જાપાન ઓપનમાં સિંધુની નજર જીત પર, સાઇના, પ્રણિથે નામ પરત લીધું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • જાપાન ઓપનમાં સિંધુની નજર જીત પર, સાઇના, પ્રણિથે નામ પરત લીધું

જાપાન ઓપનમાં સિંધુની નજર જીત પર, સાઇના, પ્રણિથે નામ પરત લીધું

 | 11:24 am IST

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ભારતીય બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુ આજથી શરૃ થઈ રહેલી જાપાન ઓપનની ફાઇનલમાં હારવાના પોતાના સિલસિલાને તોડવાના ઇરાદે ઊતરશે. સિંધુએ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. જોકે, ભારતની અન્ય એક ખેલાડી સાઇના નેહવાલ અને બી. સાંઈ પ્રણિથે નામ પરત ખેંચી લીધું છે.

પીવી સિંધુ ઘણા સમયથી ફાઇનલમાં વિજય મેળવી શકી નથી. તે પોતાના અભિયાનની શરૃઆત જાપાનના સયાકા તાકાહાશી સામે કરશે. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો સ્પેનની કેરોલિના મારીન અથવા જાપાનની અકાને યામાગુચી સામે થઈ શકે છે. ભારતની અન્ય એક મહિલા ખેલાડી વૈષ્ણવી રેડ્ડી જક્કા ચીનની ગાઓ ફેંગજી સામે પ્રથમ રાઉન્ડમાં ટકરાશે.

પુરુષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં ચીનના હુઆંગ યૂશિયાંગ સામે ટકરાશે જ્યારે એચ. એસ. પ્રણોય ઇન્ડોનેશિયાના જાનાથન ક્રિસ્ટી સામે ટકરાશે જેણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સમીર વર્માનો સામનો કોરિયાના લી ડોંગ કિયુન સામે થશે.

પુરુષ ડબલ્સમાં સાત્વિકસાંઇરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો જાપાનના તાકેશી કામુરા અને કેઇગો સોનોડા સામે થશે. મનુ અત્રી અને બી સુમીત રેડ્ડીની ટક્કર મલેશિયાના ગોહ વી શેમ અને તાન વી કિયોંગ સામે થશે. મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીનો સામનો ચાંગ યિ ના એને જું ક્યૂંગ યુન સામે થશે. મિક્સ ડબલ્સમાં પણ જેરી ચોપડા અને એન. સિક્કી રેડ્ડીનો સામનો ઇન્ડોનેશિયાના તોંતોવી અહેમદ અને લિલિયાના નાત્સર સામે થશે.