દેશના ડુંગળીના વાવેતર વિસ્તારમાં થયો  ઘટાડો, ભાવમાં ઉછાળાની શક્યતા - Sandesh
  • Home
  • Business
  • દેશના ડુંગળીના વાવેતર વિસ્તારમાં થયો  ઘટાડો, ભાવમાં ઉછાળાની શક્યતા

દેશના ડુંગળીના વાવેતર વિસ્તારમાં થયો  ઘટાડો, ભાવમાં ઉછાળાની શક્યતા

 | 4:50 pm IST

દેશમાં ડુંગળીનો પાક 4.5 ટકા ઘટીને 2.14 કરોડ ટન ઉતરવાની શક્યતા છે.  વાવેતર વિસ્તારમાં ઘટાડો થવાને કારણે પાક ઓછો ઉતરે તેવી ગણતરી મુકાઈ છે.

કૃષિમંત્રાલયે ગઈકાલે મંગળવારે જાહેર કરેલી આંકડાકીય માહિતીમાં આ મુજબ જણાવવામાં આવ્યં છે.  અગાઉના કૃષિ વર્ષ 2016-17માં દેશમાં 2.24 કરોડ ટન ડુંગળીનો પાક ઉતર્યો હતો.  મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા પ્રથમ એડ્વાન્સ અંદાજ પ્રમાણે ડુંગળીનો વાવેતર વિસ્તાર ઘટી 11.9 લાખ હેક્ટર થયું છે. આ વિસ્તાર અગાઉના  વર્ષ માટે 13 લાખ હેક્ટર જમીન હતું.

ઘરઆંગણે પુરવઠો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે અને કિંમતમાં વધારાને કાબુમાં રાખી શકાય તે માટે સરકારે ડુંગળીમાં  ટન દીઠ 850 ડોલરનો લઘુતમ નિકાસ ભાવ જાહેર કર્યો છે. આ ભાવ આગામી 20 જાન્યુઆરી સુધી દેશમાંથી જતા શિપમેન્ટ માટે  અમલમાં રહેશે.  અન્ય મહત્વના શાકમાં ટામેટાં અને બટાટાનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીએ સારું રહેવાની ધારણા છે.

ચાલુ વર્ષે ટામેટાંનું ઉત્પાદન 2.23 કરોડ ટન રહેવાની સંભાવના છે જે પાછલા વર્ષે વાસ્તવમાં 2.07 કરોડ ટન હતું. આ વર્ષે શાકભાજીનું કુલ ઉત્પાદન 18.068 કરોડ ટનની આસપાસ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે જે પાછલા વર્ષે 17.817 કરોડ ટન હતું.

પ્રારંભિક આંકડા અનુસાર, 2017-18માં બટાટાનું ઉત્પાદન 4.93 કરોડ ટન અંદાજવામાં આવ્યું છે કે જેની સામે 2016-17માં 4.86 કરોડ ટનનું વાસ્તવિક ઉત્પાદન નોંધાયું હતું.