આખરે પોલીસે નાના પાટેકર સહિત ચાર જણ સામે વિનયભંગનો ગુનો નોંધ્યો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આખરે પોલીસે નાના પાટેકર સહિત ચાર જણ સામે વિનયભંગનો ગુનો નોંધ્યો

આખરે પોલીસે નાના પાટેકર સહિત ચાર જણ સામે વિનયભંગનો ગુનો નોંધ્યો

 | 6:36 pm IST

અભિનેત્રી તનુશ્રી દત્તાની ફરિયાદ પછી મીડિયામાં ચર્ચાના ચકડોળે ચડેલી ‘મી ટુ’ કેમ્પેઇન અને ભારે ઊહાપોહ બાદ આખરે ઓશિવરા પોલીસે અભિનેતા નાના પાટેકર સહિત ચાર જણ સામે બુધવારે મોડી રાતે વિનયભંગનો ગુનો નોંધ્યો હતો.

૨૦૦૮માં આવેલી ફિલ્મ’હોર્ન OK પ્લીઝ’ ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે અનિચ્છનીય રીતે મારી નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો અને મારી સાથે અસભ્ય વર્તન કર્યું હતું, એવી ફરિયાદ તનુશ્રી દત્તાએ કરી હતી. બુધવારે તનુશ્રી દત્તાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમા જઈ ફરિયાદ કરી હતી. એ પછી પાંચ કલાક સુધી પોલીસે તેની પૂછપરછ કરી તેતેનું નિવેદન નોંધ્યું હતું. અભિનેતા નાના પાટેકર સહિત કોરિઓગ્રાફર ગણેશ આચાર્ય, ફિલ્મ નિર્માતા સામી સિદ્દિકી અને દિગ્દર્શક રાકેશ સામંત સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ (છેડતી) અને ૫૦૯ (મહિલાને લજ્જા ઉત્પન્ન થાય એવુ કૃત્ય કરવું.) ગુનો નોંધાયો છે. ઓશિવરા પોલીસે કેસ સંદર્ભે તપાસ ચાલુ કરી છે, પણ કોઇની ધરપકડ કરી નથી.

જો પોલીસે FIR ન લીધી તો પોતે કોર્ટેમાં જશે, એવી ચીમકી તનુશ્રી દત્તાએ તેના વકીલ દ્વારા આપ્યા બાદ પોલીસે તેની FIR નોંધી હતી. તનુશ્રીની ફરિયાદ બાદ રાજ્ય મહિલા આયોગે પણ નાના પાટેકર સહિત અન્ય આરોપીઓને ૧૦ દિવસમાં તેમની બાજુ માંડવા નોટિસ આપી છે.

મહિલા કોંગ્રેસનો ઓશિવરા પોલીસ સ્ટેશન પર મોરચો

#MeToo અભિયાન હેઠળ પોતાના પર થયેલા અત્યાચારને વાચા આપનાર અભિનેત્રી તનુશ્રી દત્તાને સમર્થન આપવા મહિલા કોંગ્રેસની સેંકડો મહિલાઓે અજંતા યાદવની આગેવાની હેઠળ ઓશિવરા પોલીસ સ્ટેશન પર મોરચો લઇ ગઈ હતી. નાના પાટેકર સહિત બધા જ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરાય એવી માગણી અજંતા યાદવે કરી હતી.

આલોક નાથ માનહાનિનો દાવો માંડશેઃ એડ. અશોક સરોગી

વિનિતા નંદાએ ૧૯ વર્ષ બાદ આલોક નાથ સામે ગંભીર આરોપ કર્યા છે, અને એ સંદર્ભે કેટલાક વિવાદાસ્પદ નિવેદન કર્યા છે. તેના પરથી જ સ્પષ્ટ થાય છે કે મારા અસીલ આલોક નાથની ઇમેજ બગાડવા જ આ જાણીજોઈને કરાઈ રહ્યું છે, એમ આલોક નાથના વકીલ એડવોકેટ અશોક સરોગીએ જણાવ્યું હતું. એટલુ જ નહી અમે વિનિતા નંદા સામે માનહાનિનો દાવો કરવાનું પણ વિચારી રહ્યા છીએ, એમ તેમણે વધુમાં કહ્યું હતું.