One more evidence of connection between DPS and Nityanad Ashram
  • Home
  • Ahmedabad
  • આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય, DPS સ્કૂલની સાંઠગાંઠનો વધુ એક પુરાવો સામે આવ્યો

આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય, DPS સ્કૂલની સાંઠગાંઠનો વધુ એક પુરાવો સામે આવ્યો

 | 12:35 pm IST

શહેરને અડીને આવેલા હાથીજણ નજીક હીરાપુર ગામની સીમમાં DPS સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞાપીઠમ આશ્રમ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આશ્રમ અને શિક્ષણ સાથે સાંઠગાંઠ ધરાવતા લોકોના કારણે શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની હોવા છતાં તંત્ર ચૂપ છે. સ્વામી નિત્યાનંદ આશ્રમ સાથે DPS સ્કૂલની સાંઠગાંઠ ખુલ્યા બાદ ફરી એકવખત DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમની વધુ એક સાંઠગાંઠ ખુલી છે.

હાલ આશ્રમનું વધુ એક કારસ્તાન ખુલ્યું છે, જેમાં આશ્રમના બાળકો DPS સ્કૂલ બસમાં લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે. પુષ્પક સીટીમાંથી આશ્રમના બાળકોને બસમાં લઈ જવાયા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. DPSની સ્કૂલ બસમાં આશ્રમના બાળકો હોવાના CCTV સામે આવ્યા છે.

નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલની વધુ એક સાંઠગાંઠનો પુરાવો સામે આવતા ખળભળાટ મચ્યો છે. DPS સ્કુલના પાર્કિંગમાં આશ્રમની બસ છુપાયેલી વાત સામે આવી છે. આ બસ પર નિત્યાનંદનો ફોટો અને નામ સાથેની બસ સ્કુલના પાર્કિંગમાં પડી છે. અગાઉ સ્કુલ અને આશ્રમનુ કોઈ કનેકશન ન હોવાનુ સત્તાધીશોએ જણાવ્યું હતું. પરંતુ આજે અચાનક સીસીટીવી ફૂટેજે DPS સ્કૂલ અને આશ્રમ વચ્ચેની સાંઠગાંઠ ખોલી નાંખી છે.

DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમની વધુ એક સાંઠગાંઠમાં આશ્રમના બાળકો DPS સ્કૂલ બસમાં લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે. પુષ્પક સીટીમાંથી આશ્રમના બાળકોને બસમાં લઈ જવાયા હોવાનું સામે આવ્યું છે. DPSની સ્કૂલ બસમાં બાળકો હોવાના CCTV હાલ સામે આવ્યા છે.

અમદાવાદના હાથીજણ પાસે આવેલ સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદમાં એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આશ્રમમાં રહેતી યુવતીઓ અને બાળકોને લેવા ડીપીએસ (DPS) ની સ્કૂલ બસ જતી હોવાના સીસીટીવી પોલીસના હાથ લાગ્યા છે. લગભગ 7થી 8 યુવતીઓ અને બાળકોને હાથીજણ રોડ પર આવેલ પુષ્પક સિટીમાં બે મકાનમાં રાખવામાં આવતા હતા. આશ્રમમાંથી નીકળી બાળકો મકાન પર આવતા હતા અને બાદમાં વહેલી સવારે આશ્રમ પરત જતા રહેતા હતા. ભગવા વસ્ત્ર ધારણ કરેલ યુવતી અને બાળકોને લેવા-મૂકવા ડીપીએસ સ્કૂલની બસ આવતી હતી. લગભગ છેલ્લા દોઢ મહિનાથી 7 જેટલી યુવતીઓ અને બાળકોને રહેવા માટે મકાન આપ્યું હતું. 

પુષ્પક સિટીમાં મોડી રાત સુધી યુવતીઓની અવરજવર
સ્થાનિકો કહે છે કે, પુષ્પક સિટીના જે ત્રણ બંગલા આશ્રમે ભાડે રાખ્યા છે તેમાં આખી રાત સુધી મહિલાઓ-યુવતીઓની અવર જવર રહે છે, જે તમામ સવારે સાત વાગ્યે અહીંથી રવાના થાય છે.

આશ્રમમાં વિદેશી મહિલાઓની સૌથી વધુ અવરજવર
નિત્યાનંદ આશ્રમમાં સૌથી વધુ વિદેશી મહિલાઓની અવર જવર રહે છે. આના માટે ડીપીએસની સ્કૂલ બસ આવતી હતી. પુષ્પક સિટીના બિલ્ડરો પણ આશ્રમના ભક્ત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પુષ્પક સિટીમાં જાહેર નામા ભંગની કલમ લગાડવા તૈયારી કરી રહી છે.

નિત્યાનંદિતા 26 ઓક્ટોબરે પુષ્પક સિટીમાં આવી હતી
નિત્યાનંદના આશ્રમના કેટલીક સાધીકાઓ હાથીજણ પાસે પુષ્પક સિટીમાં ઘર નં B ૯૫, B ૧૦૦ અને B ૧૦૭ મકાનમાં રહેતી હતી. જ્યાં ગુમ થયેલ નંદીતા અવારનવાર આવતી હતી. પુષ્પક સિટીના એન્ટ્રી બુકમાં ૨૬ ઓક્ટોમ્બરના રોજ બપોરના ૧.૪૦ કલાકે એન્ટ્રી કરી હતી.

નંદિતાની બેગ મળી આવી
પુષ્પક સિટીમાં પોલીસે બે સગીર અને બે સાધ્વીઓ સાથે તપાસ સોમવારે હાથ ધરી હતી. તે દરમ્યાન ગુમ થયેલી નંદીતાની મકાનમાંથી બેગ મળી આવી હતી. તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે પણ પોલીસે પુષ્પક સિટીના B ૯૫, B ૧૦૦ અને B ૧૦૭નંબરના મકાનમાં તપાસ કરી હતી.

નાચગાન કરી બિલ્ડરોને પહેલાં ખુશ કરવાના પછી પૈસાના ઉઘરાણા । સૂત્રો કહે છે કે, આશ્રમની સેવિકાઓ વિવિધ જગ્યાઓ ઉપર સેમિનાર યોજે છે, જ્યાં તેઓની ડોળો એવા લોકો પર રહે છે કે, જે તેમનું કહ્યું કરે. એટલું જ નહિ પરંતુ બિલ્ડર સહિતના લોકો સમક્ષ સેવિકાઓ નાચગાન કરીને તેમને ખુશ કરતી હોય છે, ત્યાર બાદ આશ્રમની જરૂરિયાતના નામે તેમની પાસેથી નાણાં ઉઘરાવવામાં આવતાં હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન