મોડાસામાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં ર૧ મકાનમાં ચોરી - Sandesh
  • Home
  • Gujarat
  • મોડાસામાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં ર૧ મકાનમાં ચોરી

મોડાસામાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં ર૧ મકાનમાં ચોરી

 | 6:20 pm IST

વેકેશનને કારણે લોકો મકાનો બંધ કરી પ્રવાસ કે વતનમાં જાય છે.આ સમયે તસ્કરોને ચોરી કરવા ખુલ્લુ મેદાન મળી જતુ હોય તેમ જિલ્લામાં ઠેર ઠેર ચોરીઓના બનાવ બની રહ્યા છે.જોકે મોડાસામાં શનિવારની રાત્રે તસ્કરોના ધાડાં જ ઉતરી પડયા હોય તેમ એક સાથે ર૧ મકાનોના તાળા તોડયા હતા.શહેરના મેઘરજ રોડ ઉપર આવેલ બે સોસાયટીઓમાં ઉતરી આવેલા તસ્કરોએ બંધ મકાનોના તાળા તોડી રોકડ રૃપિયા,સોના-ચાંદીના દાગીના તથા જે કંઈ હાથ લાગ્યુ તેની ચોરી કરી લીધી હતી.શહેરમાં સાગમટે થયેલ ચોરીઓના કારણે લોકો ફફડી ઉઠયા છે.સાથે પોલીસ પણ ર૧ મકાનોના તાળાં તૂટતાં સ્તબ્ધ બની ગઈ છે.

modasa-house-thief-9

મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલ ઉત્સવવેલી ટાઉનશીપ તથા રાધે ટાઉનશીપમાં શનિવારે રાત્રે તસ્કરોના ધાડાં ઉતરી પડયા હતા અને એક જ રાતમાં આ બંને સોસાયટીઓમાં ર૧ મકાનોમાં ચોરી થઈ હતી.મોટા ભાગના લોકો દિવાળીના તહેવારને કારણે વતનમાં કે પ્રવાસ ગયા હતા.આ સમયનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનોમાં ચોરી કરી હતી.તમામ મકાનોમાં એક સરખી રીતથી નકૂચા અને તાળાં તોડયા હતા,બાદમાં તસ્કરોએ તિજોરીઓ,કબાટ તોડી નાંખી અંદર રખાયેલ સોના અને ચાંદીના દાગીના અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી.રાત્રે ઉતરી પડેલા તસ્કરોએ ઉત્સવવેલીમાં ૧૭ મકાનોને નિશાન બનાવ્યા હતા.આ રેસીડેન્સીમાં જેટલા પણ બંધ મકાન હતા તેમાંથી મોટા ભાગના મકાનોના તાળા તોડી ચોરી કરી હતી.

modasa-house-thief-7

સવારે લોકોએ બંધ મકાનોના તાળાં તૂટેલા જોતા તપાસ કરી હતી.દરમિયાન એક બાદ એક ૧૭ મકાનોમાં ચોરી થયાનુ જણાતાં મકાન માલિકો અને પોલીસને જાણ કરાઈ હતી.જેના પગલે મોડાસા રૃરલ પોલીસે તસાસ શરૃ કરી દીધી છે.આ જ રીતે રાધે રેસીડેન્સીમાં પણ ચાર મકાનોમાં ચોરી થઈ હતી.આ ચારેય મકાનોમાંથી પણ તસ્કરોએ માલસામાન રફેદફે કરી જે હાથ લાગ્યુ તે ઉઠાવી લીધુ હતુ.શહેરમાં એક જ રાતમાં આટલા મોટા પાયે ચોરીઓ થતાં લોકો ફફડી ઉઠયા છે.સાથે પોલીસ પણ તસ્કરોના તરખાટથી હેબતાઈ ગઈ હતી.

modasa-house-thief-5

પોલીસના ચોપડે ૯૦ હજારની ચોરી નોંધાઈ
એક જ રાતમાં ર૧ જગ્યાએ ચોરી થતાં પોલીસની આબરૃના ધજાગરા થઈ ગયા છે.દરમિયાન મોડાસા રૃરલ પોલીસે તમામ જગ્યાએથી મળી ૪૦ હજાર રોકડા તથા પ૦ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધ્યો છે.અને તસ્કર ટોળકીને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે બહાર ગયેલા મકાન માલિકો આવ્યા બાદ જ ચોરીનો સાચો આંકડો બહાર આવી શકે છે.

modasa-house-thief-4

૧૦થી વધુ તસ્કરોની ટોળકી હોવાની આશંકા
એક જ સોસાયટીમાં ૧૭ મકાનોના તાળા તૂટતાં તસ્કરોની ટોળકી ૧૦થી વધુની હોવાની મનાય છે.બીજી બાજુ અગાઉથી રેકી કર્યા બાદ તસ્કરોએ બંધ મકાનોને જ નિશાન બનાવ્યા હતા.જેથી આખી ટોળકીએ ઉતરી પડી બે થી ત્રણ કલાકમાં ચોરીને અંજામ આપી દીધો હશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

modasa-house-thief-2

લોકો ઉંઘતા રહ્યા અને તસ્કરો બેફામ બન્યા
ઉત્સવવેલી સોસાયટીમાં સાગમટે ચોરી થઈ હતી જોકે આ સોસાયટીમાં બાજુના મકાનમાં રહેનારને પણ ચોરીની ગંધ આવી ન હતી.તસ્કરોની આખી ટોળકી ઉતરી પડવા છતાં લોકો ઉંઘતા રહ્યા હતા અને તસ્કરોએ બેફામ ચોરી કરી હતી.રાધે સોસાયટીમાં તો દેશની રક્ષા કરી રહેલ જવાનના ઘરને પણ છોડયુ ન હતુ અને સોનાનો સેટ,ર૦ હજાર રોકડા સહિતની ચોરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન