો ભાવ વધ્યો હતો. શેરનો ભાવ રૂ.૨.૦૬ વધી રૂ.૯૨.૭૦ થયો હતો. ગોવા કાર્બને ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં રૂ.૪.૯ કરોડની ચોખ્ખી ખોટ કરી હતી જે સામે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૨૨.૫ કરોડનો નફો કર્યો હતો. કંપનીની આવક રૂ.૧૮૬.૬ કરોડ ઉપરથી ઘટી રૂ.૯૪.૩ કરોડ થઈ હતી. કંપનીના એકાઉન્ટ્સના ત્રણ વર્ષના ચોપડા તપાસ્યા બાદ કોર્પોરેટ બાબતોના મંત્રાલયને કોઈ ગેરરીતિ જણાઈ ન હતી એમ વકરાંગીએ જણાવતા રૂ.૩૮ના ભાવે શેરમાં પાંચ ટકાની ઉપલી સકર્ટિ લાગી હતી.

એચપીસીએલ, બીપીસીએલ અને ઈન્ડિયન ઓઇલમાં નીચા ભાવે કામકાજ થયું હતું. ક્રૂડ તેલના ભાવ આજે એક ટકો ઘટયા હતા. આથી, એચપીસીએલ ૩, બીપીસીએલ ૧.૫ અને ઈન્ડિયન ઓઇલ ૧.૫ ટકા ઘટયા હતા.

સોનું રૂ.૩૩,૦૦૦ને પાર 

વિદેશમાં સોનાના ભાવ સાત મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા અને સ્થાનિક બજારમાં દાગીનાની માગ જળવાઈ રહેતા ગુરુવારે નવી દિલ્હીના સોનાચાંદી બજારમાં સોનાનો ભાવ ૧૦ ગ્રામે રૂ.૨૭૦ વધી સૌપ્રથમવાર રૂ.૩૩,૦૦૦ને પાર થયો હતો. ચાંદીમાં એક કિલોએ રૂ.૪૧૦નો વધારો થયો હતો અને ભાવ રૂ.૪૦,૫૧૦ થયો હતો.

ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો 

અમેરિકાનું ક્રૂડ તેલ ઉત્પાદન વધતા ક્રૂડ તેલના ભાવ ઘટયા હતા. ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ તેલ વાયદાનો ભાવ એક બેરલે ૭૦ સેન્ટ ઘટી ૫૧.૬૬ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ વાયદાનો ભાવ એક બેરલે ૭૨ સેન્ટ ઘટી ૬૦.૭૨ ડોલર થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;