નોટબંધી પછી કાળા નાણાં પર મળ્યો રૂ. ૬,૦૦૦ કરોડનો વેરો

284

નવી દિલ્હી,તા.૧૮

નોટબંધી પછી સામે આવેલી જાહેર ના કરેલી આવકો પર અત્યારસુધીમાં રૂપિયા ૬૦૦૦ કરોડનો વેરો વસુલવામાં આવ્યો છે. કાળા નાણાને મુદ્દે રચાયેલા વિશેષ દળ (સીટ)ના ઉપાધ્યક્ષ જસ્ટિસ  અરિજિત પસાયતે આ જાણકારી આપતાં કહ્યું હતું કે સરકારી ખજાનાને થઇ રહેલી આવક હજીપણ વધી શકે છે.

કાળાનાણા પર અંકુશ લાવવાના હેતુસર રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ ચલણમાંથી બંધ કર્યા પછી આવકવેરા અધિકારીઓએ પોતાના અને બીજાઓના ખાતામાં મોટી રકમ જમા કરાવનારાઓ પાસેથી જવાબો માંગ્યા હતા. તે પૈકી અનેક લોકો  બિનહિસાબી આવકો પર દંડ સ્વરૂપે ૬૦ ટકા ટેક્સ ચુકવવા તૈયાર થઇ ગયા . આગળ જતાં તે રકમ પણ ૭૫ ટકા કરવામાં આવી.

સરકારી અધિકારીઓ સામે કડક પગલાં

એસ.આઇ.ટી. ઉપાધ્યક્ષ પસાયતે કહ્યું હતું કે ટેક્સ અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે મોટી રકમ બેન્ક ખાતામાં જમા કરાવનારા સરકારી કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. તેમના દ્વારા જમા કરાવવામાં આવેલી બિનહિસાબી રકમ ભ્રષ્ટાચાર વિરોધક કાયદા હેઠળ જપ્ત કરવામાં આવે.

વન અધિકારીના  ૨.૫ કરોડ જપ્ત

જસ્ટિસ પસાયતે કહ્યું હતું કે ઓરિસામાં એક વન અધિકારીએ (ડીએફઓ) રૂપિયા ૨.૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જાહેર છે કે તેઓ આવક સ્ત્રોત જાહેર કરવાની સ્થિતીમાં નહોતા તેવામાં તેમના પુરા નાણા જપ્ત કરવામાં આવ્યા હતા.

પનામા પેપર્સમાં નોટિસો

મોસૈક ફૌસેક કંપનીની મદદથી વિદેશોમાં શેલ કંપની સ્થાપવાના આરોપમાં ઘેરાયેલા ૫૦૦ ભારતીયો અને એનઆરઆઇ સાથે સંકળાયેલા  પનામા પેપર્સ કેસમાં પસાયતે કહ્યું કે તમામને નોટિસ આપવામાં આવી છે. પરંતુ ૨૦૦ એ હજી જવાબ નથી આપ્યો. ૪૫ લોકો સામે કેસ શરૂ થયો છે.