વિપક્ષ તરીકે કોંગ્રેસ સાવ નિષ્ફળ સાબિત થઈ - Sandesh
  • Home
  • Columnist
  • વિપક્ષ તરીકે કોંગ્રેસ સાવ નિષ્ફળ સાબિત થઈ

વિપક્ષ તરીકે કોંગ્રેસ સાવ નિષ્ફળ સાબિત થઈ

 | 2:49 am IST

કરન્ટ અફેર : આર.કે. સિંહા

કોંગ્રેસના ટોચના નેતાઓને લાગે છે કે, તેમનો જન્મ જ સરકાર ચલાવવા માટે થયો છે. તેના કારણે તેઓ વિપક્ષમાં આવીને પરેશાન રહે છે. તેમને વિપક્ષમાં રહેવામાં મુશ્કેલી પડી રહી છે. દેશની જનતા આ બધું સુપેરે જાણે છે. (પેટા)

ભારત જેવી વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં સક્રિય અને જવાબદાર વિપક્ષની હાજરી અત્યંત જરૂરી છે. સ્વાભાવિક છે કે, જવાબદાર વિપક્ષ પાસેથી લોકોની અપેક્ષા એ હોય છે કે, તેઓ સરકારને જવાબદારીપૂર્વક સવાલો કરી શકે અને સાચી પરિસ્થિતિ બહાર આવતી રહે. તેઓ સરકારી કામકાજ અંગે પોતાનો નિષ્પક્ષ અભિપ્રાય આપે તે પણ એટલું જ જરૂરી છે. સરકાર દ્વારા લોકવિરોધી કોઈ નિર્ણય લેવામાં આવે તો તેનો તેઓ વિરોધ કરે અને સરકારની કલ્યાણકારી અને રાષ્ટ્રહિતની યોજનાઓને વધાવે પણ ખરો. આવો સશક્ત વિપક્ષ લોકો ઇચ્છતા હોય છે. કોંગ્રેસ લોકશાહીની આ પ્રક્રિયાને સમજવામાં થાપ ખાઈ ગઈ છે. હાલમાં તેને વિપક્ષી ધર્મનું પાલન કરવામાં અત્યંત મુશ્કેલી પડી રહી છે. તેને લાગે છે કે, વિપક્ષનું કામ માત્ર સરકારનો વિરોધ કરવાનું જ હોય છે. કોંગ્રેસની આ પ્રકારની નકારાત્મક કામગીરીના માત્ર બે ઉદાહરણ ઉપર નજર કરવા જેવી છે. જ્યાં એક તરફ સરકારના જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ દૂર કરવાના નિર્ણયને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે ત્યાં કોંગ્રેસ દેશહિતને ભૂલીને સરકારની ટીકા કરવામાં વ્યસ્ત છે. તેના કારણે તેમને તો નીચાજોણું થયું જ છે સાથે સાથે પક્ષમાં પણ વિદ્રોહ થયો અને બે ફાંટા પડી ગયા તે નફાનું.

કોંગ્રેસના મધ્ય પ્રદેશના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, હરિયાણાના દીપેન્દ્ર હુડા, મહારાષ્ટ્રના મિલિંદ દેવડાથી માંડીને જનાર્દન દ્વિવેદી જેવા નેતાઓ કોંગ્રેસનો વિરોધ કરીને સરકારની સાથે ઊભા છે. દીપેન્દ્ર હુડાએ તો આ મુદ્દે જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં આવી બાબતોને કોઈ સ્થાન જ નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આર્ટિકલ ૩૭૦ના મુદ્દાને લિબરલ અને કટ્ટરની ચર્ચામાં અટવાઈ દેવાયો છે. પાર્ટીઓએ પોતાના વૈચારિક મતભેદોને સાઇડલાઇન કરીને ભારતની સંપ્રભુતા, કાશ્મીરની શાંતિ અને યુવાઓના રોજગાર તથા કાશ્મીરી પંડિતોને ન્યાય મળવા અંગે પણ વિચાર કરવો જોઈએ. સ્વાભાવિક છે કે, તમે દેશની જનતાની ભાવનાઓથી વિપરીત ચાલો તો પાર્ટીમાં વિરોધના સ્વર છેડાવાના જ છે. કોંગ્રેસમાં હાલમાં આ જ સ્થિતિ છે. તેણે કાશ્મીર મુદ્દે સરકારનું સમર્થન કરવાનું હતું. નહેરુ દ્વારા કાશ્મીરની ભૂલ કરાઈ હતી તે સ્વીકારવામાં તેમનો વાંધો છે શું?

બીજું ઉદાહરણ પણ એવું જ કંઈક છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને દેશના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહ દેશના અર્થવ્યવસ્થા અંગે ચિંતિત છે. તેમણે થોડા દિવસ પહેલાં જણાવ્યું કે, અર્થતંત્રની હાલત ખરાબ છે. તેઓ સ્થિતિ જણાવે છે પણ તેઓ આ સ્થિતિ થવા પાછળનું કોઈ કારણ જણાવતા નથી. જાણીતા અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહ એ નથી જણાવતા કે દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ખરાબ છે અને સરકાર તેમાં કેવી રીતે સુધારો કરી શકે છે. માત્ર સરકારની નિંદા કરવી, ટીકા કરવી, તેના કામમાં વાંધા ઉઠાવવા તે જ હવે કોંગ્રેસનો એકમાત્ર ઉદ્દેશ છે. તેના કારણે જ તે અપ્રાસંગિક સાબિત થઈ રહી છે.

કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા એ છે કે, ત્યાં તમામ નિર્ણયો ૧૦ જનપથ ખાતે જ લેવામાં આવે છે. કોંગ્રેસના બાકીના નેતાઓએ હાથ અધ્ધર કરી લીધા છે. તેમને ખ્યાલ છે અને હવે તેઓ અનુભવી રહ્યા છે કે, ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસની કમાન કોઈને સોંપી શકાય તેમ જ નથી. ત્યાં યુવા નેતાઓ માટે પણ ટોચનું સ્થાન ખાલી કરવું કે ઊભું કરવું લગભગ અશક્ય થઈ ગયું છે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને દેશની જનતાએ સાવ ઉખાડીને ફેંકી દીધી હતી. ૧૭ રાજ્યોમાં તેને એકપણ બેઠક મળી નહોતી. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં તેને માત્ર ૧ જ બેઠક મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન અને સુકાન બધું જ છોડી દીધું. ત્યારબાદ કોંગ્રેસમાં ખરો ખેલ શરૂ થયો હતો. નેતાઓ તેમને મનાવવામાં વ્યસ્ત થઈ ગયા કે તેઓ કોંગ્રેસનું સુકાન સંભાળી રાખે. તેઓ માન્યા નહીં. તેમના માતા સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવાયા છે. તેનો સીધો અર્થ એ છે કે, ઘી ઢોળ્યું તોય ખીચડીમાં જ. બધું હરીફરીને ૧૦ જનપથ ખાતે જ આવીને અટકી ગયું.

કોંગ્રેસના આલાકમાનને ખબર છે કે નહીં અથવા તો તેઓ સ્વીકારવા તૈયાર નથી કે, તેમના નેતાઓ જ નહીં કાર્યકર્તાઓ પણ આ ડૂબતા જહાજને છોડીને બીજા પક્ષો તરફ દોડી રહ્યા છે. તેમને હવે કોંગ્રેસમાં કે ત્યાં રહીને પોતાના માટે કોઈ શક્યતાઓ જણાતી નથી. થોડા વર્ષ પહેલાં બિહાર અને ઉત્તર પ્રદેશના નાનકડા ગામમાં પણ કોંગ્રેસનું કાર્યાલય અસ્તિત્વ ધરાવતું હતું. ત્યાં પક્ષના કેટલાક કાર્યકર્તાઓ પણ બેસેલા જોવા મળતા હતા. હવે અહીંયાં કાગડા ઊડે છે. કોંગ્રેસ જે રાજ્યોને પોતાના ગઢ માનતી હતી ત્યાંની પ્રજાએ તેને સંપૂર્ણ જાકારો આપ્યો છે. કોંગ્રેસી નેતાઓમાં પક્ષ છોડવાની હોડ જામી છે. કેટલાક સમય પહેલાં જ તેલંગણામાં કોંગ્રેસના ૧૮માથી ૧૨ ધારાસભ્યોએ પક્ષ છોડી દીધો હતો. કોંગ્રેસી નેતાઓએ એ સમજવું પડશે કે શા માટે ભારતની પ્રજા તેમને નકારી રહી છે. ગત લોકસભા ચૂંટણીમાં તેને માત્ર બાવન બેઠકો મળી હતી જ્યારે ભાજપને ૩૦૩ બેઠકો મળી હતી. ભાજપ સામે તો તેનું કોઈ અસ્તિત્વ જ નથી.

ભારતીય લોકશાહી માટે આ ખતરારૂપ છે કારણ કે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી આજે પોતાનું અસ્તિત્વ ખોઈ ચૂકી છે અને સમાપ્તીની એરણે આવી ગઈ છે. પોતાને ફરીથી સાબિત કરવાનો જુસ્સો જ તેનામાં સમાપ્ત થઈ ગયો છે. કોંગ્રેસ દરેક જગ્યાએ મુશ્કેલીમાં જ છે. રાજસ્થાનમાં તેની સરકાર છે પણ લોકસભામાં તેને ૨૫માંથી એકપણ બેઠક મળી નહીં. મુખ્યમંત્રી અશોક ગેહલોતને ખસેડવાની ચર્ચાઓ ચાલી રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ પાર્ટીની અંદર વિવાદ છે. અહીંયાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ થવાની છે. દિલ્હી કોંગ્રેસમાં પણ શીલા દીક્ષિતના સ્થાને હજી સુધી કોઈ અધ્યક્ષની નિમણૂક થઈ શકી નથી. કોંગ્રેસ સમાપ્તિ તરફ જઈ રહી છે તે મોટો સવાલ નથી પણ સવાલ એ છે કે, તેની નબળાઈઓના કારણે દેશ એક સશક્ત વિપક્ષથી વંચિત થઈ ગયો છે. કોંગ્રેસના ટોચના નેતાઓને લાગે છે કે, તેમનો જન્મ જ સરકાર ચલાવવા માટે થયો છે. તેના કારણે તેઓ વિપક્ષમાં આવીને પરેશાન રહે છે. દેશની જનતા આ બધું સુપેરે જાણે છે. કાશ્મીરથી શરૂ કરીને દેશની કથળતી અર્થવ્યવસ્થા સુધી દરેક મુદ્દે સરકારની ટીકા કરનારી કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવામાં સાવ નિષ્ફળ ગઈ છે તેની જાણ જનતાને છે. ચૂંટણી પહેલાં રાફેલ મુદ્દે દેકારો કરનારા અને સભાઓ ગજવનારા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પરાજય પછી આ મુદ્દે ગણગણાટ પણ કરતા નથી. કોંગ્રેસની આજ વાસ્તવિકતા છે.

(લેખક રાજ્યસભાના સભ્ય છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન