Take Care Of Yourself While Taking Care Of Others
  • Home
  • Health & Fitness
  • બીજાનું ધ્યાન રાખતાં રાખતાં તમે કેર ટેકરમાંથી પેશન્ટ તો નથી બની રહ્યા ને?

બીજાનું ધ્યાન રાખતાં રાખતાં તમે કેર ટેકરમાંથી પેશન્ટ તો નથી બની રહ્યા ને?

 | 3:55 am IST

માયા છેલ્લાં ૧૫ વર્ષથી સ્કિઝોફ્રેનિયા નામની ગંભીર માનસિક બીમારીથી પીડાય છે. તેનાં માતા-પિતા વર્ષોથી દવાઓ, ઈલાજ, દુઆ કરી જ રહ્યા છે, પરંતુ માયા પહેલાં જેવી સંપૂર્ણ સારી નથી થઇ શકી. અમુક તકલીફે એની હજુ પણ બાકી છે. દવાઓ ચાલુ હોવા છતાં, તેની તકલીફે વચ્ચે વચ્ચે વધી જાય ત્યારે તે કોઈને પણ મારવા માંડે, ગાળો બોલે, ગુસ્સે થઇ જાય અને જમવાનું પણ ફેંકી દે. તે આવેશમાં જલ્દી આવી જાય અને કોઈવાર આખી રાત પોતે તો નહિ જ ઊંઘે, પણ, તેના મમ્મી-પાપાને પણ ઊંઘવા નહીં દે. તેની મમ્મી તેનું પૂરેપૂરું ધ્યાન રાખે. માયાને દવા સમયસર આપવી, જમાડવી, બહાર આંટો મારવા લઇ જવી, તેને માસિક આવે ત્યારે તેની સંભાળ રાખવી. જાણે કે, તેની મમ્મીની દુનિયા જ માયા. તેમનો દિવસ માયાની સાથે ઊગે અને તેની સાથે જ આથમે. ઘણી વાર તે પોતે જમવાનું ભૂલી જતાં. કોઈવાર તેઓ માયા સૂઈ ગઈ હોય, તેમ છતાં, ઊંઘી નહોતા શકતા. માયાની વધતી જતી બીમારીના લીધે તેમની ચિંતા પણ સતત વધતી જતી. કોઈપણ નવા ડોક્ટર, નવો ઈલાજ કે નવી દવા વિશે જાણ થાય એટલે તેઓ તે અજમાવે. કોઈપણ રીતે માયા વધુ સારી થઇ જાય. ધીમેધીમે, તેમના સ્વભાવમાં પણ ચીડિયાપણું આવી ગયું. કોઈ વાર તે માયા ઉપર પણ ગુસ્સે થવા માંડયા. એક વાર ચક્કર આવીને પડી ગયાં અને તેમને હોસ્પિટલ લઇ જવા પડયાં. તપાસ કર્યા બાદ, ખબર પડી કે તેમને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરનું દબાણ વધી ગયું છે.

નારાયણ કાકા હમણાં હમણાં અચાનક રડવા માંડે, બૂમો પાડે, પોતાનાં દીકરાની ફ્રિયાદ કરે કે તે મને જમવાનું નથી આપતો. દિવસમાં ૩થી ૪ વખત આવું બને. તેમના દીકરા નીરવને અચરજ થતું. હમણાં તો પપ્પાએ નાસ્તો કર્યો અને ના કેમ પાડે છે? નીરવને સમજ નહોતી પડતી કે પપ્પા ભૂલી કેમ જાય છે? જો કોઈ મળવા આવે તો તેની સાથે વર્ષો જૂની વાતો કરે. જૂની બધી વાતો યાદ, પરંતુ આજે અને બે-ત્રણ દિવસ પહેલાં શું કર્યું તે યાદ ના હોય. આથી નીરવ પપ્પાને ડોક્ટરને ત્યાં બતાવવા માટે લઇ ગયો. પપ્પાના મગજના ફેટા પાડવામાં આવ્યા. તેમાંથી ખબર પડી કે મગજના અમુક ભાગમાં લોહી ફ્રતું નથી, આથી તેમણે વાસક્યુલર ડિમેન્શિઆની શરૂઆત થઇ છે. તેમની દવાઓ શરૂ કરવામાં આવી, પરંતુ આ બીમારી ધીમેધીમે વધતી જાય. હવે તેનાં પપ્પા પોતાનાં ઘરનો રસ્તો પણ ભૂલી જાય, આથી સતત તેમની સાથે નીરવે અથવા તેની પત્નીએ રહેવું પડે. દવાઓ લેવાનું ભૂલી જાય. ભૂલથી સવારની દવા બે વાર લેવાઈ જાય. આથી નીરવ પર જવાબદારી વધી ગઈ. યાદ કરીને પપ્પાને રોજ દવા આપવી, જમાડવા, સાંજે ફ્રવા માટે બહાર લઇ જવા તેની જિંદગીની પ્રાથમિકતા થઇ ગઈ. નીરવનું પોતાનું મિત્રવર્તુળ તેનાથી છૂટવા માંડયું. મૂવી જોવા જવાનું, પાર્ટીમાં જવાનું નીરવે બંધ કરી દીધું. સતત પપ્પાની કાળજી લેવી એ જ નીરવનું કામ. અજાણતામાં જ નીરવનું સિગારેટ પીવાનું ધીમેધીમે વધવા માંડયું, તે એકલો રહેવા માંડયો. ઘરમાં પણ તે, બીજા કોઈ જોડે વધુ વાતો નહીં કરે. કોઈવાર ઊંઘમાંથી પણ તે ઝબકીને જાગી જાય! કોઈવાર તે અચાનક, કારણ વગર રડવા માંડે. પપ્પા જો નહીં હોય, તો તેનું શું થશે? તે ચિંતા તેને કોરી ખાવા માંડી..

પોતાના નજીકના વ્યક્તિનું ધ્યાન રાખવું, તેમને સમયસર દવાઓ આપવી, એ દરેક વ્યક્તિની ફ્રજ છે. બીમારી જો ટૂંકા ગાળાની હોય, તો બહુ વાંધો નથી આવતો. પણ, જો નજીકની વ્યક્તિની બીમારી લાંબા સમયની હોય, તો તે તેની કેર લેનાર વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરી શકે છે. આપને ઉપર જોયું, તેમ, નીરવ કે પછી માયાની મમ્મી, બંને પોતાના સંબંધી-સ્નેહીજનનું ખૂબ જ ધ્યાન રાખે છે, પરંતુ આમ કરતાં તેમનું પોતાનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. પણ, તેમને શરૂઆતમાં આ વાતનો અણસાર સુદ્ધાં નથી આવતો. બીમાર વ્યક્તિ, બીમારીમાંથી વધારે સારી કેવી રીતે બને, સતત તેમાં જ તેમનું મન પરોવાયેલું રહે છે. અથવા તો, એવી ખબર પડે કે, તેમની બીમારી હંમેશાં માટે રહેવાની છે અને તેમાં વધારે સુધારાને અવકાશ નથી. તેવી જાણ પણ તેમને ચિંતિત કરી મૂકે છે. પોતે તેમનું આટઆટલું ધ્યાન રાખતા હોય, સમયસર દવાઓ આપતા હોય, તેમ છતાં, અમુક બીમારી વકરી શકે છે. જે તેમની ચિંતામાં ઓર વધારો કરવાનું કામ કરે છે. બને એવું કે, ધીમેધીમે તેઓ પોતાની રોજિંદી લાઈફ્થી અળગાં થઇ જવા માંડે. તેમનાં માટે પોતાના પપ્પા કે દીકરીની કાળજી રાખવી, તેમની જરૂરિયાતો પૂરી કરવી, એ જ તેમની જિંદગી. પોતાનું જીવન કે અન્ય સંબંધો તેમના માટે ગૌણ બની જાય.

સમય આવી રહ્યો છે કે, આપણે, પરિવારના અન્ય સભ્યોએ, કેર ટેકર વ્યક્તિની આ જવાબદારી વહેંચી લેવાની છે. તેમને સમયાંતરે બ્રેક મળતો રહે, તે જરૂરી છે. પોતે, પોતાનું રોજિંદુ જીવન ચાલુ રાખવું, મિત્રોને મળવું, બહાર હરવા ફ્રવા, મૂવી જોવા જવું, વેકેશન પર જવું, તે ચાલુ રાખવાની જરૂર છે. યોગા મેડિટેશન કરો, ચાલવા જાવ, પોતાનો શોખ હોય, તે પણ ચાલુ રાખો. જરૂર પડયે, ડોક્ટરની સલાહ અચૂક લો. પોતાના પણ બ્લડ ટેસ્ટ સમયાંતરે કરાવતા રહો. પોતે કેર ટેકર માંથી, પેશન્ટ ના બની જઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું.

મનોવૃત્તિ :- ડો. નમિતા ગાંજાવાલા

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન