અમારી આર્થિક સ્થિતિ ક્યારે સારી થશે ? - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • અમારી આર્થિક સ્થિતિ ક્યારે સારી થશે ?

અમારી આર્થિક સ્થિતિ ક્યારે સારી થશે ?

 | 3:08 am IST

પ્રશ્ન : નમસ્કાર રાજવીજી, મારી જન્મ તારીખ-૨/૯/૭૦ છે. સમય સવારે ૬:૦૦ વાગે રાજકોટમાં થયો હતો. છેલ્લાં ઘણા વર્ષથી મોટી આર્થિક સ્થિતિ સારી નથી. ક્યારે સારી થશે? તે જણાવશો સર્વ બાધાઓ દૂર થાય તેવા ઉપાય જણાવવા વિનંતી.

– એક બહેન (રાજકોટ)

જવાબ : નમસ્કાર બહેનશ્રી, આપની વિગતો જોતાં આપ બુધવાર, સિંહ રાશિ, ઉ.ફાલ્ગુની નક્ષત્ર (૧), સાધ્ય યોગ, ભાવ કરણ, ભાદરવા સુદ એકમ સિંહ લગ્નમાં જન્મ્યા છો. આપના પ્રશ્નના જવાબમાં (૧) લગ્નમાં મંગળ+સૂર્ય+કેતુ+ચંદ્ર અનુક્રમે સૂક્ષ્મ= અંગારકદોષ, ચં+કે= અંગારકદોષ સૂ+કે= ગ્રહણદોષ, સૂર્ય+ચંદ્ર= અમાસદોષ, ચં+કે= ગ્રહણદોષ નિવારણ અવશ્ય કરાવી લેવું. (૨) ઘરમાં પૂર્વજોની તકલીફ છે તો પાણિયારે આડી વાટનો ઘીનો દીવો સાથે થોડું સાકરવાળું પાણી રાખવું. (૩) અર્ધ કાલસર્પદોષ નિવારણાર્થે નાગ-નાગણીની જોડ લઈ ચંદન ચઢાવી શિવજીના મંદિરે અમાસના દિવસે ચઢાવવું. (૪) દર અમાસના દિવસે ૧ નાળિયેર શિવજીને ચઢાવવું. (૫) શનિવારે શનિદેવના દર્શન કરવા અને ફક્ત શનિવારે જ હનુમાન ચાલીસા કરવા. (૬) શુક્રવારે સાંજે લક્ષ્મીજીને ચાંદીની દીવીમાં આડીવાટનો ગાયનો ઘીનો દીવો કરી સાકરનો અથવા ખીરનો પ્રસાદ ધરાવવો અને શ્રીસૂક્તનો પાઠ કરવો અથવા મહાલક્ષ્મી અષ્ટક ૩ વાર વાંચવું. લાભ થશે.

પ્રશ્ન : નમસ્કાર રાજવીબેન, મારી જન્મ તારીખ-૧૦/૯/૮૯ છે. સમય રાત્રે ૩:૫૦ વાગે, સ્થળ અમદાવાદ છે. મારા લગ્ન ક્યારે થશે? અને મને કઈ રાશિ સાથે અનુકૂળ આવશે તે વિશે જણાવશો.

– લિ. એક યુવતી

જવાબ : નમસ્કાર બહેનશ્રી, આપની વિગતો જોતાં આપ રવિવાર, ધન રાશિ, મૂળ નક્ષત્ર (૪), આયુષ્યમાન યોગ, કૌલવ કરણ, ભાદરવા સુદ નોમ, કર્ક લગ્નમાં જન્મ્યા છો. જવાબમાં (૧) બીજ સ્થાનમાં થતો સૂર્ય+ કેતુ= ગ્રહણદોષ નિવારણ કરાવવું. (૨) ચંદ્ર+શનિ= વિષદોષ નિવારણ કરાવવું. (૩) મેષ રાશિ, તુલા રાશિ સાથે વધારે યોગ્ય ગણાય. (૪) હું લખું છું ત્યાં સુધી આપના વેવિશાળ થઈ ગયા હોય તો પણ ઉપરોક્ત વિધિ કરાવવી યોગ્ય રહેશે અને ન થયા હોય તો (૫) ‘દુર્ગા સપ્તશતી’નો નિયમિત પાઠ કરવો. લાભ થશે. (૬) મૂળ નક્ષત્રની ખાસ વિધિ કરાવવી.

પ્રશ્ન : નમસ્કાર રાજવીબેન, મારા ભાઈની જન્મ તારીખ- ૧૦/૧/૭૯, જન્મ સમય ૬:૨૫ વાગ્યાનો છે, અને જન્મ સ્થળ અમદાવાદ છે. મારા ભાઈનો વિવાહયોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે લગ્ન થશે? કૃપા કરીને પ્રશ્નનો જવાબ આપવા વિનંતી.

– એક યુવતી

– નમસ્કાર બહેન આપનાં ભાઈની વિગતો જોતાં તે બુધવાર, વૃષભ રાશિ, રોહિણી નક્ષત્ર (૩) શુકલ યોગ, બાલવકરણ, પોષ સુદ બારસ, ધનુ લગ્નમાં થયો છે. જવાબમાં (૧) લગ્નમાં થતાં દોષો સૂર્ય+મંગળ= અંગારક દોષ નિવારણ કરાવવું. (૨) ભાગ્યમાં થતાં શનિ+રાહુ= શ્રાપિતદોષ નિવારણ કરાવવું. (૩) ઘરમાં પૂર્વજોની તકલીફ હોવાથી લગ્નમાં વિલંબ થાય છે. પાણિયારે આડીવાટનો ઘીનો દીવો કરી સાકરવાળું પાણી ધરાવવું. (૪) બુધવારે ગણપતિજીને બુંદીનાં લાડુ ધરાવવા. (૫) ચાણોદમાં જઈ નારાયણબલિ કરાવવી. સંકલ્પ લગ્નનો લેવો. (૬) મીન રાશિ, કન્યા રાશિ વધારે શુભ રહે.

પ્રશ્ન : નમસ્કાર બહેન, મારી જન્મ તારીખ- ૨/૧/૯૪ સમય બપોરે ૧૧:૪૨ વાગ્યાનો છે, જન્મ સ્થળ છાણી/બરોડા છે. મારા લગ્ન ક્યારે થશે ? તે જણાવશો.

– એક ભાઈ(વડોદરા)

જવાબ : ભાઈશ્રી આપની વિગતો જોતાં આપ રવિવાર, સિંહ રાશિ, મધા નક્ષત્ર (૪) આયુષ્યમાન યોગ, તૈતુલકરણ, માગશર વદ પાંચમ. મીન લગ્નમાં જન્મ્યા છો. જવાબમાં (૧) મંગળ+સૂર્ય= અંગારક દોષ નિવારણ કરાવવું. (૨) શનિદેવના દર્શન શનિવારે કરવાના રાખવા. (૩) ‘દુર્ગા સપ્તશતી’નો પાઠ નિયમિત કરવો. (૪) ગુરુવારે વિષ્ણુ-લક્ષ્મીના મંદિરમાં જઈને વિષ્ણુને કલગી (જે ચહેરા પર લાગેલી હોય છે તે) ચઢાવવી સાથે બેસનના પાંચ લાડુ ધરાવવા. (૫) હું લખું છું ત્યાં સુધી વિવાહ થઈ જાય તેવા યોગ હતા. પરંતુ જો તે સમયમાં શક્ય ન થયું હોય તો ૨૦૧૮ના માર્ચ સુધીમાં લગ્ન થઈ જશે.

પ્રશ્ન : માનનીય શ્રી રાજવીબેન, એક નાના ભાઈના સાદર નમસ્કાર, મારી જન્મ તારીખ- ૮/૬/૮૩, જન્મ સમય રાત્રે ૧૦:૩૫ વાગે, સુરેન્દ્રનગરમાં થયો હતો. મારા લગ્ન ક્યારે થશે? તે જણાવશો.

– અશોક પરમાર (સુરેન્દ્રનગર)

જવાબ : નમસ્કાર અશોકભાઈ, આભાર. આપની વિગતોમાં આપ બુધવાર. મેષ રાશિ, ભરણી નક્ષત્ર (૩), અતિગંડ યોગ, ગરજ કરણ, વૈશાખ વદ તેરસ, મકર લગ્નમાં જન્મ્યા છો. જવાબમાં (૧) અતિગંડ યોગનું નિવારણ કરાવવું. (૨) સૂ+મં= અંગારક દોષનું નિવારણ કરાવવું. (૩) હું લખું છું. ત્યાં સુધીમાં યોગ જતો રહ્યો છે. તો વિવાહ થઈ ગયેલા હોવા જોઈએ. નહીં તો હું બતાવું છું તે ઉપાય કરવો. (૪) પૂર્વજોની તકલીફમાં સિકોતરની તકલીફ છે. ઘરમાં અકસ્માત મૃત્યુનાં બનાવો બન્યા હશે. (૩ પેઢી) (૫) દેવદોષ હોવાથી તકલીફ છે તો ૧ શ્રી ફળ ઘરમાં મંદિરે વધેરવું અને પ્રસાદી છોકરાને વહેંચી દેવું. (૬) ઈષ્ટદેવીને શણગાર ચઢાવવાનો સંકલ્પ કરવો. તેનાથી લગ્ન વિના વિલંબ થાય અને લગ્ન બાદ સપત્ની શણગાર ચઢાવવો. (૭) ‘દુર્ગા સપ્તશતી’ પાઠ નિયમિત કરવો.

પ્રશ્ન : નમસ્તે રાજવીબેન, મારા પુત્રની જન્મ તારીખ-૪/૧/૮૪, જન્મ સમય ૧૨:૪૦ રાત્રે જન્મ સ્થળ સુરત. અમારા ઘરમાં પાંચ વ્યક્તિનો સુખી પરિવાર હતો, પરંતુ પાંચ વર્ષ પહેલાં એક પુત્ર ઘર છોડીને જતો રહ્યો છે. ઘણાં પ્રયત્ન કર્યા, પરંતુ તે ક્યાં છે તે ખબર નથી. તમે કોઇ ઉપાય જણાવો. તેવી આશાભરી વિનંતી.

– એક બહેન (સુરત)

જવાબ : નમસ્કાર બહેનશ્રી, આપ જે વેદનામાંથી પસાર થાઓ છો. તે હું સમજી શકું છું. આપનાં પુત્રની વિગતો જોતાં તે બુધવાર ધનુ રાશિ, વ્યાઘાત યોગ, ભાવકરણ, પૂર્વાષાઢા નક્ષત્ર, પોષ સુદ એકમ, કન્યા લગ્નમાં જન્મ્યો છે. (૧) વ્યાઘાત યોગ દોષ નિવારણ કરાવવું. (૨) મંગળ+શનિ= વિસ્ફોટક દોષ પરિવાર સ્થાનમાં થાય છે. તેનું નિવારણ કરવું. (૩) સૂર્ય+ચંદ્ર અમાસ દોષ નિવારણ કરવું. (૪) શુક્ર+કેતુ= નિવારણ કરવું. (૫) આપનો પુત્ર રાહુની મહાદશામાં ગુરુની અંતદર્શામાં ઘર ત્યાગ કર્યો છે. આઘાત અને ગુસ્સા મિશ્રિત મગજે આ કાર્ય કર્યું છે. ઉપાયમાં પુત્રના પહેરેલાં કપડાં કોઈ વજનદાર બેગ નીચે મૂકવા. અને સાથે તેનો ફોટો પણ દબાવી દેવો. આ ઉપરાંત ૧ ફોટો પૂર્વ દિશામાં રાખી દરરોજ બપોરે ૧૨:૩૯ મિનિટે ૧ ઊભી વાટનો દીવો કરી તેનાં ફોટા સામે જોઈ ‘તે પાછો આવી જાય’ તેવો હુકમ કરવો. ૩ મહિનાની અંદર તેનો જવાબ આવશે. અત્યારે તેના પાછા ફરવાના યોગ છે.

પ્રશ્ન : નમસ્કાર રાજવીબેન, મારા પુત્રની જન્મ તારીખ-૧૮/૫/૯૫, જન્મ સમય સવારે૧૧:૦૮, જન્મ સ્થળ અમદાવાદ. મારો પુત્ર M.COM કરે છે સાથે U.P.S.E. કરવાની ઈચ્છા ધરાવે છે. તો કઈ ફીલ્ડમાં જવું જોઈએ? સરકારી નોકરી મળવાની શક્યતા ખરી? મારા પુત્રની કુંડલી જોઈ ઉપાય બતાવશો. તેવી વિનંતી સાથે આભાર.

– મમતાબેન રામખિવાની (અમદાવાદ)

જવાબ : નમસ્કાર મમતાબેન, આપના પુત્રની વિગતો જોતાં તે ગુરુવાર, ધનુ રાશિ, પૂર્વાષાઢા નક્ષત્ર (૩), શુભ યોગ,બાલવ કરણ, વૈશાખ વદ ચોથ, કર્ક લગ્નમાં જન્મ્યા છે. ઉપાયોમાં (૧) શુક્ર+ કેતુ= નિવારણ કરાવવું. (૨) સરકારી નહીં પણ અર્ધસરકારી નોકરી મળે. (૩) પ્રાઈવેટમાં વધુ કમાય. (૪) Banking Field, Computer filedમાં વધુ સારું રહે. (૫) જીવનમાં મહેનત વધુ બતાવે છે. મોડું મળે. ઉપાયમાં (૬) બુધવારનું વ્રત કરવાથી ફાયદો થશે. બુુધ સ્તોત્ર વાંચવું. તેમજ પ્રત્યેક બુધવારે ગણેશજીને મગનાં લાડુનો પ્રસાદ ધરાવવો. તેનાથી નોકરીમાં આવતી મુશ્કેલી દૂર થશે. ધ્યાન રાખવું કે, જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી ચાંદીનો ચોરસ ટુકડો તેમની પાસે રાખવો. લાભ થશે. (૭) હનુમાન ચાલીસા વાંચવા.

– ડો.રાજવી આચાર્ય