ઓલિમ્પિકમાં વિલ્માએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા - Sandesh
  • Home
  • Kids Corner
  • ઓલિમ્પિકમાં વિલ્માએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા

ઓલિમ્પિકમાં વિલ્માએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા

 | 12:03 am IST

મહાનુભાવ : રિદ્ધિ મહેશ્વરી

પોલીયો રોગ પોતાની નિર્દયતા દેખાડીને બાળકનું બાળપણ તો છીનવી જ લે છે, સાથે સાથે બાકીની જિંદગી પણ માનવીને લાચારીની અવસ્થામાં મૂકી દેતો હોય છે. પોલીયોગ્રસ્ત બાળક બાળપણથી જ લોકોની નજરમાં દયાના ભાવ સાથે મોટું થતાં થતાં પોતાની સામાન્ય જિંદગી ગુમાવી બેસે છે. ઉપરાંત, એ માનસિકતા પણ તેના માનસ પર ઘર કરી જાય કે હવે આપણે કાયમ આ પંગુતા સાથે જ જીવવું પડશે.

દુનિયામાં પહેલો શ્વાસ લેતાં જ જેના લલાટે પોલીયો લખેલ હોય તેવાં અનેક બાળકોમાંની વિલ્મા રુડોલ્ફ પણ એક હતી. જેણે પોતાના બાલ્યાવસ્થાના પાંચ વર્ષ તો પથારીમાં જ કાઢયા અને પાંચ વર્ષ પછી અગિયારમાં વર્ષ સુધી તે પગમાં બ્રેસ (પોલીયોમાં વાળા પગમાં પહેરવામાં આવતા સ્ટીલના સળિયા વાળા બૂટ) પહેરીને બાળપણને વેંઢારતી રહી. અનેક નકારાત્મક્તાથી ભરાયેલી જિંદગી સામે જીવનનું ખૂબ જ સબળ અને સકારાત્મક પાસું એ હતું કે તેની પાસે ખૂબ જ પ્રેમાળ પરિવાર હતો. જેમાં (પિતાના બે લગ્નથી થયેલાં) કુલ ૨૨ ભાઈ-બહેનોનો કાફલો હતો. બધાં ભાઈ-બહેનો વારાફરતી વિલ્માને પોલીયોવાળા પગ પર મસાજ કર્યા કરતાં. વિલ્માની મા ગૃહિણી હતી, તેની માતા તેને દર અઠવાડિયે શહેરથી ૪૫ માઈલ દૂરની નેશવિલે હોસ્પિટલમાં થેરાપી માટે લઈ જતી.

પરિવારજનોની મહેનત, સેવા, થેરાપી અને વિલ્માની પોતાની આત્મશ્રદ્ધા, આ બધાનાં પરિણામે અગિયારમા વર્ષે વિલ્માએ પોતાના પગમાંથી બ્રેસ કાઢી અને લોકોના આશ્ચર્ય વચ્ચે બંને પગથી બેન્ચીસની વચ્ચેના પેસેજમાં સ્વબળે જ ચાલી.

બસ, ઈશ્વરના દરબારમાં જ થયેલો આ ચમત્કાર વિલ્માને ન તો ફ્ક્ત સામાન્ય સ્થિતિ તરફ લઈ ગયો, પણ વિલ્માને તો તેના બાસ્કેટબોલના મેદાન સુધી દોરી ગયો.

આમ પણ વિલ્મા પહેલેથી બાસ્કેટબોલ તરફ આકર્ષાયેલી હતી, અને હવે તેની ઈચ્છાઓને મોકળું મેદાન મળ્યું. અનેક પ્રકારની પ્રેક્ટિસ, ફિટનેસ અને ટ્રેઈનિંગ પ્રોગ્રામ, કસરતોના પ્રતાપે વિલ્મા બાસ્કેટબોલ રમતી થઈ. આ એક ચમત્કારિક આશ્ચર્ય હતું. અને એક વાર બાસ્કેટબોલના મેદાનમાં ઉતર્યા પછી વિલ્માએ બાસ્કેટબોલની એક એક ક્ષણને ખૂબ માણી.

હાઈસ્કૂલની જ મેચમાં વિલ્માએ એક જ ગેઈમમાં ૪૯ પોઈન્ટ્સ મેળવ્યા, જે સ્ટેટનો રેકોર્ડ બન્યો. તેની રમતવીરની પ્રતિભાએ ટેનેસી સ્ટેટ ટ્રેક કોચ એડ ટેમ્પલનું ધ્યાન આકર્ષિત કર્યું. તેણે વિલ્માને તાબડતોબ પોતાના કોલેજમાં થઈ રહેલ બાસ્કેટબોલ પ્રશિક્ષણ કેમ્પમાં બોલાવી લીધી. પોતાના તરફથી નિશુલ્ક પ્રશિક્ષણ આપવા ઉપરાંત એડ ટેમ્પલ તેને પોતાની જ કારમાં લઈ જતો. એડ ટેમ્પલે સ્વખર્ચે એક ઉબડખાબડ જમીનને સમથળ બનાવી, જેની પાછળનો તેનો ઉદ્દેશ એ જ હતો કે નાનાં બાળકો-જેનામાં રમતગમત વિશે વિશેષ લગાવ છે, તેમના માટે તે પોતાની રીતે મદદરૂપ બની શકે.

એડ ટેમ્પલની આ મહેનત રંગ લાવી, ૧૯૫૪ની રોમ ઓલિમ્પિકમાં વિલ્મા વિશ્વની પ્રથમ ખેલાડી બની, જેણે એક જ ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હોય. અને એક અમેરિકન તરીકે પણ તે સૌથી આગળ હતી. અનેક ટ્રેક રમતોમાં વિલ્માએ પોતાનું આગવું કૌવત દેખાડયું.

જ્યારે વિલ્માએ પોતાની આત્મકથા લખી-‘વિલ્મા’- ત્યારે NBC એ આ આત્મકથાના આધારે વિલ્માના જ જીવન પર ફિલ્મ બનાવી.

કમનસીબે વિલ્માનું મૃત્યુ વહેલું થયું. જીવનભર લડાયક જુસ્સો જાળવનારી વિલ્મા બ્રેઈને કેન્સર સામેના જંગમાં હારીને ૧૯૬૦માં વિદાય લીધી ત્યારે તેની ઉંમર ફક્ત ૫૪ વર્ષની હતી. વિલ્માએ યુવા રમતવીરોને સુંદર સંદેશ આપ્યો છે- ‘તમારી જાતને ઓળખો, જાત પરનો આત્મવિશ્વાસ ન છોડો, આકરી સ્પર્ધા અને કઠોર પરિશ્રમ વગર સિદ્ધિ પ્રાપ્ત કરવી શક્ય નથી.’

[email protected]