One year of Pulwama attack: family members remain unhappy
  • Home
  • Featured
  • પુલવામા હુમલાને એક વર્ષ : પરિવારજનોમાં નારાજગી યથાવત્ 

પુલવામા હુમલાને એક વર્ષ : પરિવારજનોમાં નારાજગી યથાવત્ 

 | 5:37 am IST

પુલવામા હુમલાને એક વર્ષ પૂરં થઈ ગયું છે. જ્યારે આ ઘટના બની ત્યારે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો દ્વારા શહીદોના પરિવારજનોને મદદ કરવાની, શહીદોની યાદગીરી માટે કામ કરવાની મોટી મોટી બાંગો પોકારવામાં આવી હતી પણ આ બાંગો સાવ પોકળ હતી. આજે એક વર્ષે પણ મોટાભાગના શહીદોના પરિવારજનોને સરકારી સહાય મળી નથી અને જે વાયદા વાહવાહી મેળવવા કરવામાં આવ્યા હતા તે પૂરા થયા નથી. ભાગલપુર જિલ્લાના રતનગંજના રહેવાસી શહીદ જવાન રતન ઠાકુરની યાદગીરીમાં શહીદ સ્મારક બનાવવાની જાહેરાત સરકારે કરી હતી જે પૂરી નથી થઈ જેથી ગ્રામજનો હવે પોતાની રીતે સ્મારક બનાવશે એવી ચર્ચાએ જોર પકડયું છે. જે સહાયતાની જાહેરાત કરાઈ હતી તે અપાઈ છતાં ઘણા વાયદા સરકારે હજી પૂરી કર્યા નથી. શહીદ રતનના પિતા રામ ઠાકુરે જણાવ્યું કે, એક ખાનગી સંસ્થા દ્વારા મારા પૌત્રોને સારી શિક્ષણ વ્યવસ્થા પૂરી પાડવાનું કહેવાયું હતું જે હજી થયું નથી. સરકાર જે રીતે આ કેસમાં તપાસ કરી રહી છે તે પણ યોગ્ય નથી. અમને વળતર મળી ગયું છે છતાં સરકારના વલણથી પૂર્ણ સંતોષ નથી.

આંતકીઓ સામે કડક કાર્યવાહીની શહીદ પરિવારની માગ

પુલવામા આતંકી હુમલાના એક વર્ષ બાદ શહીદ માનેશ્વર બાસુમુતારીના પરિવારજનોએ સરકાર ઘૂસણખોરો સામે કડક પગલાં ભરે એવી આશા વ્યક્ત કરી છે. શહીદના પત્ની સંમતિએ જણાવ્યું હતું કે તેણે તેનો પતિ ગુમાવ્યો એ બાદ રાજ્ય સરકારે તેના પરિવારને ૨૦ લાખ રૂપિયાની સહાય કરી છે. રાજ્ય સરકારે મારી દીકરી દિવમશ્રીને પ્રવાસન વિભાગમાં નોકરી પણ આપી છે. એ ઉપરાંત બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલના વડા હગ્રામા માહિલરીએ પણ પાંચ લાખની આર્થિક સહાય કરી છે.

પુલવામાના એ ગોઝારો દિવસે શું બન્યું હતું

દેશ જ્યારે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પ્રેમના દિવસની ઉજવણી કરવા થનગની રહ્યો હતો ત્યારે પરોઢિયે સીઆરપીએફનો કાફલો અવંતીપોરાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફની ૭૬મી બટાલિયનના ૪૦ જવાનો શહીદ થઈ ગયા હતા અને ૨૦થી વધુને ઈજા થઈ હતી. આ કાફલો સવારે ૩.૩૦ કલાકે જઈ રહ્યો હતો ત્યારે એક આતંકવાદીએ વિસ્ફોટકો ભરેલી કાર અથડાવી હતી.

ટ્વિટ

દેશના શહીદ જવાનોને સમગ્ર દેશના શત શત વંદન. જવાનો ઉપર હુમલો કરનારા લોકોને અને તેમના આકાઓને ભોગવવું પડશે. આ હુમલાનો આકરો જવાબ આપવામાં આવશે. ભારતની શાંતિ, વિકાસ અને સમૃદ્ધિને કોઈ તાકાત અટકાવી શકે તેમ નથી.

  • નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

પુલવામા હુમલાને પગલે ભારત અને અમેરિકાનું આતંકવાદ વિરોધી જોડાણ વધુ મજબૂત બનશે અને આતંક ઉપર પ્રહાર વધશે.

  • ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી પ્રમુખ

પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાં એકલું પાડી દીધું 

પુલવામા હુમલા બાદ ભારતે આક્રમક વલણ અપનાવ્યું હતું. સૌથી પહેલાં તો કૂટનીતિક પગલાં લેતા પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો. ત્યારબાદ પાકિસ્તાન ઉપર દબાણ વધારતા પાકિસ્તાનથી આવતી વસ્તુઓ ઉપર ૨૦૦ ટકા જેટલો જકાત વધારી દેવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાન સાથે જોડાયેલી બસ સેવા પણ ભારતે અટકાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન