માત્ર ધર્મગુરુ અને રાજકારણીઓ કેમ વધુ ગાળો ખાય છે?  - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • માત્ર ધર્મગુરુ અને રાજકારણીઓ કેમ વધુ ગાળો ખાય છે? 

માત્ર ધર્મગુરુ અને રાજકારણીઓ કેમ વધુ ગાળો ખાય છે? 

 | 3:22 am IST

અરસપરસ એકેડમીઃ રઈશ મણિયાર

અરજણભાઈએ કાનાભાઈને સવાલ કર્યો, *શું ધર્મગુરુઓ, સેલિબ્રિટીઝ અને રાજકારણીઓની કામવાસના વધુ તીવ્ર હોય છે? શું એમનું ચારિત્ર્ય વધુ શિથિલ હોય છે?*

*બહુ મુશ્કેલ સવાલ છે! છતાં જવાબ આપવાનો પ્રયાસ કરું. સાયકોલોજીમાં ‘સબલાઈમેશન’ નામનો એક ડિફેંસ છે. ગુજરાતીમાં એને શમન કહી શકાય. અમુક વ્યક્તિઓ પોતાની અતિશય કામવાસનાનું શમન કરીને એ શક્તિને જુદા પ્રકારની સામાજિક કે જાહેર સક્રિયતામાં ફેરવી નાખે છે. આપણી સંસ્કૃતિમાં તો ઉર્ધ્વગમન એવો શબ્દ પણ છે. વિજ્ઞાાનની દ્રષ્ટિએ પણ જેમનામાં ટેસ્ટેસ્ટેરોનનું પ્રમાણ વધુ હોય એવા પુરુષો વધુ સાહસિક અને તેજસ્વી હોય છે. આજ હોર્મોન વ્યક્તિત્વને કામુક પણ બનાવી શકે અને આજ હોર્મોન વ્યક્તિત્વને કરિશ્માઈ અને ઉમદા પણ બનાવી શકે. તેથી અમુક કિસ્સામાં એમ કહી શકાય કે મહાપુરુષો પોતાની કામવાસનાને નાથીને આગળ આવેલા હોય છે. કેટલાય મહાપુરુષોએ એમની આત્મકથામાં એની કબૂલાત પણ કરી છે.* કાનાભાઈ અટક્યા.

*આ નિયમન સંપૂર્ણ ન હોય તો ભારતના બહુચર્ચિત બાપુ અને સંતો જેવી દશા થાય છે. ખરું ને?* અરજણભાઈએ પૂછયું.

*હા, ઘણીવાર આ શમન સંપૂર્ણ નથી હોતું. માત્ર દમન હોય છે, જે ઉથલો મારે છે. ઘણાં સાધુઓ માટે કિશોરાવસ્થા કે યુવાનાવસ્થામાં લીધેલો નિર્ણય નબળો પુરવાર થાય છે, પરંતુ જાહેર ઈમેજના કારણે તેઓ પાછા પગલા ભરી શકતા નથી. બાહ્ય રીતે સંયમી જીવનનો દેખાવ ચાલુ રાખી અંદરખાને તેઓ ભોગ ભોગવે છે. ઘણીવાર તો ધર્મસ્થળ કે આશ્રમની મર્યાદામાં સ્ત્રીઓ સહજતાથી ઉપલબ્ધ ન હોય, એટલે ઘણાં સાધુઓ સમલિંગી સંબંધો અને બાળરતિ માટે પણ કુખ્યાત છે. જે ધર્મો કે સંપ્રદાયોમાં સંસારી જીવનની છૂટછાટ છે એમાં આવા ભવાડા ઓછા થાય છે!*

અરજણભાઈને કુતૂહલ થયું, *ધર્મનું ક્ષેત્ર આખેઆખું તો આવું નહીં જ હોય! તોય સમગ્ર સાધુ સમાજ પર આજકાલ ખૂબ કાદવ ઉછળે છે!*

*સાવ સાચી વાત છે. કેટલાક સામાન્ય માણસોની જેમ કેટલાક ધર્મગુરુઓ પણ ખરેખર જ સેક્સ વગેરેની લાલચથી મુક્ત હોઈ શકે છે. એમનું બ્રહ્મચર્યનું આચરણ સંપૂર્ણ કે ક્ષતિરહિત હોઈ શકે છે એ સ્વીકારવું રહ્યું. સૌને એક લાકડીએ ન હંકારાય.*

*રાજકારણીઓ માટે પણ એ જ વાત સાચી ને? અત્યારે બંગાળના મુખ્યમંત્રી હારી ગયા ત્યારે ખબર પડી કે એમની પાસે રહેવા માટે ઘર નહોતું અને એ સાયકલ પર ફ્રતા હતા. આવા પણ રાજકારણીઓ હોય છે. (અને એ પાછા હારી ય જાય છે!) સૌને એક કાટલે ન તોલાય.* અરજણભાઈએ સૂર પુરાવ્યો.

*સાવ સાચી વાત છે! પૂર્વગ્રહો અને માન્યતાઓથી જીવન જીવવું એ જીવન જીવવાનો સૌથી હીન પ્રકાર છે. આંખ અને મગજ ખુલ્લા રાખીને જ સહુ કોઈને તોલવા જોઈએ. બાકી પબ્લિક લાઈફ્માં હોય એ બહુ જલદી ઓવરવેલ્યુએટ કે અંડરવેલ્યુએટ થઈ જાય છે.* કાનાભાઈએ કહ્યું.

*મને વિચાર એમ આવે છે કે આમ તો દેશમાં અને દુનિયામાં કોઈ દૂધે ધોયેલું નથી તો ય પાપલીલા બહાર આવે ત્યારે માત્ર ધર્મગુરુ અને રાજકારણીઓ કેમ વધુ ગાળો ખાય છે? બિલ ક્લીંટનની કેટલી બદનામી થઈ? સામાન્ય માણસે એના જેવું કર્યું હોત તો એને આટલું નુકસાન થયું હોત?*

*એનું કારણ છે! એક તો, આમે ય, ધર્મગુરુઓ અને રાજકારણીઓ એમની પબ્લિક ઈમેજ વિશે વધુ પડતી સાવધાની રાખે છે. જલદી પકડાતાં નથી. ધર્મગુરુઓ પાસે અને રાજકારણીઓ પાસે ચમચાઓ અને સેવકોનું તંત્ર હોય છે, ઘણીવાર તેઓ પોતાની પાપલીલા છુપાવી શકે છે!*

*સાચું?*

કાનાભાઇ બોલ્યા, *વળી, પાપલીલા બહાર આવવાનો ડર હોય ત્યારે ધાકધમકી કે શામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને ક્યારેક એને દબાવી પણ શકે છે!*

*તેથી આ લીલા જ્યારે ખરેખર બહાર આવી જ જાય છે ત્યારે લોકોને ખ્યાલ આવી જાય છે કે આ અસત્ય નહીં જ હોય. ધુમાડો છે તો આગ હશે જ.*

 

*એમની સામે ખરેખરો કેસ તો ચાલે ત્યારે ચાલે, પણ મીડિયા ટ્રાયલ અને પબ્લિક ટ્રાયલ પહેલા જ ચાલુ થઈ જાય છે. જાણીતા લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં સપડાય ત્યારે તેઓ પ્રસિદ્ધિની બહુ મોટી કિંમત ચૂકવે છે. કારણ એ જ કે નેતાઓ અને સંતો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. લોકો તેમના પર વિશ્વાસ મૂકે છે. માણસો ધર્મગુરુને પોતાના મનની કે આત્માની સત્તા સોંપે છે, બીજાને પોતાના દેશની, પોતાના સાર્વજનિક ધનની અને પોતાની સામૂહિક આઈડેન્ટિટીની સત્તા સોંપે છે. સેલિબ્રિટીને પણ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હોય છે. સલમાન જેવા અદાકારની પાસે એલફેલ વર્તન તો શું, શાહરુખ જેવા અદાકાર પાસે એલફેલ વિધાન પણ તેઓ ચલાવી લેતા નથી. એની સામે કમાલખાન નામનો ઓછો જાણીતો કલાકાર કંઈ પણ બકવાસ કરે લોકો લક્ષમાં લેતા નથી.*

*હા, મેં એ જોયું છે કે દેશભરમાં વિખ્યાત એવા આ સાધુની બદનામી વધુ થઈ. એની સામે ગુજરાતના પેલા યુવાન નેતાની વીડિયો ફ્રતી થઈ તો એમની બદનામી ઓછી થઈ.*

કાનાભાઈ જવાબ આપ્યો, *જેમના પર વધુ વિશ્વાસ મૂક્યો હોય, એ વિશ્વાસ તોડે ત્યારે વધુ આઘાત લાગે. તેથી સમાજનો રોષ પણ તીવ્ર હોય અને ઈવન કાયદો પણ દાખલો બેસાડવા માટે કડક વલણ ધારણ કરે છે. તમે વાત કરો છો એ યુવા નેતાને સમાજે હજુ કંઈ આપી દીધું નહોતું, પણ જે મળી શકે એમ હતું, એનાથી એ વંચિત થઈ ગયા.*

વાતને વિરામ આપતા કાનાભાઈએ શાયરી સંભળાવી

સુગંધ પુષ્પની પામી લે એને અડક્યા સિવાય

નિકટ જશે તો કશું નહીં મળે ઉઝરડા સિવાય

મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો

કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય

([email protected])