On hardik fast BJP Leader Kunvarji bavaliya come in his supports
  • Home
  • Ahmedabad
  • હાર્દિકના સમર્થનમાં આગળ આવ્યા ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા

હાર્દિકના સમર્થનમાં આગળ આવ્યા ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા

 | 1:33 pm IST

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇ ફરી અનામત આંદોલન સક્રિય બની રહ્યું છે. આજે રવિવાર અને તહેવાર વચ્ચે પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વિવિધ ઉપવાસો અને પાસ કાર્યકર્તાઓની અટકાયત થઇ છે. જ્યાં ઘણાં સ્થાનો પર રામધૂન બોલાવી હતી. તો બીજી તરફ લોકો તેના માટે પ્રતિક ઉપવાસ પર બેસી રહ્યા છે.

મહેસાણામાં શહેરના ટહુકો પાર્ટી પ્લોટ નજીક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ આપતા પોલીસે મહેસાણાના પાસ કન્વીનર સુરેશ ઠાકરે, સતીશ પટેલ અને નરેન્દ્ર પટેલની અટકાયત કરી હતી. આ ઉપરાંત અન્ય પાટીદારો મળીને કુલ 14ની અટકાયત કરી હતી. તેમજ લોકોને આગળ વધતાં અટકાવવામાં આવ્યા છે. જેના કારણે ઠેરઠેર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

હાલમાં જ કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ હાર્દિક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અને તેમને કહ્યુંકે, આ મુદ્દો સંવેદનશીલ છે અને તેની માગનું નિરાકરણ કરવું જોઇએ. તેમજ તેમને આ મુદ્દે નિરાકરણ લાવવાની પણ વાત કરી છે.

છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિકના માટે સરકાર તરફથી કોઇ કાર્યવાહી નહીં થતાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પાટીદારો ફરી મેદાનમાં આવી ગયા છે અને હાર્દિકના સમર્થનમાં ગામેગામ પ્રતિક ઉપવાસ અને ધૂન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શનિવારે પાટીદારોના ઉપવાસના મેસેજ વાયરલ થતાં વિસનગર મામલતદાર કચેરીમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા. તો મહેસાણાના પરામાં રાત્રે રામધૂન યોજાઇ હતી.

આ ઉપરાંત ઊંઝાના ટુંડાવ ગામે પોલીસે ઉપવાસ સ્થળ સામે વાંધો લેતાં પાટીદારોએ મંદિરમાં બેસીને શિવધૂન કરી હાર્દિકને સમર્થન આપ્યું હતું. તો વિસનગરના વાલમ, દેણપ તેમજ વિજાપુરના રામપુરા કોટ, મોતીપુરા સહિતના ગામોએ પ્રતીક ઉપવાસ અને ધૂનના કાર્યક્રમ યોજી સરકાર સામે શાંત મોરચો ખોલી દીધો છે. જેને લઇ સરકાર અને પોલીસની ચિંતા વધી ગઇ છે અને આઇબીને વધુ સક્રિય થવા આદેશ કરાયા છે.

બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામથી માં ઉમિયાના રથ સાથે 3 હજાર પાટીદારો અને ખેડૂતો અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે તલોદ રોડ પર અટકાવી દેવામાં આવ્યા હતા. જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકીને અમદાવાદ જઈ રહેલા પાટીદારોને રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે પદયાત્રીઓને મંજૂરી મેળવીને જવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો હતો. જેના વિરોધમાં માતાજીનો રથ લઈને નીકળેલા પાટીદારો અને ખેડૂતો જેમાં મહિલાઓ પણ સામે છે તેઓ રોડ પર બેસી ગયા હતા. જેને પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી.