એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, પપ્પા લગ્નની ના પાડે છે, શું કરીએ? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, પપ્પા લગ્નની ના પાડે છે, શું કરીએ?

એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, પપ્પા લગ્નની ના પાડે છે, શું કરીએ?

 | 2:54 am IST

યૌવનની સમસ્યાઃ સોક્રેટિસ

સોક્રેટિસજી,

હું તમારી યૌવનની સમસ્યા દર બુધવારે વાંચું છું. તેમાં તમે બહુ સારી સલાહ આપો છો. મારે પણ આવી એક સમસ્યા છે. મારી ઉંમર ૧૭ વર્ષ છે. હું નર્સિંગ કોલેજમાં જવાની છું, હું જેને પ્રેમ કરું છું તે યુવકની ઉંમર ૧૮ વર્ષની છે. તે બી.એ.ના ફર્સ્ટ ઈયરમાં છે. તે ભાવનગરમાં એકલો ભણવા માટે રહે છે. તે અમે જ્યારે પ્રાઈમરીમાં ભણતા હતા તે વખતનો મને પ્રેમ કરે છે. તે ભણવામાં હોશિયાર છે, તે વખતે તેણે મને નહોતું કહ્યું કે તે મને પ્રેમ કરે છે. ૪ વર્ષ પછી તે સોશિયલ મીડિયામાં મળ્યો. તેણે મને કહ્યું કે તે મને ૮ વર્ષથી પ્રેમ કરે છે. અત્યારે હું અમદાવાદમાં રહું છું. અમે એકબીજાને હજુ મળ્યાં નથી. અમે એક બીજાને આત્માથી પ્રેમ કરીએ છીએ. હવે સમસ્યા એ છે કે મારું બીજે નક્કી થાય એ પહેલા તે મારા ઘેર માંગુ લઈને આવે એવું મેં એને કહ્યું. તેણે મારી મોટી બહેનને ફોન કર્યો, તે મને પસંદ કરે છે. તો આ વાત મારી બહેને મારા મમ્મી-પપ્પાને કરી તો તે બહુ ગુસ્સે થયા. અમારી કાસ્ટ એક હોવા છતાં આગળ કંઈ સાંભળ્યું નહીં. તે શિક્ષક છે અને તે મારા અને તેના ક્લાસ ટીચર હોવા છતાં ના પાડી દીધી. મને ખાતરી છે કે મારા પપ્પા અમારા લગ્ન માટે નહીં જ માને. મારો પ્રેમી ભાગીને લગ્ન કરવાનું કહે છે પણ મારે એમ નથી કરવું. અમે કંઈ ખોટું નથી કર્યું, જેથી અમારે ભાગવું પડે. હું તેને ભૂલી નહીં શકું અને તે પણ મને ભૂલી નહીં શકે. અમે નક્કી કર્યું છે કે જો લગ્ન માટે ના પાડશે અથવા નહિ કરાવે તો અમને બંને સ્યુસાઈડ (આત્મહત્યા) કરી લેશું. ઘરના બધાં જ રાજી છે લગ્ન માટે પણ મારા પપ્પા જ નહીં માને એવી મને ખાતરી છે.

તમે મને કોઈ સારો અને સરળ રસ્તો જણાવો …પ્લીઝ…. પ્લીઝ….

રીના તારો ઈ-મેઈલ વાંચ્યો… તારી ઉંમર હાલ ૧૭ વર્ષની છે. તારા પ્રેમી યુવકની ઉંમર ૧૮ વર્ષની છે, એટલે કે તમે બંને સગીર છો. આ વયે તમે ધારો તો ય કાયદેસર લગ્ન ન કરી શકો, એટલે એવું કોઈ સાહસ કરવાની સલાહ તો આપી શકાય જ નહીં, અને આમ પણ હું એવી સલાહ ક્યારેય કોઈને આપતો નથી. કોઈ અપવાદરૂપ કેસમાં એવું હોય શકે. અહીં મૂળ વાત તમારા બંનેના બચપણથી આરંભાયેલા પ્રેમની છે. તમે બંને એકબીજાને પ્રેમ કરો છો અને લગ્ન કરવા પણ મક્કમ છો, એટલે એ બાબતમાં કોઈ અવઢવ નથી. તમે હજી અભ્યાસ કરી રહ્યા છો. હજી તો કોલેજકાળનો પ્રારંભ છે, તું નર્સિંગનો અભ્યાસ કરવાની છે અને તારો ફ્રેન્ડ હજી એફ.વાય.બી.એ.માં છે. આ ઉંમરે લગ્ન વિશે કેમ વિચારો છો? એ જ સમજાતું નથી. આ ઉંમરે તું માગું લઈ આવવા માટે કહે અને તેણે તારી બહેનને ફોન કરી કહ્યું. આ વાત તેણે તારા મમ્મી- પપ્પાને કરી અને તેઓ ગુસ્સે થઈ ગયા. આમ જોઈએ તો આ ખૂબ સ્વાભાવિક રિએક્શન છે. તું ભણવાને બદલે કરિયર તરફ ધ્યાન આપવાને બદલે લવ કરવાના, લગ્ન કરવાના વિચાર કરે છે, તેઓ ગુસ્સે ના થાય તો જ સવાલ. તારા પપ્પા શિક્ષક છે. તે તમારા બંનેના ક્લાસ ટીચર હતાં, છતાં તેઓ ના પાડતાં હોવાનું તું કહે છે ત્યારે આૃર્ય એ થાય છે કે શું તે હા પાડે? આ ઉંમરે લગ્ન કરવા છે? એક શિક્ષક આવું થવા દે…! તને આ બાબત વિશ્વાસ કે ખાતરી છે તે બરોબર જ છે. તારો પ્રેમી તને ભાગીને લગ્ન કરવા કહે છે અને તું ના પાડે છે એ ખરેખર યોગ્ય વાત છે. એવું કરવાનો સવાલ જ નથી અને આમ પણ હાલ તો નહીં જ…. પછી પરિસ્થિતિને જોઈને શું કરવું? તે વિચારી શકાય. તારા કહેવા મુજબ ઘરના બધાં રાજી છે અને માત્ર તારા પપ્પા જ તૈયાર નથી આવી પરિસ્થિતિ છે, એ તમારા ભાવિ માટે સારા એંધાણ દર્શાવે છે. તમે પુખ્ત વયના થાઓ, તારો બોયફ્રેન્ડ સેટલ થાય એ પછી તું તારા પપ્પાને વાત કરીશ તો તેઓ ખુશી ખુશીથી તૈયાર થશે. જો કે ત્યારે પણ તારે કંઈ કહેવું નહીં. તારી મમ્મીને કે બહેન વગેરેને તારા માટેની વાત તારા પપ્પાને કહેવા કહેવું. કાસ્ટનો પણ સવાલ નથી, એટલે તારા પપ્પા તૈયાર થશે જ, બાકી કોઈ પણ પિતા આમ આ નાદાન કાચી વયના બાળકોનું લગ્ન કરવા હા… હા.. કરી લો એમ તો ના જ કહે.. સૌથી ગંભીર બાબત તો તમે બંને લગ્ન કરવા ના પડાય કે ના કરાય તો આત્મહત્યા કરી લેવા તૈયાર છો, આને નાદાની ના કહેવાય તો શું કહેવાય? આવો વિચાર સુદ્ધાં ન કરવો જોઈએ. જિંદગી બહુ મહત્ત્વની છે. વારે વારે મળતી નથી. હજી એવું કશું આભ તૂટી પડયું નથી અને તૂટી પડે તો ય આવું વિચારી શકાય નહીં.

આમ સમગ્રતયા વિચારતાં તમને મારી સલાહ છે કે બંને પ્રેમ કરતાં રહો. પ્રેમ ખૂબ મહત્ત્વની બાબત છે. બધાના નસીબમાં નથી હોતો. પ્રેમ ક્યારેય માણસને નબળો નથી પાડતો. એ હંમેશાં શક્તિ જ બક્ષે. તમારા પ્રેમમાં ક્યાંય વાસનાની વાત જ નથી એ ખૂબ આવકાર્ય બાબત છે. પછી ધારો કે લગ્ન ન થાય તો ય આનંદથી રહી શકાય. એ વાતનો આનંદ, સંતોષ, સુખ રહે કે પ્રેમ કરીએ છીએ.

તમે પુખ્ત થાવ, નોકરી, વ્યવસાયે લાગો એ પછી પણ તારા પપ્પા ના પાડે તો ય હિંમત હારવી નહીં. કંઈ વાંધો નહીં કહીને બીજે ક્યાંય પરણવું જ નથી એમ જાહેર કરી દેવું. આખરે પિતાનું દિલ ખૂબ ઋજુ હોય છે, એ પોતાની પુત્રીને દુઃખી થતી જોઈ જ ન શકે. એમાંય તારા પિતા તો શિક્ષક છે એટલે એ તો ઝડપથી પીગળી જશે. આમ પણ તેઓ માટે વિરોધ કરવાનો ત્યારે કોઈ મુદ્દો નહીં હોય. હાલ છે જ. માટે ધીરજથી આગળ વધો… હમણાં લગ્નનો વિચાર પણ છોડી દો અને કરિયર પર ધ્યાન આપો.

[email protected]