જૂનું અને જાણીતું ઈસબગુલ - Sandesh

જૂનું અને જાણીતું ઈસબગુલ

 | 12:00 am IST

આહાર । વંદના

‘ઈસબગુલ’એ ‘સિલિમ પ્લાન્ટ’ના દાણાનું ભૂસું (ઉપરના છોતરા) છે. તે સ્વાદહીન હોય છે અને ભીનાશ મળે ત્યાં ચોંટી જવાનો ગુણ ધરાવે છે. ઈસબગુલ પેટ માટે વર્ષાેથી વપરાતું આવ્યું છે. તે સારું સારક (લેક્સેટિવ) હોવાથી ડોક્ટરો પણ કબજિયાત હરસ-મસા અને આંતરડાની ગરબડ ધરાવતા દર્દીઓને તે લેવાની સલાહ આપે છે. તકલીફની તીવ્રતા મુજબ એક સપ્તાહથી લઈને ત્રણ સપ્તાહ સુધી તે લેવામાં આવે છે. કેટલાંક લોકો તેનું રોજ સેવન કરે છે. રાત્રે સુતી વખતે દૂધ અથવા પાણી સાથે તેઓ તે લે છે.

ઈસબગુલની સારકતાનો ગુણ તેમાં રહેલા રેસાને કારણે હોય છે. આ રેસા દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકારના હોય છે અને તે મળના જથ્થાને વધારે છે. દ્રાવ્ય રેસા આંતરડાની આંતરત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જ્યારે અદ્રાવ્ય રેસા મળને ઝડપથી બહાર નીકળવામાં મદદ કરે છે. આથી કાસિંનોજન્સ આંતરડાની આંતરત્વચામાં ટકી શકતા નથી.

ઈસબગુલમાં બીજાં પણ કેટલાંક એન્ટિ-કેન્સર ગુણો રહેલા છે. તે ટ્રિગ્લીસરાઈડ્સ અને એલ.ડી.એલ.ને ઘટાડે છે. તેથી સ્થૂળતા અને ઊંચા કોલસ્ટરોલની સમસ્યા હલ થાય છે. જો તમે ઊંચા કોતસ્ટરોલથી પીડાતા હોય તો તમારા રોજિંદા ડાયેટમાં ઈસબગુલનો સમાવેશ કરો.

ઈસબગુલ રક્ત-શર્કરાને નીચી લાવવામાં અને ઈન્સ્યુલિનને વ્યવસ્થિત બનાવવામાં ઉપયોગી છે. એવું સંશોધન કર્તાઓએ તારણ કાઢયું છે.

સેવનની માત્રા અને પદ્ધતિ :-

રોજની બે કે ત્રણ ચમચીની માત્રા પૂરતી છે. તેને પાણી કે દૂધ સાથે મેળવીને રાત્રે સૂતાં પહેલાં પીવામા આવે છે. તે સ્વાદહીન હોવાને કારણે ઘણાં લોકો તેમાં થોડી ખાંડ મેળવે છે. ઈસબગુલ ઝડપથી પાણી શોષતું હોવાને કારણે તેને તરત પીવું જરૂરી છે. તે જાડું થઈ જાય પછી પીવું મુશ્કેલ બને છે.

ઈસબગુલ સ્વાદહીન હોવાને કારણે તેને પાસ્તાની ગ્રેવી જાડી બનાવવા માટે વાપરી શકાય છે. તેને ભાખરીના લોટમાં વાપરી શકાય છે. તમને કબજિયાત, રક્ત-શર્કરા કે કોલસ્ટરોલ જેવી કોઈ તકલીફ ના હોય તો પણ તમે તેને તમારા ડાયેટમાં સમાવી શકો છો. તેની કોઈ આડઅસર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન