એક નવોદિત નેતાએ સમજાવ્યું, 15મી ઓગસ્ટનું રહસ્ય !  - Sandesh
  • Home
  • Columnist
  • એક નવોદિત નેતાએ સમજાવ્યું, 15મી ઓગસ્ટનું રહસ્ય ! 

એક નવોદિત નેતાએ સમજાવ્યું, 15મી ઓગસ્ટનું રહસ્ય ! 

 | 2:43 am IST

રિવરફ્રન્ટની પાળેથી : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

જ્યોર્જ બર્નાર્ડ શોએ વરસો પહેલાં સ્વાતંત્ર્યની વ્યાખ્યા આ રીતે આપેલી : Independance is like hunger – just as one cannot eat for tomorrow, so one cannot be independant today for tomorrow પોતે ગંભીર સ્વભાવના નહીં હોવા છતાં બર્નાર્ડ શો આ રીતે રમૂજમાં પણ ક્યારેક ગંભીર વાત રજૂ કરી લેતા!

‘તુંડે તુંડે મતિર્ભિન્ના’ કહેવાય છે એમ ‘તુંડે તુંડે સ્વાતંત્ર્યર્ભિરન્ના’ પણ કહેવાનું મન થાય એટલી હદે આજે સ્વાતંત્ર્યનું રૂપ બદલાઈ ગયું છે. સ્વાતંત્ર્યનો એક મુખ્ય અધિકાર પોતાની આંગળીએ કેટકેટલા નાના અધિકારોની વણઝાર લઈને આવ્યો છે એ પણ આપણે છેલ્લાં ઘણાં વર્ષોથી જોઈ રહ્યા છીએ. અધિકાર એ લોકશાહી માતાનું લાડકું સંતાન છે. જેમ લોકશાહી એ લોકશાહી છે, એમ અધિકાર પણ અધિકાર છે, એમાં ભેદભાવ ન હોય. એવું ના હોય કે રાજાના અધિકારો અધિકાર હોય અને રૈયતના અધિકારો ધિક્કાર હોય! હા, અધિકારોની સાઇઝમાં તફાવત હોઈ શકે પણ ભેદભાવ ન હોવો જોઈએ, કેમ કે તફાવત અને ભેદભાવમાં ફરક છે! આપણામાં એક કહેવત છે : ભાવે એટલું ખાવું અને ફાવે એટલું બોલવું! રાજા ફાવે એટલું બોલે તો ચાલો માની લઈએ કે ભ’ઈ, રાજા છે એટલે એમને ફાવે એટલું બોલવાનો વિશેષાધિકાર છે પણ રાજાના નાના-મોટા, સાચા-ખોટા પ્રધાનો કે વજીરો કે ભજનિકો કે પછી અવારનવાર રણકાર-ખણકાર કરી લેતાં ચમચા-ચમચી જેવાં વાસણો, આવા અધિકારનો છુટ્ટી જીભે ઉપયોગ કરવા માંડે અને પછી વર્ણવિગ્રહ કે વર્ગવિગ્રહ શરૂ થઈ જાય એનો સંપૂર્ણ યશ વિરોધીઓને દાનમાં આપી દે, એ તો ખોટું જ ને?

આવતી કાલે પંદરમી ઓગસ્ટ છે – આપણો રાષ્ટ્રીય તહેવાર – સ્વાતંત્ર્ય પર્વ! જુદાં જુદાં સ્થળે જાહેરમાં ધ્વજવંદન અને ખાનગીમાં અભિનંદન આપવાનો અવસર! કેટલાક નવોદિત નેતાઓ પોતપોતાના મતવિસ્તારમાં જનતાને ભોળાભાવે રાષ્ટ્રીય તહેવારનું મહત્ત્વ સમજાવશે. જનતા તો રાષ્ટ્રીય તહેવારોનું મહત્ત્વ વરસોથી સમજતી જ આવી છે, કારણ કે એને તો વરસોથી આવા નવોદિતો અને રીઢા-મતલબ કે પરિપકવ નેતાઓ ‘સમજાવતા’ જ રહ્યા છે. આજના નવોદિત નેતાઓ ગઈ કાલ સુધી જનતાવર્ગમાં હતા અને આવતી કાલે ‘ગણતા’ વર્ગમાં આવી જશે – પણ જનતા તો બિચારી ગઈ કાલેય જનતાવર્ગમાં હતી, આજેય જનતાવર્ગમાં છે અને નેતાઓને ભગવાન સમજી એમના ભરોંસે રહેશે તો આવતી કાલેય એ જનતાવર્ગમાં જ રહેશે. લોકશાહીનું વરદાન છે કે સાવ સીધો આમ આદમી ખાસ આદમી બની શકતો નથી, કેમ કે ખાસ આદમી પણ આમ આદમી બની શકતો નથી.

આવતી કાલે પંદરમી ઓગસ્ટ છે તો એના સંદર્ભે ચાલો એક સપનું જોઈએ! ના સાહેબ, અચ્છે દિનનું નહીં, એક સચ્ચે નવોદિત નેતા પોતાના મતવિસ્તારમાં ધ્વજવંદન કરીને પંદરમી ઓગસ્ટનું મહત્ત્વ જનતાને કેવી રીતે સમજાવે છે એનું, જનતાએ રાખેલી એક રાજકીય શ્રદ્ધાની સદ્ગતિનું સપનું! સપનું તો સપનું છે સાહેબ – એમાં કંઈપણ બની શકે!

સત્તાધિકારીઓના સત્તાદેશ મુજબ, એક સરકારી ઇમારત સામેનાં ખુલ્લા મેદાનમાં ભરચક મેદની ગોઠવાઈ ગઈ છે. આ મેદનીમાં રિવાજ પ્રમાણે એઇટી-ટ્વેન્ટીનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. ટ્વેન્ટી પર્સન્ટ સરકારી કર્મચારીઓ, નેતાઓ, ઉપનેતાઓ અને અધિકારીઓ છે તો એઇટી પર્સન્ટમાં ‘મૂલ્ય’વાન જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે. મોટાભાગની જનતાની, ભલે લાલ જાજમ પાથરીને નહીં પણ સરકારી વાહનોની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડીને પધરામણી કરાવી છે એટલે જનતા ખુશ છે. જનતા ખુશ તો નેતા ખુશ. નેતાશ્રીએ ધ્વજવંદન કરી પોતાની રાષ્ટ્રીય વાણીનો લાભ આપતાં પહેલાં નિર્દયતાપૂર્વક માઇકને એની ગરદનથી પકડી ઠીક કર્યું. કોને ઠીક કરવા એ, આવા નવોદિત નેતાઓ ઘડાયેલા અધિકારીઓ પાસેથી શીખે છે. સમય જતાં એ જ નેતાઓ પછી આવા અધિકારીઓને બદલી કરીને ઠીક કરે છે. નેતાશ્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં ધ્રૂજતા મોઢે સહેજ ખોંખારો ખાધો, કેમ કે આટલી વિશાળ મેદની સામે ભાષણ કરવાનો આ પહેલો અને નવોદિત અનુભવ હતો. પહેલો અનુભવ છેલ્લો ન બની જાય એનું એમને ભારોભાર ટેન્શન હતું :

‘ભાઈઓ, બહેનો, બાળકો, માતાઓ અને પિ… મતલબ કે સૌ વડીલોને આજની પંદરમી ઓગસ્ટના પ્રજાસત્તાકદિને મારા ધ્વજપૂર્વક વંદન! (ત્યાં જ બાજુમાં બેઠેલા એક ભક્તજને ઊભા થઈ નેતાશ્રીના હાથમાંથી માઇક લઈને બાજી સંભાળી લેતાં કહ્યું : પ્રિય નગરજનો, આપણા નવા નવા ચૂંટાયેલા નેતાશ્રી, જેમને આજનું યુવાજગત યુવાહૃદયસમ્રાટ અને પ્રગતિના પ્રભુ તરીકે ઓળખે છે – એમનો સ્વભાવ રમૂજ કરવાનો હોવાથી એમણે આજની પંદરમી ઓગસ્ટને ‘સ્વાતંત્ર્યદિન’ તરીકે ઓળખાવવાને બદલે જાણી જોઈને એમણે ‘પ્રજાસત્તાક દિન’ તરીકે ઓળખાવવાની વાત કરી છે. એમની આ રમૂજને કોઈ ગંભીરતાથી ન લેશો એટલી વિનંતી કરીને માઇક એમને સોંપું છું – કહી પેલા જ્ઞા।ની ભક્તજને ડોળા કાઢી માઇક સોંપી દીધું) નેતાશ્રીએ એ ડોળામાં હિંડોળાદર્શન કર્યું હોય એવા પવિત્ર ભાવથી કહ્યું : આજના પરમપવિત્ર દિવસે મારે તમને મહત્ત્વની વાત એટલી જ કરવાની છે કે આજનો દિવસ ખરેખર મહાન છે, કેમ કે આજે પંદરમી ઓગસ્ટ છે. એમ તો આપણા સરદાર પટેલ, મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરૂ પણ મહાન નેતાઓ હતા પણ મિત્રો, પંદરમી ઓગસ્ટની વાત જ કંઈક જુદી છે. એક ભારતવાસી તરીકે – અને હવે તો એક ઈન્ડિયન તરીકે – ન્યૂ ઈન્ડિયન તરીકે મને, તમને, સૌને એ વાતની ખુશી હોવી જોઈએ કે માત્ર ને માત્ર આપણા દેશમાં જ આ પ્રકારની પંદરમી ઓગસ્ટ આવે છે, કેમ કે આપણે એને ઊજવીએ છીએ! દુનિયાનો એકપણ દેશ એવો બતાવો કે જ્યાં પંદરમી ઓગસ્ટની આપણી જેમ રાજકીય અને રાષ્ટ્રીય માન-સન્માન સાથે ઉજવણી થતી હોય. વધારે ખુશીની વાત તો એ છે સજ્જનો અને સન્નારીઓ કે આવી પંદરમી ઓગસ્ટ દર વર્ષે આવે છે! ખરેખર આપણે સૌ ભાગ્યશાળી છીએ! આૃર્યની વાત તો સાહેબ એ છે કે આ તહેવાર દર વર્ષે ઓગસ્ટ મહિનામાં જ અને એય તે બરોબર પંદરમી તારીખે જ આવે છે! આને કહેવાય સાહેબ, પંક્ચ્યુઆલિટી અને કમિટમેન્ટ! આપેલાં વચનો પાળવામાં અમે કદાચ કાચા પડતા હોઈશું પણ પંદરમી ઓગસ્ટનો દિવસ તો છેલ્લાં સિત્તેર સિત્તેર વર્ષથી એ જ તારીખે ને એ જ મહિનામાં આવવાનું વચન પાળી રહ્યો છે. તુલસીદાસજીની ક્ષમાયાચના સાથે આજે હું એટલું જ કહીશ કે :

પંદ્રહ અગસ્ત પંદ્રહ અગસ્ત કો હી આઈ

ઇસે કહતે હૈ, પ્રાણ જાઈ પર વચન ન જાઈ

આમ તો ભારત માટે એવું કહેવાય છે કે ઈન્ડિયા ‘ઇજ’ અ કન્ટ્રી ઓફ ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ! આનો વિશાળ અર્થ એ થયો કે આપણો સામાજિક વહેવાર બને એટલો ફેર હોવો જોઈએ, રફ એન્ડ ટફ નહીં. આપણે જેટલા ફેર હોઈશું, ફેસ્ટિવલ એટલો જ સારી રીતે ઊજવી શકીશું. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. તમે જો જો, આપણા ધાર્મિક અને સામાજિક તહેવારો દર વરસે એ જ તારીખે કે એ જ દિવસે કે એ જ મહિનામાં નથી આવતા. ક્યારેક આગળ-પાછળ થઈ જાય છે. ક્યારેક તહેવારો પણ વગર વરસાદે ખાડો પાડે છે પણ જુઓ આપણો આ પંદરમી ઓગસ્ટનો એકમેવ રાષ્ટ્રીય તહેવાર વરસોથી એ જ તારીખે ને એ જ મહિનામાં આવે છે ને! ક્યારેય એણે ખાડો પાડયો? પંદરમી ઓગસ્ટ માટે મને વિશેષ લગાવ છે એનું આ એક જ કારણ છે સાહેબ! તમે નહીં માનો પણ મારે આજે એ વાત જાહેર કરવી જ પડશે – જોકે મને આત્મશ્લાઘા કરતાં નથી આવડતું, છતાં કહ્યા વગર પણ નથી રહી શકાતું કે મને ચૂંટણીમાં ઊભા રહેવાની ટિકિટ આપતાં અમારા પક્ષીય વડાએ કહેલું કે : તમારામાં બૌદ્ધિકતા ઠાંસી ઠાંસીને ભરી હોવાથી તમારી બૌદ્ધિક હાઇટને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવે છે. મિત્રો, આજે મને એ વાતનો આનંદ છે કે અમારા વડાએ મારી ફિઝિકલ હાઇટને નજરઅંદાજ કરી, મારી બૌદ્ધિક હાઇટની કદર કરી છે. આજના પવિત્ર દિવસે પ્રભુને એટલી જ પ્રાર્થના કરીશ કે તમને સૌને પણ ભગવાન મારા જેવી અને મારા જેટલી બૌદ્ધિક હાઇટ આપે. જય… હિંદ!’

આ નવોદિત નેતાએ બર્નાર્ડ શોની વાત આજે પણ સાચી પાડી હોય એવું નથી લાગતું?!

ચૂસકી :  

– મમ્મી કાલે શેની રજા છે?

– પંદરમી ઓગસ્ટની.

– એ શું છે?

– ચૂપચાપ હોમવર્ક કર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;