One click to learn the easy way to control weight
  • Home
  • Featured
  • વજન નિયંત્રણના સરળ ઉપાય, જાણવા માટે કરો એક ક્લિક

વજન નિયંત્રણના સરળ ઉપાય, જાણવા માટે કરો એક ક્લિક

 | 10:56 am IST

વેઇટ મેનેજમેન્ટ । વનિતા

આજના વ્યસ્ત પરંતુ અગવડોથી ભરપૂર જીવનમાં શરીરનું વજન અને આકાર જાળવવાનું કામ મુશ્કેલ બન્યું છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું શરીર સપ્રમાણ અને આકર્ષક હોય. દરેકનું શરીર અલગ પ્રકારનું હોય  છે. જે એકને અનુકૂળ આવે તે બીજાને અનુકૂળ ના આવે એવું બને. વજન જાળવવા કે ઉતારવા માટે સમજપૂર્વકના પ્રયત્નો કરવા જરૂરી છે.

સામાજિક માન્યતાઓ પ્રમાણે જો ચાલીએ તો આજે એકવડા શરીરની બોલબાલા છે. પરંતુ એવું શરીર બનાવવા જતા ક્યારેક આપણે નબળા બની જઈએ છીએ. વજન ઉતારવાનો કાર્યક્રમ ક્યારેક હાનિકારક નીવડી શકે છે. વજનને સપ્રમાણ રાખવા માટે નીચે દર્શાવેલા મુદ્દા ધ્યાનમાં રાખો.

જમવાનું ટાળશો નહીં

વજન ઉતારવા માટે ભોજન ટાળવાની જરૂર નથી. ભોજન ટાળવાથી ઊલટી હાનિકારક અસરો પડે છે. ભૂખ્યા રહેવાથી મેટાબોલિઝમ ધીમું પડે છે અને શરીર ચરબીનો સંગ્રહ કરવા પ્રેરાય છે. દિવસ દરમિયાન નાની માત્રામાં વિવિધ પ્રકારના સ્વાસ્થ્યપ્રદ ખાદ્યો ખાઓ. તેમાં તાજા ફળ અને શાકભાજીનો સમાવેશ કરો.

ગરમીની ઋતુમાં તડબૂચ ખાઓ. તે શરીરમાંના ટોક્સિન્સને બહાર કાઢવામાં ઉપયોગી છે.

દરેક પ્રકારનો આહાર લો

ક્યારેય કોઈ ખાદ્યની સંપૂર્ણ બાદબાકી ના કરશો. તેનાથી શરીરને નુકસાન હોય છે. દરેક પ્રકારના ખોરાકની ટેવ હોવી જરૂરી છે. જેથી શરીરને તમામ પ્રકારના પોષક-તત્ત્વો મળી રહે. જે ખાદ્યની ટેવ ના હોય તે જો ખાવામાં આવે તો શરીર તેને સારી રીતે પચાવી શકતું નથી. પરિણામે વજન વધે છે અને શરીરને પૂરતું પોષણ ન મળવાથી પોષક-તત્ત્વોની ઊણપ ઊભી થાય છે.

કસરતની નિયમિતતા

આપણે રોજ નિયમિત રીતે કસરત કરવી જોઈએ. કસરતનો પ્રકાર અને તીવ્રતા વ્યક્તિની ક્ષમતા પર આધાર રાખે છે. કસરત કરવાથી રક્ત-શર્કરા જાળવવામાં મદદ મળે છે. કસરતને કારણે થતો પરસેવો હાનિકારક ટોક્સિન્સને કાઢી નાખે છે. જેથી શરીર શુદ્ધ બને છે.

પાણીનું સેવન

પૂરતા પાણીનું સેવન ટોક્સિન્સના નિકાલમાં મદદ કરે છે. પાણીનું સેવન વજન-નિયંત્રણમાં પણ ઉપયોગી છે. તે ત્વચા અને વાળની ગુણવત્તા પણ સુધારે છે.

ટીવી કે લેપટોપનો મર્યાદિત ઉપયોગ

ટીવી કે લેપટોપ વાપરવાની સાથે  ભોજન કરવાનું ટાળો. અન્યત્ર ધ્યાન કેન્દ્રિત હોવાને કારણે ખોરાક પર નિયંત્રણ રહેતું નથી. તેનાથી બીન્જ-ઇટિંગ જેવી ફુટેવ પડી શકે છે. જે તમારા વજન-નિયંત્રણના કાર્યક્રમને હાનિ પહોંચાડે છે. ભોજન ખાધા બાદ જ ટીવી જુઓ અથવા અન્ય કોઈ કામ કરો.

પૂરતી ઊંઘ લો

આપણે આઠ કલાકની ગાઢ નિદ્રા લેવી જરૂરી છે. શરીરને પૂરતો આરામ મળે તો શરીરના કાર્યો સારી રીતે થાય છે. અભ્યાસોમાંથી જાણવા મળ્યું છે કે ઓછી ઊંઘ લેનારા લોકોમાં સ્થુળતાનું જોખમ વધારે હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન