એક રંગમાં કેટલા રંગ હોય? - Sandesh
  • Home
  • Kids Corner
  • એક રંગમાં કેટલા રંગ હોય?

એક રંગમાં કેટલા રંગ હોય?

 | 12:14 am IST

ચાલો, જાતે કરી જોઈએ… :- માલિની મૌર્ય

પ્રયોગમાં શું શું જોઇશે?

એક કાચનો અથવા પ્લાસ્ટિકનો આરપાર દેખાય તેવો ગ્લાસ, પાણી, શાહી ચૂસી લે તેવો કાર્ટરિજ પેપર અથવા કાર્ડ પેપર, પીળા અને સ્કાય બ્લ્યૂ સિવાય કોઈપણ રંગની સ્કેચપેન અથવા માર્કર, કાતર.

પ્રયોગમાં શું કરશો?

સૌથી પહેલા ઘરના કોઈ વડીલની મદદ લઈને કાર્ટરિજ કાગળ અથવા કાર્ડ કાગળને ગ્લાસના મોઢાના માપથી થોડી મોટા સાઇઝમાં એટલે કે ૧૦ સે.મી.ના વ્યાસમાં ગોળાકાર કાપો.

હવે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોળાકારમાં કાપેલા કાગળમાં મધ્યથી કિનારી સુધી ૧ સે.મી. પહોળાઈની પટ્ટી કાપો. એ પટ્ટીને મધ્યભાગથી નીચેની તરફ વાળી લો.પટ્ટીના છેડા ઉપરથી બે સે.મી. જેટલે દૂર ઉપરની બાજુ આકૃતિમાં બતાવ્યું છે એ રીતે સ્કેચપેન કે માર્કરથી એક ટપકું કરો.

હવે પટ્ટીનો વાળેલો છેડો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગ્લાસની અંદર રહે તે રીતે કાર્ડ ગ્લાસ પર મૂકો.પટ્ટીનો છેડો કેટલે ઊંડે આવે છે એ તપાસી અંદાજે માર્કર કે સ્કેચ પેનથી ગ્લાસ પર લીટી દોરો.

ગોળાકાર કાર્ડ ઉપાડી લો અને ગ્લાસમાં પાણી ભરો. પાણી એટલું જ ભરવું કે તમે કરેલી લીટીથી એક સેન્ટીમીટર ઉપર સુધી પહોંચે.

હવે ફરીથી ગોળાકાર કાર્ડને ગ્લાસ પર ઢાંકી દો. એમ કરવાથી કાર્ડની પટ્ટીનો છેડો એકાદ સેન્ટીમીટર પાણીમાં ડૂબી જશે.

ખાસ ધ્યાન રાખવું કે પાણી પટ્ટી ઉપર કરેલા માર્કર કે સ્કેચ પેનના ટપકાંને અડી ન જાય. જો અડી જાય તો નવું કાર્ડ લઈ ફરીથી ગોળાકાર કાપી એમાં નવેસરથી પટ્ટી કાપો અને એમાં નવેસરથી સ્કેચ પેન કે માર્કરનું ટપકું કરો.

ગ્લાસમાંથી પાણી ઓછું કરી લો અને કાર્ડ ફરીથી ગ્લાસ ઉપર ઢાંકી દો.બસ! હવે તેની નજીક બેસીને ધીરજપૂર્વક શું થાય છે એનું નીરીક્ષણ કરો.

તમે જોશો કે કાર્ડ પેપરમાં ધીરેધીરે પાણી શોષાતું જશે. શોષાયેલું પાણી પટ્ટીના ઉપરના ભાગને ભીનું કરતું જશે. એમ કરતાં એ સ્કેચ પેન કે માર્કરથી કરેલા ટપકાંને સ્પર્શ કરશે. ટપકું ભીનું થતાં જ એમાંથી રંગ પ્રસરવા લાગશે. પરંતુ પ્રસરી રહેલ રંગ એ નહીં હોય જે રંગનું તમે ટપકું કર્યું છે. માનો કે તમે લાલ રંગનું ટપકું કર્યું હોય તો એમાંથી પીળો રંગ પ્રસરવા લાગશે. પછીથી ગુલાબી રંગ પ્રસરશે.

આમ થવાનું કારણ?

સ્કેચપેન કે માર્કરની શાહીમાં જે રંગ બનાવવામાં આવે છે એ એક-બે કે ત્રણ રંગ મિક્સ કરીને બનાવવામાં આવે છે. એને કલરના પિગ્મેન્ટ (રંગકણ) કહે છે. કાર્ડ કાગળ પાણીના સંપર્કમાં આવતાં પાણી ધીરેધીરે શોષાઈને ટપકાંના પણ સંપર્કમાં આવે છે. પાણીનો સંપર્ક થતાં ટપકાની શાહી ઓગળે છે.

દરેક રંગના કણ જુદાજુદી ઘનતા ધરાવે છે. એટલે ટપકું ભીનું થવા લાગે તો ઓછી કડકાઈ ધરાવતા રંગના કણ વહેલા ઓગળે છે. ત્યારપછી બીજા રંગના અને ત્યારપછી ત્રીજા રંગના કણ ઓગળે છે.

ટપકાંમાં જેટલા રંગકણ મિક્સ કર્યા હોય તે પોતપોતાની ઘનતા પ્રમાણે એક પછી એક ઓગળતા જાય છે અને ચારેબાજુ ફેલાતા જાય છે. એથી વર્તુળ આકારનો આછો ડાઘ બને છે. એક પછ એક રંગનું વર્તુળ બનતું જાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન