Other State People Start to leave From Gujarat!
  • Home
  • Featured
  • હિંમતનગરની ઘટનાના પડઘા: પરપ્રાંતીયોમાં ફફડાટ, ગુજરાત છોડી થઇ રહ્યા છે પલાયન!

હિંમતનગરની ઘટનાના પડઘા: પરપ્રાંતીયોમાં ફફડાટ, ગુજરાત છોડી થઇ રહ્યા છે પલાયન!

 | 11:33 am IST

સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યા બાદ રાજ્યમાં ગુજરાતીઓના રોષનો ભોગ પરપ્રાંતીયો બન્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રહેતા ઉત્તર ભારતીયો અને બિહારીઓ પ્રત્યે હિંસાની ઘટનાઓ એકદમ વધી ગઇ છે.

હિંમતનગરની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી છે. રાજ્યભરમાં પરપ્રાંતીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. વર્ષોથી ગુજરાતમાં વસતા પરપ્રાંતીયો લોકો પર હુમલા વધતા કેટલાંક પરિવારો ગુજરાત છોડીને ચાલવા મજબૂર થઇ ગયા છે. હિંસા આચરનારાઓ પર તાત્કાલિક અંકુશ મૂકવાનો આદેશ અપાયો છે. પરપ્રાંતીયો પર હુમલામા અત્યાર સુધીમાં 170 લોકો ઝડપાયા છે.

હિંમતનગરનાં ઢુંઢર ગામ ખાતે સિરામિક ફેકટરીમાં કામ કરાતં 20 વર્ષના બિહારી યુવકે 14 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રાજ્યમાં થોડા સમયથી વધી ગયેલી સગીર અને બાળકીઓ સાથેની ધૃણાસ્પદ ઘટનાના ભારેલા અગ્નિ જેવા ગુસ્સાએ એક અલગ જ દિશામાં આગળ વધવાનું શરૂ કરી દીધું. જેનો શિકાર અનેક નિર્દોષ વ્યક્તિઓ પણ બન્યા છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય તેમજ શહેર સહિતના વિસ્તારોમાં 19 જેટલા બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં સ્થાનિકોના રોષનો ભોગ હિન્દીભાષી બન્યા હોય. જે પૈકી 9 ગુના મહેસાણામાં નોંધાયા, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને 1 વિરમગામ ખાતે નોંધાયો હતો.