ઓલિમ્પિકના એથ્લેટ્સ વિલેજના એપાર્ટમેન્ટ વેચાવાનું શરૂ,  ટોક્યોના આયોજકો ઉપર વધારાના ૨૦૦ અબજનો બોજો - Sandesh
  • Home
  • World
  • ઓલિમ્પિકના એથ્લેટ્સ વિલેજના એપાર્ટમેન્ટ વેચાવાનું શરૂ,  ટોક્યોના આયોજકો ઉપર વધારાના ૨૦૦ અબજનો બોજો

ઓલિમ્પિકના એથ્લેટ્સ વિલેજના એપાર્ટમેન્ટ વેચાવાનું શરૂ,  ટોક્યોના આયોજકો ઉપર વધારાના ૨૦૦ અબજનો બોજો

 | 1:46 am IST

। ટોક્યો ।

કોરોના વાઇરસના કારણે જાપાનની યજમાનીમાં યોજાનારી ટોક્યો ગેમ્સ ૨૦૨૧ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે અને જાપાનને અબજો ડોલરનું નુકસાન થયું છે. હવે મોટો પ્રશ્ન એ છે કે ગેમ્સને સ્થગિત કરવાના કારણે થયેલા જંગી નાણાકીય નુકસાનની ભરપાઇ કોણ કરશે ? સૌથી પહેલાં જવાબ છે જાપાનના ટેક્સપેયર. જાપાનના સ્થાનિક બિઝનેસ અખબારે સ્થાનિક આયોજક એટલે કે ઓલિમ્પિક આયોજન સમિતિ સાથે વાતચીત કરીને અંદાજો લગાવ્યો છે કે ઓલિમ્પિક સ્થગિત થવાના કારણે ૨.૭ બિલિયન ડોલર એટલે કે લગભગ ૨૦૦ અબજ રૂપિયાનો વધારાના બોજો લદાશે. આયોજકોએ ગેમ્સના વેન્યૂ (કેન્દ્ર) અંગે નવી લીઝ માટે કરાર કરવો પડશે. તમામ ગેમ્સના એરિના માટેના મેન્ટેનન્સ અંગે વધારાનું પેમેન્ટ કરવું પડશે અને કદાચ આ વખતે પરિસ્થિતિ અલગ પણ હોઇ શકે છે. આ સાથે રીઅલ એસ્ટેટ ડેવલપર્સ સાથે પણ વાટાઘાટ કરવી પડશે કારણ કે તેઓ અત્યારથી એથ્લેટ્સ વિલેજમાં ઉપયોગમાં લેવાનારા એપાર્ટમેન્ટ્સ વેચવાની શરૂઆત કરી ચૂક્યા છે. આયોજક સમિતિ પાસે ૩૫૦૦નો સ્ટાફ છે અને કેટલાકે તો કોસ્ટ કટિંગના કારણે પોતાની નોકરી પણ ગુમાવવી પડે તેવી સંભાવના છે.

૩.૩ બિલિયન ડોલરની સ્પોન્સરશિપ ઉપર પ્રશ્નાર્થ  

ટોક્યો ગેમ્સના આયોજકોએ ૩.૩ બિલિયન ડોલર એટલે કે લગભગ ૨૫૦ અબજ રૂપિયાની સ્થાનિક સ્પોન્સરશિપ વેચી છે. આ અગાઉની કોઇ પણ ઓલિમ્પિકની સરખામણીમાં બે ગણી રકમ છે. હવે તે બ્રાન્ડ પોતાની રીતે નાણાનો હિસાબ માંગશે. તેઓ તેમના નાણાંના બદલામાં શું મળશે તે માગી રહ્યા છે. રિફંડ, નવી ડીલ કે પછી નવો કોન્ટ્રાક્ટ ? ટોક્યોમાં ૩૩ ગેમ્સ માટે ૪૨ વેન્યૂ બનાવવાની યોજના તૈયાર કરાઇ હતી. પેરાલિમ્પિક્સ માટે એક વધારાના કેન્દ્રનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષે કેટલા વેન્યૂ વેચાઇ જશે અથવા કેટલા ઉપલબ્ધ રહેશે તેનો કોઇ અટકળ કરી શકાય તેમ નથી.

૫૬૩૨ એપાર્ટમેન્ટ્સ વેચાવાના છે

એથ્લેટ્સ વિલેજ પણ મોટા માથાના દુખાવા સમાન બની જશે કારણ કે તેમાં ૧૧ હજાર ઓલિમ્પિયન્સ તથા સ્ટાફ માટે મકાનો બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પેરાલિમ્પિયન્સ માટે પણ ૪૪૦૦ મકાન હતા. ટોક્યો બે (મ્છરૂ)ના કિનારે આવેલા ધનાઢય વિસ્તારમાં ૫૬૩૨ એપાર્ટમેન્ટ્સ ઓલિમ્પિક બાદ વેચી નાખવાના હતા. અહેવાલના અનુસાર લગભગ ૨૫ ટકા જેટલા મકાનો તો વેચાઇ પણ ચૂક્યા છે. કેટલાકની કિંમત તો એક મિલિયન ડોલર જેટલી છે.

ઓડિટ રિપોર્ટમાં આયોજનનો ખર્ચ વધારે  

આયોજકોએ ઓલિમ્પિકના આયોજન માટે ૧૨.૬ બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. જોકે ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારના એક ઓડિટ રિપોર્ટમાં આ રકમ લગભગ ૨૮ મિલિયન ડોલરની બતાવવામાં આવી છે. ઓલિમ્પિકના આયોજન પાછળના ખર્ચની રકમ હંમેશાં ચર્ચાનું કેન્દ્ર રહી છે. આયોજકોને ૭૮ લાખ ટિકિટોના વેચાણ દ્વારા લગભગ એક બિલિયન ડોલરની આવક થવાની આશા હતી. જોકે ટિકિટોમાં એક શરત એવી છે જેના કારણે આયોજકો રિફંડ આપવાથી બચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;