એક ઓવરમાં ૪૩ રન!,  ન્યૂઝીલેન્ડની નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • એક ઓવરમાં ૪૩ રન!,  ન્યૂઝીલેન્ડની નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

એક ઓવરમાં ૪૩ રન!,  ન્યૂઝીલેન્ડની નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

 | 12:25 am IST

। હેમિલ્ટન ।

ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બને છે અને તૂટે છે ત્યારે ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં અશક્ય લાગતો રેકોર્ડ નોંધાયો છે. ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી ફોર્ડ ટ્રોફી ટૂર્નામેન્ટમાં નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટના જો કાર્ટર અને બ્રેટ હેમ્પટને લિસ્ટ એ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના વિલેમ લુડિકની એક ઓવરમાં ૪૩ રન ઝૂડયા હતા. આ જોડીએ બાંગ્લાદેશના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અલાઉદ્દીન બાબુ દ્વારા એક ઓવરમાં ૩૯ રન આપવાના રેકોર્ડને તોડયો હતો. અલાઉદ્દીને ૨૦૧૩માં ઢાકા પ્રીમિયર લીગની મેચમાં ૩૯ રન આપ્યા હતા. ચિગુમ્બુરાએ અલાઉદ્દીનની ઓવરમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. અલાઉદ્દીને એક નો બોલ નાખતાં આ ઓવરમાં સાત બોલ નખાયા હતા.

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સામેની મેચમાં નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટના હેમ્પટને લુડીકની ઓવરના પ્રથમ બે બોલમાં બે છગ્ગા લગાવ્યા હતા જે પૈકી એક બોલ ઊંચો હોવાથી નો બોલ અપાયો હતો. તે પછીના બોલે તેણે ત્રીજો છગ્ગો ફટકાર્યા બાદ ત્રીજા બોલે એક રન લઈ કાર્ટરને સ્ટ્રાઇક આપી હતી. પોતાની પાંચમી લિસ્ટ એ મેચ રમી રહેલા કાર્ટરે બાકીના ત્રણેય બોલે છગ્ગા ફટકારી ૪૩ રન લીધા હતા. વિલેમ લુડિકની આ આવર પહેલાં બોલિંગ ફિગર ૯-૦-૪૨-૧ હતા પરંતુ આ ઓવરમાં ૪૩ રન આવતાં તેની બોલિંગ ફિગર ૧૦-૦-૮૫-૧ થઈ ગઈ હતી.