મરાઠા પેશવા પર અંગ્રેજો-દલિતોના વિજયના જશ્નથી પૂણેમાં ભડકી જાતિય હિંસા - Sandesh
NIFTY 10,528.85 -36.45  |  SENSEX 34,324.97 +-102.32  |  USD 66.0250 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મરાઠા પેશવા પર અંગ્રેજો-દલિતોના વિજયના જશ્નથી પૂણેમાં ભડકી જાતિય હિંસા

મરાઠા પેશવા પર અંગ્રેજો-દલિતોના વિજયના જશ્નથી પૂણેમાં ભડકી જાતિય હિંસા

 | 4:08 pm IST

પુણેમાં બે સમુદાયો વચ્ચે થયેલી જાતિય હિંસાની અસર હવે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. મુંબઈ ઉપરાંત હડપસર અને ફુરસુંગીમાં બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો. ઔરંગાબાદ અને અહમદનગરમાં બસ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. નવા વર્ષે પુણેના કોરેગાંવના ભીમા ગાંવમાં શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

પુણેમાં ભડકેલી જાતિય હિંસા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દિવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે. સરકારે ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપી દીધાં છે. ફડણવીસે મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પરવારે ઘટનાને લઈને પ્રતિક્રિયા અપતા કહ્યું હતું કે, ઘટના પાછળ કોનો હાથ છે તેની તપાસ થઈ જોઈએ. સમગ્ર ઘટનાને લઈને દોષનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળતા પવારે કહ્યું હતું કે, શૌર્ય દિવસના 200 વર્ષ પુરા થવાની ઉજવણી પર મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાની શક્યતા પહેલેથી જ હતી. સકારે તેના પર નજર રાખવી જોઈતી હતી.

1 જાન્યુઆરી 1818ના રોજ અંગ્રેજો અને પેશવા બાજીરાવ બીજા વચ્ચે કોરેગાંવમાં ભીમા નદી નજીક ઉત્તર-પૂર્વમાં યુદ્ધ ખેલાયું હતું. લડાઈમાં પેશવા સામે અંગ્રેજો તરફથી મહાર જાતીના સૈનિકોએ ભાગ લીધો હતો. અંગ્રેજો તરફથી 500 યોદ્ધાઓ જેમાં 450 મહાર હતાં, જ્યારે સામા પક્ષે પેશવા બાજીરાવ બીજાના 28,000 પેશવા સૈનિકો હતાં. યુદ્ધમાં માત્ર 500 મહાર સૈનિકોએ 28,000ની મરાઠા ફોજને પરાજય આપ્યો હતો.

મહાર સૈનિકોને તેમની વીરતા અને સાહસ બદલ સંમાનિત કરવામાં આવ્યાં હતાં અને તેમના માનમાં ભીમા કોરેગાંવમાં સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક પર મહારોના નામ લખવામાં આવ્યાં હતાં. વર્ષોથી ભીમા કોરેગાંવના આ યુદ્ધને લઈને મહારાષ્ટ્રના દલિતો ઉજવણી કરતા આવ્યા છે. આ ઘટનાને 200 વર્ષ પૂર્ણ થવા પર ગઈ કાલે સોમવારે કોરેગાંવ ભીમામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા (આઠવલે) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ખાધ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ગિરીશ બાપટ, ભાજપના સાંસદ અમર સાબલે, ડેપ્યુટી મેયર સિદ્ધાર્થ ડેંડે સહિતના નેતાઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની સૂચના મળતાં અન્ય સમુદાયના લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતાં અને કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. અચાનક પરિસ્થિત વણસી હતી અને બે જાતિ વચ્ચે પથ્થરમારો થયો હતો. અનેક ઠેકાણે આગ ચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં ભડકેલી આ આગ મહારાષ્ટ્રના અનેક સ્થળોએ લાગી હતી. મુંબઈના કુર્લા, મુલુંડ, ચેંમ્બુર અને થાણેમાં સરકારી બસો પર પથ્થરમારો કરી તેને આગના હવાલે કરવામાં આવી હતી. ઠેર ઠેર રસ્તા રોકવાની ઘટના બની હતી.

હડપસર અને ફુરસુંગીમાં પણ બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાવચેતીના પગલારૂપે ઔરંગાબાદ અને અહમદનગરમાં બસ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર ઘટનાને સરકાર વિરૂદ્ધનું ષડયંત્ર ગણાવીને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.