On an average, one person dies of AIDS every two-three days here in Charotar
  • Home
  • Kheda – Anand
  • રાજ્યમાં અહીં સરેરાશ દર બે-ત્રણ દિવસે એક એઇડસગ્રસ્તનું મૃત્યુ

રાજ્યમાં અહીં સરેરાશ દર બે-ત્રણ દિવસે એક એઇડસગ્રસ્તનું મૃત્યુ

 | 5:49 pm IST
  • Share

  • આજે પહેલી ડિસેમ્બર એટલે એઇડસ દિન
  • ચરોતરમાં સરેરાશ દર બે-ત્રણ દિવસે એક એઇડસગ્રસ્તનું મૃત્યુ
  • લોકડાઉન દરમિયાન ચેપગ્રસ્તોને ઘરે દવા પહોંચડવામાં આવી

આજે પહેલી ડિસેમ્બર એટલે એઇડસ દિન. ચરોતરમાં દર વર્ષે સરેરાશ 300 થી 350 ઉપરાંત એઇડસની બિમારીમાં સપડાયાના કેસો નોંધાય છે. એઇડસનો કોઇ ઇલાજ નથી પણ યોગ્ય સારવાર, સંભાળ અને નિયમિત દવા લેવાથી સારી રીતે જીંદગી જીવી શકાય છે.એઇડસગ્રસ્તો નિયમિત દવા નહીં લેવા તેમજ વ્યસનમુક્ત નહીં રહેવાના કારણે મૃત્યુને વહેલું આમંત્રિત કરે છે. ચરોતરમાં સરેરાશ દર બે -ત્રણ દિવસે એક એઇડસગ્રસ્તનું મૃત્યુ થાય છે. ચરોતરમાં છેલ્લા 10 વર્ષમાં 1733 એઇડસગ્રસ્તોના મૃત્યુ થયા છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ખેડા અને આણંદ જિલ્લા વચ્ચે માત્ર નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તા. 25 નવેમ્બર 2011 રોજ એઇડસ સારવાર કેન્દ્ર કાર્યરત થયું હતું. આ કેન્દ્રમાં દર વર્ષે સરેરાશ 300 થી 350 ઉપરાંત એચઆઇવી ચેપના કેસ નોંધાય છે. છેલ્લા 10 વર્ષમાં 3690 જેટલા કેસ નોંધાયા છે. એઇડસગ્રસ્ત દર્દીઓને સરકાર દ્વારા વિનામૂલ્ય દવાઓ તથા સારવાર સ્થળે આવવા -જવાનું ભાડુ પણ આપવામાં આવે છે. આ લોકોને માસિક અંદાજે રૂ. 4 હજાર ઉપરાંતની દવા મફત આપવામાં આવે છે. તેમજ તેમના જરૂરી ટેસ્ટ પણ કરાવવામાં આવે છે. તેમજ એઇડસગ્રસ્તોની સંપૂર્ણ ગોપનીયતા જાળવવામાં આવે છે. એઇડસની બિમારીનો કોઇ ઇલાજ નથી .પરંતુ નિયમિત દવાઓ અને વ્યસનમુકત રહો તો વર્ષો સુધી સારી રીતે જીંદગી જીવી શકે છે. આ કેન્દ્રમાં 3690 લોકો સારવાર લઇ રહ્યા હતા. જયારે તા. 21 ફેબ્રુઆરી 2021 થી આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં એઇડસ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવેલ હોવાથી અત્રેના 745 કેસ સારવાર માટે આણંદમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમજ અત્યારે નડિયાદ એઇડસ સારવાર કેન્દ્રમાં હાલ 2945 એઇડસગ્રસ્તો સારવાર લઇ રહ્યા છે. જેમાં 1196 મહિલા, 1616 પુરૂષ અને 133 બાળકો ( 5 માસ થી 14 વર્ષ સુધી )નો સમાવેશ થાય છે. બૃહદ ખેડા જિલ્લામાં નિયમિત સારવાર ,દવા નહીં લેવા અને વ્યસનમુકત નહીં રહેવા તેમજ બેદરકારીના કારણે છેલ્લા 10 વર્ષમાં 1733 એઇડસગ્રસ્તોના મૃત્યુ થયા છે. આ આંકડો જોતાં સરેરાશ દર બે ત્રણ દિવસે એક એઇડસગ્રસતનું મૃત્યુ થાય છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

લોકડાઉન દરમિયાન ચેપગ્રસ્તોને ઘરે દવા પહોંચડવામાં આવી હતી

એઇડસગ્રસ્તોની દવાના કારણે રોગપ્રતિકાર શકિત ઘટી ન જાય તે માટે કેન્દ્ર દ્વારા ચેપગ્રસ્તોને તેમની ગોપનીયતાની જાળવવા સાથે તેમના ઘરે દવા પહોંચાડવામાં આવતી હતી. રેગ્યુલર સારવાર અને દવા નહીં લેવાના કારણે ટી.બી નો ચેપ લાગવાનું જોખમ ૬ ઘણુ વધી જાય છે. જેથી ચેપગ્રસ્તોને દવા મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ચેપગ્રસ્તોને એક મહિનાની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

એઇડસ દિન નિમિતે રેગ્યુલર સારવાર અને દવા લેનારનું સન્માન કરાશે

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તા. 1 ડિસેમ્બરનારોજ કેન્દ્ર અને એન.જી.ઓ દ્વારા દ્વારા એઇડસ જનજાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નિયમિત સારવાર અને દવા લેનાર ચેપગ્રસ્તોનું સન્માન કરવામાં આવનાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો