માત્ર દેવાંમાફીથી દેશના ખેડૂતોનું સંકટ ટળવાનું નથી - Sandesh
  • Home
  • Columnist
  • માત્ર દેવાંમાફીથી દેશના ખેડૂતોનું સંકટ ટળવાનું નથી

માત્ર દેવાંમાફીથી દેશના ખેડૂતોનું સંકટ ટળવાનું નથી

 | 1:19 am IST

ટૂ ધ પોઈન્ટ :- યોગેન્દ્ર યાદવ

ઘણા સમય પછી ખેડૂત મંચ પર બેઠો છે. ઘણાં વર્ષો પછી અખબારો અને ટીવી સમાચારોમાં ખેડૂત દેખાવા લાગ્યો છે. બધા એ રીતે જોઈ રહ્યાં છે કે જાણે ગામના મેળામાં રીંછ આવી ગયું હોય. કોઈ મદારી તેનો ખેલ કરવાની તૈયારી કરી રહ્યો છે, કોઈ તેને વાંસથી વિતાડી રહ્યું છે, કોઈ તેને ટોપી પહેરાવી રહ્યા છે. રાષ્ટ્રીય મંચ પર બેઠેલા ખેડૂતના આ હાલ છે.  રાજ્યોમાં સત્તા ખેડૂતને લોલીપોપ આપીને રાજી કરી રહી છે, વિરોધપક્ષ તે બહાને પોતાની દુકાન સજાવી રહ્યા છે.

જ્યારથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢનાં ચૂંટણીપરિણામ આવ્યાં છે ત્યારથી તમામ સરકારોને જાણે કે સાપ સૂંઘી ગયો છે. જે વાત ચાર વર્ષ સુધી ના સમજાઈ તે હવે ચાર દિવસમાં સમજાઈ ગઈ છે. ખુરશી હાલકડોલક થતાં જ સચ્ચાઈ દેખાવા માંડી કે ખેડૂત દુઃખી છે, નારાજ છે. પહેલી વાર એવી સંભાવના બની છે કે દેશની ચૂંટણી ગામડાં, ખેતી અને ખેડૂતને મુદ્દે લડાશે.

ચોમેર દેવાંમાફીની બોલબાલા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં શપથ લેતાં જ શરમાશરમી દેવાંમાફીની જાહેરાત કરવી પડી. બીજી તરફ આસામમાં ભાજપ સરકાર આંશિક દેવાંમાફી જાહેર કરી રહી છે તો ઓડિશામાં ભાજપ આગામી ચૂંટણીમાં દેવાંમાફીનું વચન આપે છે. ગુજરાત સરકાર ખેડૂતોનાં વીજબિલ માફ કરી રહી છે તો હરિયાણા સરકાર ખેડૂતોને પેન્શન આપવા વિચારે છે. ઓડિશા સરકારે તેલંગણાનાં ધોરણે દરેક ખેડૂતને દરેક મોસમના પાક માટે નિયમિત સહાય આપવાની જાહેરાત કરી છે.

મુશ્કેલી એ છે કે માત્ર દેવાંમાફીથી ખેડૂતોનું સંકટ ટળવાનું નથી. ખેડૂતોને જોઈએ તેમનાં ઉત્પાદનોના ઉચિત ભાવની ગેરંટી. તેમાં દર વર્ષે બજેટનો મોટો ભાગ ખર્ચાશે. કોઈ સરકાર તે આપવા ના માગતી હોવાથી દેવાંમાફીના ડુગડુગિયાનો સહારો લેવાઈ રહ્યો છે.

તજજ્ઞાો પૂછે છે કે ખેડૂતની તમામ સમસ્યા દેવામાફીથી ઉકલી જશે? જાહેર છે કે કોઈ એક જાહેરાત ખેડૂતની સમસ્યાનો રામબાણ ઉપાય નથી, પરંતુ એવું પૂછવામાં નથી આવતું કે દેવાંથી મુક્ત થયા વિના ખેડૂત પોતાના પગ પર ઊભો રહી શકશે? કોઈપણ તે જાણવા પ્રયાસ નથી કરતાં કે ખેડૂત આંદોલને આખરે માગ્યું છે શું? અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિએ સંસદમાં જે બે ખરડા રજૂ કર્યા છે તેને વાંચવાની જહેમત કોઈ નથી લેતું.

રાહુલ ગાંધી પણ ખેડૂતોના ખભે બંધૂક મૂકીને ફાયર કરે છે, કહે છે કે દેશભરમાં ખેડૂતોની દેવાંમાફી નહીં થાય ત્યાંસુધી વડા પ્રધાનને સૂવા નહીં દઉં. પરંતુ પોતાની જાતને નથી પૂછતા કે પંજાબ અને કર્ણાટકમાં તેમની સરકારોએ દેવાંમાફીનાં આપેલાં વચનો હજીસુધી પૂરાં નથી કર્યાં. આવામાં રાહુલ ગાંધી પોતે કઈ રીતે ઊંઘે છે? કોંગ્રેસનાં આક્રમણથી ગભરાયેલા ભાજપને હવે કોઈ રસ્તો નથી સૂઝતો.

આ ઐતિહાસિક ઘડીનો યક્ષપ્રશ્ન એ છે કે શું દાયકાઓ પછી રાષ્ટ્રીય રાજકારણના મંચ સુધી પહોંચેલો ખેડૂત આ વ્યવસ્થા પાસેથી થોડુંક ડિસ્કાઉન્ટ માગીને ઘેર જતો રહેશે? કે પછી ખેડૂત આંદોલન આ ખેડૂતવિરોધી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનની માગ કરશે? વીતેલા દોઢ વર્ષમાં પહેલી વાર દેશના ખેડૂત આંદોલને ભારે એકતા બતાવી છે. પહેલી વાર ખેડૂતઆંદોલન માત્ર વિરોધ નથી કરી રહ્યું પણ વિકલ્પ આપી રહ્યું છે. પહેલી જ વાર ખેડૂતો તરફથી સંસદમાં ખરડો રજૂ થયો છે. તે બંને સૂચિત ખરડામાં ખેડૂતસમસ્યાનાં સમાધાનનાં બીજ પડેલાં છે. પ્રથમ ખરડો ખેડૂતને તેનાં ઉત્પાદનનું ઉચિત મૂલ્ય અપાવવાની કાનૂની ગેરંટી આપે છે, જો તે કાયદો બની જશે તો ખેડૂતને દર વર્ષે બજારમાં પાક વેચવા જઈને ખાલી હાથે પાછા નહીં ફરવું પડે. પાક માટે થયેલા ખર્ચથી દોઢી રકમ નહીં મેળવી શકે તો કોર્ટમાં જઈને વળતર મેળવી શકશે. બીજો ખરડો ખેડૂતોને સંપૂર્ણ દેવાંમુક્ત કરવાની વ્યવસ્થા કરે છે, જો તે વિધેયક કાયદો બની જશે તો ખેડૂતોનું સંપૂર્ણ દેવું એક ઝાટકે ખતમ થઈ જશે અને ખેડૂત ભવિષ્યમાં દેવાંમાં ના ડૂબે તેની પાકી વ્યવસ્થા થશે.

ખેડૂતનું રટણ કરી રહેલી રાજ્ય સરકારો અને પક્ષની નીયત સમજવી હોય તો બસ આટલું જોતાં રહો. શું સંસદનાં આ સત્રમાં બંને ખરડાને કાયદો બનાવવામાં આવશે? કે પછી ખેડૂતને ફરી એક વાર સસ્તામાં જ નિપટાવી દેવાશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન