ભારતમાં માત્ર ૫.૭૫ % હવા ચોખ્ખી છે, એન્વાયરમેન્ટ પર્ફોમર્સ ઇન્ડેક્સમાં આપણે ૧૭૭માં ક્રમાંકે - Sandesh
  • Home
  • Health & Fitness
  • ભારતમાં માત્ર ૫.૭૫ % હવા ચોખ્ખી છે, એન્વાયરમેન્ટ પર્ફોમર્સ ઇન્ડેક્સમાં આપણે ૧૭૭માં ક્રમાંકે

ભારતમાં માત્ર ૫.૭૫ % હવા ચોખ્ખી છે, એન્વાયરમેન્ટ પર્ફોમર્સ ઇન્ડેક્સમાં આપણે ૧૭૭માં ક્રમાંકે

 | 3:38 am IST

દુનિયાનાં સૌથી પ્રદૂષિત શહેર તરીકે દેશની રાજધાની દિલ્હીનું નામ આવતાં બધા ચોંકી ઊઠયા છે. પ્રદૂષણના મામલાને આપણે એટલી સાહજિકતાથી લીધો છે કે તેના ગંભીર પરિણામો હવે જ્યારે સામે આવ્યાં છે ત્યારે આપણે દોડધામ કરી રહ્યાં છે. આપણે આપણી આજુબાજુની જમીન, જળ અને વાયુને એટલાં પ્રદૂષિત કરી દીધાં છે કે હવે આપણે જ્યાં રહીએ છે તે જગ્યા રહેવા માટે સલામત રહી નથી. દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે જાહેર થયું છે. પરંતુ આપણો આખો દેશ અત્યારે કેટલો પ્રદૂષિત છે તે અંગેની વિગતો જાણીએ તો ચોંકી જવાય તેમ છે.

એન્વાયરમેન્ટ પર્ફોમર્સ ઇન્ડેક્સ દુનિયાનાં દેશોને અપાયો છે તેમાં ભારત ૧૭૭મા ક્રમાંકે છે. આપણા દેશની હવા માત્ર ૫.૭૫ ટકા જ શુદ્ધ છે. સ્વાસ્થ્યનાં નિયમો અનુસાર આપણે ૧૦૦ ટકા શુદ્ધ હવા લઇએ તો આપણે સ્વસ્થ રહી શકીએ તેમ છે. આ સંજોગોમાં હવે આપણે વિચારવાનું છે કે જો આપણને ૯૪ ટકા અશુદ્ધ હવા શ્વાસમાં લઇએ છે તો આપણા શરીરની હાલત શું થવાની છે.

અત્યારે આપણે જોઇ રહ્યાં છે કે દેશમાંથી સારું કમાવવા અને ઉચ્ચ શિક્ષણ લેવા નાગરિકો અને વિદ્યાર્થીઓ વિદેશમાં જઇ રહ્યાં છે. પરંતુ હવે એ સમય દૂર નથી કે ચોખ્ખી હવા લેવા એટલે કે શરીર સ્વસ્થ રાખવા પણ ભારતના નાગરિકો બીજા દેશમાં  જવા માંડશે તો નવાઇ નહીં. કારણ એ જ છે કે આપણા દેશની હવા માત્ર ૫.૭૫ ટકા શુદ્ધ છે. એની સામે દુનિયામાં ૧૦૦ ટકા શુદ્ધ હવા અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે. એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ આપવા માટે દુનિયાભરનાં દેશોનો સરવે કરાયો તેમાં ઓસ્ટ્રેલિયા દુનિયાનો એવો ખંડ છે કે જ્યાં સૌથી સ્વચ્છ પર્યાવરણ અને હવા મળી રહે છે. ત્યારબાદ સ્વચ્છ પર્યાવરણમાં દુનિયાભરમાં બીજો નંબર બાર્બાડોસનો આવે છે.

કેરેબિયન ટાપુ સમૂહમાં આવેલ બાર્બાડોસમાં પણ હવા ૧૦૦ ટકા શુદ્ધ છે. દુનિયામાં સ્વચ્છ હવા માટે ત્રીજો નંબર જોર્ડનનો છે. ત્યાંનો ઇન્ડેક્સ કોડ ૯૯.૬૧ ટકા છે. ત્યારબાદ કેનેડાનો ચોથો નંબર આવે છે. અમેરિકાના ઉત્તરમાં આવેલ કેનેડામાં હવા ૯૯.૬૧ ટકા સ્વચ્છ છે. જ્યારે સ્વચ્છ હવા અને પર્યાવરણનાં મામલે દુનિયાભરમાં પાંચમો નંબર ડેનમાર્કનો આવે છે. અહીંનો ઇનવાઇરન્મન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ સ્કોર ૯૯.૬૮ ટકા છે. ભારતનો ક્રમાંક આ દેશોની સરખામણીમાં ૧૭૭ પર આવે છે. કારણ કે ભારતનો ઇન્ડેક્સ સ્કોર માત્ર ૫.૭૫ ટકા છે.

આ આંકડાંઓ પરથી આપણને આપણી સરકાર અને તંત્ર પર શરમ આવી રહી છે. દેશની હવા જીવવાલાયક નથી તેવું દુનિયાનાં વૈજ્ઞા।નિકો કહી રહ્યાં છે અને આપણી સરકારનાં પેટનું પાણી પણ હાલતું નથી. ભારતનું પર્યાવરણ એકાએક બગડયું નથી. વર્ષોથી દુનિયાના વૈજ્ઞા।નિકો અને દુનિયાનાં પ્રદૂષણ પર નજર રાખતી સંસ્થાઓ ગાઇ-વગાડીને ભારતમાં વધતાં જતાં પ્રદૂષણ અંગે આંકડાઓ આપી રહ્યાં છે. પરંતુ આપણે તેના પર ધ્યાન આપ્યું જ નહીં.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૨૦૧૮માં દુનિયાભરનાં ૫૦૦ સૌથી વધારે પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડી હતી. તેમાં ટોપનાં સૌથી વધુ ૧૧ શહેરોમાંથી ૧૦  પ્રદૂષિત શહેરો ભારતનાં હતાં. ઉઁર્ંએ દુનિયાનાં ૯૧ દેશોનાં ૨૭૦૦ શહેરોની એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦૮ થી ૨૦૧૭ દરમિયાન ચેક કર્યો હતો અને જે આંકડાં જાહેર કર્યાં હતાં. તેમાં દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે કાનપુરને જાહેર કરાયું હતું.

અત્યારે દુનિયાનાં પ્રદૂષિત શહેરોમાં દિલ્હીનું નામ આવ્યું છે પરંતુ ૨૦૧૬માં જે આંકડાંઓ જાહેર થયાં હતાં તેમાં કાનપુર નંબર વન પર હતું અને ત્યાં પ્રદૂષણનો ઇન્ડેક્સ ૩૧૯ હતો. ત્યારબાદ ફરીદાબાદ, ગયા, વારાણસી, પટના, દિલ્હી અને લખનઉનો નંબર હતો. દુનિયાનાં સૌથી પ્રદૂષિત શહેરને આઠમા નંબરે કેમરુનનાં બામેન્ડા શહેરનું નામ હતું. ત્યારબાદ નવમા ક્રમે પાછું ભારતનું આગ્રા, દસમા ક્રમે ગુરુગ્રામ અને અગિયારમાં ક્રમે મુઝફ્ફરપુરનો નંબર હતો.

આ હકીકતો ચીસો પાડીને આપણને કહી રહી છે કે પ્રદૂષણ માટે આપણે અને આપણા દેશની સરકાર કેટલી લાપરવાહ છે. પ્રદૂષણને ઓછું કરવા આપણી સરકારોએ કોઇ ખાસ પગલાં નથી કે ઇચ્છાશક્તિ બતાવી નથી એ વાતનો પુરાવો એ છે કે આજે આપણે દુનિયામાં પ્રદૂષિત દેશ તરીકે ૧૭૭મા ક્રમાંકે છીએ. હાલમાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હીનાં પ્રદૂષણથી ચોંકી જઇને કેન્દ્ર સરકારને કહ્યું છે કે, એ જાણકારી મેળવે કે પ્રદૂષણ ઓછું કરવા માટે જાપાનની હાઇડ્રોજન આધારિત ટેક્નોલોજી કેટલી અસરકારક છે.

બુધવારે દિલ્હીનાં પ્રદૂષણનાં મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે શોલિસીટર જનરલ તુષાર મહેતાએ જાપાનને હાઇડ્રોજન ટેક્નોલોજીની મદદથી કંઇ રીતે પ્રદૂષણ પર અંકુશ મેળવ્યો છે તેના કેટલાંક પોઇન્ટ મૂક્યાં હતાં અને કોર્ટને કહ્યું હતું કે જો હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત ટેક્નોલોજીનો જો દિલ્હીમાં અમલ કરવામાં આવે તો પ્રદૂષણથી હંમેશા માટે છૂટકારો મળી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટે ૩ ડિસેમ્બર સુધીનો કેન્દ્ર સરકારને સમય આપ્યો છે અને જાપાનની  ટેક્નોલોજી અંગે અભ્યાસ કરવા જણાવ્યું છે.

દિલ્હીમાં જેમ પ્રદૂષણની સમસ્યા છે તેમજ જાપાન પણ પ્રદૂષણની સમસ્યાથી પીડાતું હતું. આ સમસ્યા દૂર કરવા માટે વાહનોમાં પેટ્રોલ-ડીઝલને બદલે હાઇડ્રોજન ગેસનો ઉપયોગ શરૂ કર્યો છે. પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ વાહનોમાં કરવાથી કાર્બન ડાયોક્સાઇડના ધુમાડા ઉત્પન્ન થાય છે. જ્યારે હાઇડ્રોજન ગેસનો ફ્યુઅલ તરીકે વાહનોમાં ઉપયોગ કરવાથી બાયોપ્રોડક્ટ તરીકે પાણી નીકળે છે જે પ્રદૂષણને કોઇ નુકસાનકારક નથી. આથી જાપાનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વાહનોમાં ફરજિયાતપણે હાઇડ્રોજન ગેસનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે અને હવે પ્રાઇવેટ કારમાં પણ હાઇડ્રોજન ગેસનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આ કારણે જાપાનમાં પ્રદૂષણનું સ્તર ઘણું ઓછું થયું છે. જાપાનની આ સફળતા બાદ ચીન અને જર્મની જેવા દેશોએ પણ હાઇડ્રોજન ફ્યુઅલનો વપરાશ શરૂ કર્યો છે. પ્રદૂષણનો સામનો કરવા માટે જાપાનમાં ઘણાં બધા રિસર્ચ થઇ રહ્યાં છે. જાપાનની સ્થાનિક સરકારે ખાસ હાઇડ્રોજન ટાઉન બનાવ્યાં છે. આ શહેરોમાં ફરતાં વાહનોમાં માત્ર હાઇડ્રોજન ગેસ વપરાઇ રહ્યો છે. જાપાનનું એક શહેર કિટાકિયુસુ હાઇડ્રોજન ટાઉન તરીકે જાહેર કરાયું છે. આ શહેરમાં પાઇપલાઇન દ્વારા હાઇડ્રોજન પાવર સપ્લાય ઘરોમાં અને ઇન્ડસ્ટ્રિઅલ એરિયામાં કરાઇ રહ્યો છે.  આજ રીતે જાપાનના એક બીજા શહેર કાવાસાકીમાં પ્રદૂષણ ઓછું કરવા માટે જાપાનનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ભારતમાં આ દિશામાં શું થઇ રહ્યું છે તેની જાણ માત્ર સરકારને છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન