સતત સાતમા દિવસે  વિપક્ષની ઉગ્ર ધાંધલથી લોકસભા ઠપ - Sandesh
NIFTY 10,991.70 -16.35  |  SENSEX 36,428.95 +-91.01  |  USD 68.5600 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સતત સાતમા દિવસે  વિપક્ષની ઉગ્ર ધાંધલથી લોકસભા ઠપ

સતત સાતમા દિવસે  વિપક્ષની ઉગ્ર ધાંધલથી લોકસભા ઠપ

 | 3:39 am IST

નવી દિલ્હી, તા.૧૩

પાંચમી માર્ચથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં અત્યાર સુધી કોઇ કામકાજ થયાં નથી. કેન્દ્ર સરકાર સંસદમાં એકપણ ખરડો રજૂ કરાવી શકી નથી. એઆઇએડીએમકે ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ, ટીઆરએસ અને ટીએમસી અને કોંગ્રેસના સાંસદોએ મંગળવારે પણ લોકસભામાં વેલમાં ધસી જઇને સતત હંગામો કરતાં સતત સાતમા દિવસે ગૃહની કાર્યવાહી ચાલી શકી નહોતી અને પહેલાં ૧૨ વાગ્યા સુધી તથા પછી આખા દિવસની કાર્યવાહી સ્થગિત કરી દેવાઇ હતી.

મંગળવારે લોકસભામાં સાંજે પાંચ કલાકે ફાઇનાન્સ બિલ પર ચર્ચા હાથ ધરાવાની હોવા છતાં ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દેવાતાં ફાઇનાન્સ બિલ પરની ચર્ચા થઇ શકી નહોતી. લોકસભામાં કાર્યવાહીની શરૂઆત સાથે જ પ્રશ્ન કલાકમાં વિવિધ વિપક્ષના સભ્યો પ્લે કાર્ડ સાથે વેલમાં ધસી આવ્યા હતા અને વી વોન્ટ જસ્ટિસની નારાબાજી કરી હતી. કોંગ્રેસના સાંસદોએ નીરવ મોદીને દેશમાં પરત લાવવાની માગ સાથે છોટા મોદી કહાં ગયાના સૂત્રો પોકાર્યા હતા.

ભાજપે ૧૩,૧૪ અને ૧૫ માર્ચે ગૃહમાં હાજર રહેવા તેના તમામ સાંસદોને વ્હિપ જારી કર્યો હતો.

કોંગ્રેસની લોકશાહીમાં વિશ્વાસ નથી : સરકાર

સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસ અને અન્ય વિપક્ષને ગૃહની કાર્યવાહી સારી રીતે ચાલવા દેવા અપીલ કરી છે પરંતુ સોનિયા અને રાહુલ ગાંધીને લોકશાહીમાં વિશ્વાસ નથી. તેઓ સંસદની બહાર તો લોકશાહી અંગે ઘણી વાતો કરે છે પરંતુ સંસદમાં તેનો અમલ કરતા નથી. કોંગ્રેસના લોહીમાં જ લોકશાહી નથી.

સરકાર લોકશાહી નાબૂદ કરવા માગે છે : કોંગ્રેસ

કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, સરકાર કોઇ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર જ નથી. સરકાર લોકશાહી નાબૂદ કરવા માટે થાય તે બધું કરી રહી છે. સરકાર બીજાને પાઠ ભણાવે છે કે કોંગ્રેસ ચર્ચા કરવા તૈયાર નથી પરંતુ સરકાર જ નથી ઇચ્છતી કે કોઇ મુદ્દા પર ચર્ચા થાય.

;