એક ઇશારા હી કાફી હૈ, ગોદામ મેં આગ લગાને કે લિયે!   - Sandesh
  • Home
  • Columnist
  • એક ઇશારા હી કાફી હૈ, ગોદામ મેં આગ લગાને કે લિયે!  

એક ઇશારા હી કાફી હૈ, ગોદામ મેં આગ લગાને કે લિયે!  

 | 3:05 am IST

રિવરફ્રન્ટની પાળેથી :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

‘પ્રબોધ ચિંતામણિ’ નામના ગ્રંથમાં એક કહેવત છે : ‘વાંદરા ને વીંછી કરડયો!'(જોકે આવી સ્થિતિની માત્ર કલ્પના જ પાગલ કરી મૂકવા માટે પૂરતી છે!) કેટલાક કાંડ એટલા નસીબદાર હોય છે કે એના બચાવમાં એવાંય પ્રાણીઓ આવી જતાં હોય છે, જેમને સત્તાનો વીંછી કરડી ગયો હોય! સત્તામાં એવી તાકાત હોય છે કે એ ભલભલા કાંડને પેદા પણ કરી શકે છે અને ભલભલા કાંડનો નાશ પણ કરી શકે છે. મોટાભાગના સત્તાધિકારીઓ પોતાની આળસ અને અણઆવડતને કારણે કદાચ એવા નહીં હોય પણ અમુક સત્તાધિકારીઓ તો સાહેબ પોતાના અંગત ગણિતશાસ્ત્રના એવા નિષ્ણાત સટ્ટાધિકારીઓ બની ગયા હોય છે કે એમને આવા નાના-મોટા કાંડમાંથી નિર્દોષ છુટકારો મળશે કે નહીં મળે એ બાબતે પણ સટ્ટો રમવાનું ચૂકતા નથી.

આગ લાગવી એ પંચમહાભૂત તત્ત્વોમાંનાં એક અંગભૂત તત્ત્વનો અનિવાર્ય ગુણ છે. એ આપણે વૈજ્ઞા।નિક રીતે પણ સ્વીકારી લેવું જોઈએ. કોઈપણ વસ્તુ ઘન પદાર્થમાં હોય તો એને છેવટે અગ્નિસ્નાન તો કરવું જ પડે છે. આવા કેટલાક પદાર્થોની એ મોટામાં મોટી ખૂબી હોય છે કે એણે અગ્નિસ્નાન સ્વહસ્તે કર્યું, પરહસ્તે થયું કે સ્વયંભૂ થયું એનું રહસ્ય ત્યાં સુધી છૂપું રહી શકતું નથી જ્યાં સુધી એને છુપાવવા ચોસઠે ચોસઠ કલાનો ભક્તિભાવથી ઉપયોગ કરવામાં નથી આવતો! પછી, એ કપાસનું ગોડાઉન હોય, કે મગફળીનું ગોડાઉન-આગને કોઈ ભેદભાવ નથી હોતો. એ તો બિચારી ચિઠ્ઠીની ચાકર. કોઈ સેવાભાવી વ્યક્તિ એને જ્યાં મોકલે ત્યાં એ પહોંચી જાય. આજ સુધી એવું કહેવાતું કે ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ પણ છેલ્લા ઘણા સમયથી કેટલાક મળતિયા મહાનુભાવો પોતાના લાભાર્થે આગને બિચારીને એવાં એવાં સ્થળે મોકલે છે કે એને ના જવું હોય તો પણ ત્યાં જવું પડે છે, એટલે હવેથી એવું કહેવાશે કે ‘આગ, દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય!’

રાજકોટમાં તો ઘણાં ગોડાઉનો છે, મગફળીનાં જ ગોડાઉનમાં આગ કેમ લાગી? આવો અનેક જવાબી સવાલ આપણા જેવા સામાન્ય માણસોને તો થાય, ખુદ આગ લગાડનારને પણ થાય, એવો લાજવાબ સવાલ છે! જોકે તપાસ કરવાવાળા તો બિચારા પોતાની યથા’ભક્તિ’ અને સત્તાધિકારીઓની યથા’શક્તિ’ મુજબ તપાસ તો કરવાના જ છે પણ વાસ્તવિકતા તો સાહેબ એ છે કે એ ગોડાઉન મગફળીનું હતું! મગફળીમાં તેલ હોય છે. તેલ ભલે મનુષ્ય નથી, તો પણ એનો સ્વભાવ જ્વલનશીલ છે! શાસ્ત્ર એવું કહે છે કે આગમાં દેહ બળે છે, આત્મા નથી બળતો. મગફળી દેહ છે, તેલ એનો આત્મા છે, એ ભલે બળતો નથી, ઉકળતો તો હોય છે જ! એને દુઃખ તો થાય છે જ કે કોઈનાં કિચનમાં રંધાતાં શાકભાજી કે ફરસાણ સુધી પણ મારી ગતિ થઈ શકી નહીં? ભલે મારી ‘સદ્’ગતિ ન થઈ પણ આવી અધોગતિ? મારો અગ્નિસંસ્કાર કરનારનું મેં શું બગાડયું’તું? એણે કદાચ બે-પાંચ લાખ રૂપિયાની લાલચમાં આવીને આવું ઘોર કૃત્ય કર્યું એના કરતાં મને ખભા પર ઉપાડી મારું અપહરણ કરવાનું અઘોર કૃત્ય કર્યું હોત તોય મને ખરાબ ન લાગત. ઊલટાનું હું એના કામમાં આવત! પણ આમ સાવ બાળી જ નાખવાની મને? પણ આમાં એય શું કરે બિચારો? એનીય કોઈક મજબૂરી તો હશે ને? એ તો સારું થયું કે અમારી સોસાયટી એટલે કે વસાહત એટલે કે કોથળાઓમાં રેત, ઢેફાં, માટી ને પથ્થરોને આશ્રય આપવામાં આવેલો કે જેને લીધે કેટલીક મગફળીઓને જીવતદાન મળી ગયું, ને બચી ગઈ.

પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઇનનું એક વિધાન છે : A Gentleman is some­body that everybody wants to have been and nobody wants to be – સજ્જન એ એક એવી વ્યક્તિ છે, જે પોતે એવી હોય એમ દરેક જણ ઇચ્છે છે અને કોઈ એવું બનવા ઇચ્છતું નથી. જેમના પવિત્ર કરકમલ દ્વારા લાઇટર કે દિવાસળી થકી, મગફળીના કોથળાઓને અગ્નિસંસ્કાર કરવાનું દીપ-પ્રાગટય થયું હશે એ પણ મીડિયા સામે શીઘ્રાશ્રુ પાડીને પોતાની સિન્થેટિક સજ્જનતાનું દર્શન કરાવી, નાક અને આંખો લૂછતાં લૂછતાં ભીના અવાજે એટલું તો ચોક્કસ બોલવાના : જે થયું એ ખરેખર ખોટું થયું છે, આવું કોઈ સંજોગોમાં થવું જોઈતું નહોતું. હવે આનો અર્થ શું કરવો? કેટલાક ‘અર્થ’શાસ્ત્રીઓ આનો અર્થ એવો કરે છે કે આવું બોલનાર, હકીકતમાં તો એવું કહેવા માગે છે કે આગ લાગવાનો કે લગાડવાનો જે કાર્યક્રમ થયો એ આમ પબ્લિકલી ખુલ્લો પડી ગયો એ ખરેખર ખોટું થયું છે અને આ કાર્યક્રમનાં આયોજકોમાંના કેટલાક પકડાઈ ગયા એ તો કોઈ સંજોગોમાં થવું જોઈતું નહોતું, કેમ કે આજે આયોજકો પકડાઈ ગયા છે, તો કાલે કદાચ પ્રાયોજકો…

કાંડ મગફળીનો હોય કે ચોળાફળીનો હોય. કાંડ એ કાંડ છે – પછી એ કોઈપણ ફળીનો હોય – ‘મોટા ચમરબંધીનેય છોડવામાં નહીં આવે – ‘મોટા ચમરબંધીનેય છોડવામાં નહીં આવે -‘ આવું આશ્વાસન જનતાને અને મીડિયાને અવારનવાર આપવામાં આવે છે. ખબર નથી પડતી કે સમાજમાં ચમરબંધી છે કોણ? તમે ગમે એટલા મોટા નેતાને કે કોઈ પક્ષના કે કંપનીના કે નાની અમથી મંડળીના સુપ્રીમોને એવું પૂછો કે ભાઈ અથવા બાઈ, તમે ખરેખર મોટા ચમરબંધી છો? તો શું એ એમ કહેશે કે, ‘ઓફ્ફ્કોર્સ! એની ડાઉટ અબાઉટ ઇટ?’ અરે સાહેબ, ચમરબંધીનેય થોડી તો હોય, કંઈ સાવ ખાલી હોય એવું માની લેવાની જરૂર નથી. આજ સુધીના તમામ ઇતિહાસો, સમાજશાસ્ત્રો અને રાજ્યશાસ્ત્રો ઊથલાવો, તમને ક્યાંય એવો એકરાર કરતો કે એવી કબુલાત કરતો કોઈ નેતા કે માણસ જોવા, વાંચવા કે સાંભળવા નહીં મળે જેણે સાલસ અને નિખાલસભાવે એવું કહ્યું હોય કે ‘હા, હું શ્રેષ્ઠ ચમરબંધી છું!’ ધારો કે કોઈ આવો વીરલો નીકળે તો એનોય વિરોધ કરનારા અનેક નીકળી પડશે કે – અલ્યા, તું ચમરબંધી ક્યારનો થઈ ગયો? અમે તને દેખાતા જ નથી? અમે તો આઝાદીકાળના છીએ, આજ સુધી અમે જાહેર કર્યું નથી એટલે એનો એવો અર્થ નહીં કરવાનો કે તું જ એકમેવ ચમરબંધી છો. આ સંદર્ભે આપણા ન્યૂ ચાણક્યનું એટલું જ કહેવું છે કે ‘ચમરબંધી’ અને ‘મહાનુભાવ’ આ બંનેમાં એટલો જ ફરક છે, જેટલો ‘નામચીન’ અને ‘પ્રખ્યાત’ શબ્દમાં છે!

મજાની વાત એ છે સાહેબ કે આજકાલ રોકડિયા પાક સમાજમાં મગફળી પોતાનો કોલર ઊંચો રાખીને ફરતી થઈ ગઈ છે અને એના પૂરા સમાજમાં ગર્વ સાથે કહેતી ફરે છે કે જોયું, રાજકારણમાં અને કૌભાંડકારણમાં છે ને મારી બોલબાલા! મારામાંથી એ લોકો શું તેલ કાઢતા’તા? અરે, હું તો એ સૌનું તેલ કાઢી નાખીશ જો મારા પરિવારમાં લગાડવામાં આવેલી આગની તપાસનું તટસ્થ રિઝલ્ટ આવશે તો! આ’યમ પ્રાઉડ ઓફ માય બિઇંગ એન્ડ બિઇંગનેસ! અમે એને પૂછયું કે બહેન, વારંવાર તમારા સમાજમાં આગ લાગવાના બનાવો બને છે તો તમને દુઃખ નથી થતું? ત્યારે મગફળીબહેને અમને કહ્યું : પહેલાં હું ચોખવટ કરી લઉં. હમણાં તમે એવું બોલ્યા કે ‘આગ લાગવાના,’ તો મિસ્ટર એક વાત સમજી લો કે અમે એક પ્રકારનો પાક છીએ, રોકડિયો પાક. ‘પાક’નો એક અર્થ પવિત્ર પણ થાય છે પણ any way… અમે માનવસમાજના નથી કે ખુદ આગ લગાડીએ. ‘આગ લાગવી’ અને ‘આગ લગાડવી’ એ બેમાં ફરક છે, જરાક સમજો! આજે મારે ખરેખર એ સજ્જનોનો આભાર માનવો છે કે જેમણે મારા મગફળી સમાજમાં અવારનવાર ‘અગ્નિદાન’નું યોગદાન આપી, મીડિયામાં, નેતાઓમાં, અધિકારીઓમાં અને જનતામાં અમારા સૌનું આટલા પ્રેમથી પ્રમોશન કર્યું છે! મેરા ગુજરાતકારણ મહાન!’

ડાયલટોન :  

-પૂરતી નોકરીઓ જ નથી તો અનામત શું કામની?  – ગડકરી

-જોયું, કેન્દ્ર સરકારના મંત્રીઓ સાચું પણ બોલી શકે છે!

;