Unjha: Opposition in the BJP against Asaben Patel, who left the Congress
  • Home
  • Gujarat
  • કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આશાબેન પટેલ સામે ભાજપમાં જ ભડકો

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આશાબેન પટેલ સામે ભાજપમાં જ ભડકો

 | 8:33 pm IST

લોકસભાની ચૂંટણીની સાથેસાથે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માથે છે ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આશાબેન પટેલ સામે ભાજપમાં જ ભડકો થયો છે. અને પાર્ટી દ્વારા આશાબેન પટેલ કે પછી કે.સી.પટેલને ટિકિટ આપવાની હિલચાલ સામે ભાજપના જ સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ એક લવાદ સમિતિ રચીને મંગળવારના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રીને કરેલા ઠરાવને આવેદન સ્વરૃપે આપીને જુના અને મૂળ સ્થાનિક ભાજપીને જ ટિકિટ આપવાની માગણી કરી હતી. અન્યથા ભાજપને નુકસાન વેઠવાનો વારો આવશે ની ચીમકી પણ ઉચ્ચારી છે.

ઊંઝા એપીએમસીમાં પૂર્વ ધારાસભ્ય નારણકાકા અને તેમના પુત્ર ગૌરાંગ પટેલના જૂથનો સફાયો કરીને આશાબેન પટેલને કથિત રીતે વિધાનસભામાં અને તેમના જૂથને એપીઅમેસીમાં બેસાડવાના ઘડાયેલો તખ્તો અને ભાજપ પાર્ટીએ મન બનાવી લેતાં ભાજપના વર્ષો જુના પાયાના કાર્યકરો અને અગ્રણીઓમાં ભારે અસંતોષ સાથે રોષ ફાટી નીકળ્યો છે. જેને લઈ ઊંઝા ભાજપમાં ભડકો થયો છે. ભાજપના જુના પાટીદાર આગેવાનો અને કાર્યકરો દ્વારા મંગળવારના રોજ એક સભા ભરીને લવાદ સમિતિ રચવામાં આવી હતી. અને આ સમિતિ દ્વારા ઊંઝા ખાતે આશાબેન પટેલ અને ભાજપના મહામંત્રી કે.સી.પટેલને ટિકિટ આપવાની હિલચાલ સામે વિરોધ દર્શાવીને ઠરાવ કરાયો હતો.

જે ઠરાવને આવેદનપત્ર સ્વરૃપે મહેસાણાના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી બાબુજી ઠાકોરને અપાયો હતો. જેમાં સ્થાનિક કાર્યકરો દ્વારા કે.સી.પટેલે એપીએમસી તોડી હોવાનો તેમજ ઊંઝાના સ્થાનિક અને મૂળ ભાજપીને જ ટિકિટ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથેસાથે આ લવાદ સમિતિને પુછયા વિના ભાજપ જો ટિકિટ આપશે તો તેને નુકસાન વેઠવાનો વારો આવશે ની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. ઉલ્લેખનીય છેકે આશાબેનને લઈ હાલ તો ઊંઝા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે. ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા લાવવામાં આવેલો આ ભૂકંપના આંચકા પાર્ટીને પણ હાલ તો હલાવી રહ્યા હોય તેવુ લાગે છે.

પાર્ટીના સિધ્ધાંતોને ગાળો ભાંડનાર આજે ભાજપમાં
ઊંઝાના કાર્યકરો દ્વારા જિલ્લા ભાજપને અપાયેલા આવેદનપત્રમાં ભૂતકાળમાં કોંગ્રેસમાંથી જીતનાર આશાબેન પટેલ સામે આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યુ છેકે ઊંઝા એપીએમસી પર કબજો જમાવવા હજુ માંડ એક વર્ષ પહેલા જ ભાજપ પાર્ટીના સિધ્ધાંતોને અને નેતૃત્વને અશોભનિય કહી શકાય તેવી ભાષામાં ગાળો દીધી હતી. તેમણે કોંગ્રેસ છોડીને ઊંઝા એપીએમસી માટે નારણકાકા અને તેમના દીકરાનું માથું માંગી લીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન