એક જ સમયમાં ત્રીસ કરોડ જેટલા ઈંડા મૂકનાર સનફિશ માછલી - Sandesh
  • Home
  • Kids Corner
  • એક જ સમયમાં ત્રીસ કરોડ જેટલા ઈંડા મૂકનાર સનફિશ માછલી

એક જ સમયમાં ત્રીસ કરોડ જેટલા ઈંડા મૂકનાર સનફિશ માછલી

 | 12:01 am IST

જંગલબુક :- નીરવ દેસાઈ

માછલીની પૂંછડી તેના શરીરનો મહત્વનો અંગ હોય છે. પૂંછડીને ડાબે-જમણે હલાવીને માછલી તરવાની દિશા બદલી શકે છે. પરંતુ સનફિશ નામની માછલીને પૂંછડી જ હોતી નથી. આવી સનફિશ માછલી મોલા તરીકે પણ ઓળખાય છે. તે વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં જાણીતી લાંબા હાડકાંવાળી માછલી છે. સનફિશ દેખાવમાં લગભગ પફરફિશ જેવી હોય છે, જોકે તે તેનાથી હજારગણી મોટી હોય છે. પફર ફિશ દસ-વીસ કિલોની હોય છે તો સનફિશ ૧૦૦૦ કિલો સુધીની હોય છે. પુખ્ત સનફિશ માછલીની સરેરાશ લંબાઈ ૧.૮ મીટર હોય છે અને તેની પાંખોની લંબાઈ ૨.૫ મીટર જેટલી હોય છે. તેમજ તેનું શરીર દસ ફુટ જાડા નળાકાર જેવું હોય છે. સનફિશનો આગળનો ભાગ અણિદાર હોય છે. તેનું મોં બંદુકના નાળચા જેવું લાબું અને સાંકડું હોય છે. સનફિશ દેખાવે સૌથી કદાવર માછલી છે. પુખ્ત વયની સનફિશનું વજન સામાન્ય રીતે બસો સુડતાલિસ થી હજાર કિલો જેટલું હોય છે. તેનું સાંકડું મોં હંમેશા ખુલ્લું જ રહે છે અને તેના દાંત સતત દેખાતા રહેતા હોય છે. આ માછલીના શરીર પર દરિયાઈ જંતુઓ ચોટે ત્યારે તેને ખંખેરવા તે દરિયાની સપાટી પર આવે છે અને ઉછળકૂદ કરતી જોવા મળે છે. તેનું મોં સાંકડું હોવાથી તે નાની માછલીઓનો જ શિકાર કરી શકે છે. સનફિશ દેખાવે ભલે કદાવર લાગતી હોય પણ સ્વભાવે તે શાંત હોય છે. દરિયામાં જોવા મળતી સનફિશ (મોલા) તરીકે ઓળખાતી આ માછલી વિશ્વની સૌથી વિશાળ અને મોટા હાડકાવાળી માછલી છે. તેઓ મોટેભાગે ઉષ્ણકટીબંધ અને સમશીતોષ્ણ કટીબંધના વિસ્તારોમાં જોવા મળે છે. આ ઉપરાંત જાપાન અને કોરિયાના દરિયાકાંઠામાં પણ તેઓ વધુ જોવા મળે છે. સનફિશ માછલીની રચના થોડી અલગ પ્રકારની હોય છે. તેનો પૂંછડીનો ભાગ માથા જેવો દેખાય છે અને તેનું શરીર ચપટું અને સપાટ હોય છે. સનફિશ મોટાભાગે જેલીફિશ અને નાની માછલીઓ આરોગે છે. પણ તેનું મોં સાંકડું હોવાથી તે થોડો થોડો ખોરાક આરોગી શકે છે, આ કારણે તે સતત કોઈને કોઈ નાના નાના દરિયાઈ જીવનો થોકબંધ શિકાર કરીને આરોગતી રહે છે. કોઈ પણ દરિયાઈ કે અન્ય પ્રજાતિ કરતાં સનફિશ સૌથી વધુ ઈંડા આપતી પ્રજાતિ છે. તે એક સમયમાં લગભગ ત્રીસ કરોડ જેટલા ઈંડા મૂકે છે. આ માછલી એટલી મોટી હોય છે કે કોઈ તેનો શિકાર કરવાની હિંમત નથી કરતું, માત્ર સી લાયન, કિલર વ્હેલ અને શાર્ક જેવા દરિયાઈ જીવો તેનો શિકાર કરવાનું સાહસ કરે છે. જોકે કોરિયા, જાપાન અને તાઈવાન સહિતના વિશ્વના કેટલાક ભાગોમાં લોકો સનફિશને ભોજન તરીકે આરોગે છે. યુરોપિયન યુનિયનમાં સનફિશ માછલીનો શિકાર કરવા પર તેમજ તેનું વેચાણ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરિયામાં રહેતી સનફિશ લગભગ દસ વર્ષ સુધી જીવિત રહે છે. જોકે હજી ચોક્કસ રીતે તેમનો જીવનકાળ નક્કી થયો નથી. તેમનો વૃદ્ધિ દર પણ અનિશ્ચિત હોય છે.

[email protected]