આપણી સરકારોને કેમ ક્યારેય મોંઘવારી નડતી નથી? - Sandesh
  • Home
  • Ahmedabad
  • આપણી સરકારોને કેમ ક્યારેય મોંઘવારી નડતી નથી?

આપણી સરકારોને કેમ ક્યારેય મોંઘવારી નડતી નથી?

 | 12:29 am IST

સ્નેપ શોટ

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે વિપક્ષી પાર્ટીઓએ આપેલું ભારત બંધ સફળ રહ્યું કે નિષ્ફળ તેની ચર્ચાઓ ટીવી સ્ક્રીન પર સરકાર અને વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે. હકીકત એ છે કે પ્રજાને આ ચર્ચાઓમાં કોઈ રસ નથી. પ્રજા મોંઘવારીથી પિસાઈ રહી છે એ હકીકત છે, હવે આ મોંઘવારી કોને કારણે છે? કેમ છે? કેમ જતી નથી? વગેરે ચર્ચાઓ પ્રજા માટે નિરર્થક છે. પ્રજાને તો આ મોંઘવારી હટે એમાં રસ છે, પરંતુ રાજકારણીઓને હંમેશાં મોંઘવારીથી તપેલા તવા પર પોતાનો રોટલો શેકી લેવાની હંમેશાં પડી હોય છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો દરરોજ વધી રહી છે. આજે મુંબઈમાં પેટ્રોલની નવી કિંમત પ્રતિ લિટરે ૮૮.૧૨ રૂપિયા હતી. જ્યારે ડીઝલની કિંમત ૭૭.૩૨ રૂપિયા હતી. પેટ્રોલ-ડીઝલ વેચતી સરકારી કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઓઇલની કિંમતમાં આવેલા ઉછાળને કારણે અને ડોલરની સામે રૂપિયાની કિંમતનાં અવમૂલ્યનથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.  આની સામે કોંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાનું કહેવું છે કે ૨૦૧૪ પછી અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૫૦ ટકાથી વધારે વધારો નોંધાયો છે જે અસહ્ય છે.  સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દિલ્હીમાં પ્રેસકોન્ફરન્સ યોજીને જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો નક્કી કરવાનું સરકારના હાથમાં નથી.

ભારતીય રાજકારણની એ કરુણતા છે કે સરકારમાં બેઠેલાઓને ક્યારેય મોંઘવારી નડતી નથી. મોંઘવારી હંમેશાં વિપક્ષનો મુદ્દો રહ્યો છે. સત્તા ઉપર આવતાં નેતાઓની ચાલચલગત અને ચરિત્ર બદલાઈ જાય છે. તે ખૂબ જ વિચિત્ર બાબત છે. ૨૦૧૩માં આજના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ વિપક્ષમાં હતા ત્યારે પેટ્રોલનો ભાવ ૭૪ રૂપિયે લિટર થતાં વિપક્ષે મોરચો કાઢયો હતો અને ભાજપમાં તે વખતના રવિશંકર પ્રસાદ આ મોરચામાં સાઇકલ ઉપર સવાર હતા. ચાર વર્ષ બાદ રવિશંકર પ્રસાદ આજે કેન્દ્રીય મંત્રી છે અને તેમની સાઇકલ ક્યાં કાટ ખાઈ રહી છે તેની કોઈને ખબર નથી. આજે સત્તામાં બેઠેલાઓને  પોતાનાં જૂનાં આંદોલનો અને જૂના મોરચાઓની યાદ ભુલાઈ ગઈ છે. આજે જે લોકો સત્તા ઉપર બેઠાં છે તે લોકોએ પેટ્રોલનો ભાવવધારો હોય કે રૂપિયાનું અવમૂલ્યન થયું હોય, સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપો કરવામાં કોઈ કચાશ છોડી ન હતી અને વચનો આપ્યાં હતાં કે આ નિકમ્મી, ભ્રષ્ટાચારી સરકારને ઊથલાવી દો. અમે સત્તા ઉપર આવીશું તો તમને સસ્તં પેટ્રોલ-ડીઝલ અને ગેસ આપીશું. દેશના રૂપિયાને ઘટતો અટકાવીશું.

આજે શું પરિસ્થિતિ છે? વિરોધ કરનારા સત્તા ઉપર આવી ગયા છે અને મોંઘવારી તો વધતી ચાલી છે, હવે જેઓ ૨૦૧૩માં મોંઘવારીનો વિરોધ કરતા હતા તેઓ ૨૦૧૮માં મોંઘવારીનો બચાવ કરવામાં લાગી પડયા છે.  ભારતમાં રાજકારણની આ જ કરુણતા છે કે સત્તા ઉપર આવતાં પ્રજાની તકલીફો ભૂલી જાય છે. પાર્ટી ગમે તે હોય ભાજપ અથવા કોંગ્રેસ જ્યારે વિપક્ષમાં હોય છે ત્યારે આ લોકોને પ્રજાની તકલીફો યાદ આવે છે, પરંતુ આ જ લોકો જ્યારે સત્તા ઉપર આવી જાય છે ત્યારે પ્રજાની તકલીફો તેમના માટે ગૌણ બની જાય છે. ૨૦૧૩માં મોંઘવારીના વિરોધમાં સડકો ઉપર ગેસના બોટલા લઈને ઊતરી પડનારા ભાજપના નેતાઓમાંથી કેટલાક  આજે  સરકારના મંત્રી બની ગયા છે. શું  આજની  મોંઘવારીની  પરિસ્થિતિ  અંગે  તેમનો  આત્મા  તેમને  ડંખતો નહીં હોય?  જો આ  લોકો સાચા રાજકારણીઓ   હોય તો તેમણે  નિખાલસતાથી પ્રજા સામે કબૂલ કરવું  જોઈએ કે તેમનો ભૂતકાળ સાચો હતો કે આજનો વર્તમાન સાચો છે? ભૂતકાળમાં મોંઘવારી વિરુદ્ધ કરેલાં તેમનાં આંદોલનો તે સાચાં હતાં ખોટાં? માત્ર સત્તાધારી પાર્ટીને બદનામ કરવા માટેનું આંદોલન હતું કે ખરેખર પ્રજાની મુશ્કેલીઓને રજૂ કરવા માટેનું આંદોલન હતું તે અંગે તેમણે સ્પષ્ટતા કરવી રહી, કારણ કે આજે જ્યારે તેઓ સરકારમાં બેઠા છે અને દેશનો વહીવટ કરવાનો તેમના હાથમાં આવ્યો છે ત્યારે ભાવવધારો તે પછી પેટ્રોલનો હોય, ગેસનો હોય કે બીજી કોઈ પણ જીવનજરૂરી ચીજવસ્તુનો હોય તે ભાવવધારો કાબૂમાં રાખવો તેમના હાથની વાત નથી તે વાત તેઓ અનુભવી ચૂક્યા છે તો અગાઉની સરકારો સામે આ લોકોએ કરેલા ભાવવધારા અંગેના આક્ષેપો માત્ર જૂઠાણું હતું તે વાત પણ તેમણે જાહેર કરવી જોઈએ.

રાજકારણમાં આવી નિખાલસતાની આશા રાખવી એ રેતીમાંથી તેલ કાઢવાની આશા રાખવા સમાન છે.  આપણા દેશનું રાજકારણ અને રાજકીય નેતાઓ કેટલા બેજવાબદાર અને તકસાધુઓ છે તે માત્ર આ ઘટના પરથી ખ્યાલ આવે છે.

આજે જ્યારે ભાજપના મંત્રી રવિશંકર પ્રસાદ કહેતા હોય કે પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરવી એ સરકારના હાથમાં નથી ત્યારે સાચી વાત એ છે કે પેટ્રોલ-ડીઝલ પર છેલ્લાં ચાર વર્ષમાં સરકારે ૪૩ ટકા ટેક્સ વધાર્યો છે. આ નગ્ન સત્ય છે અને સરકાર તે અંગે ના પાડી શકે તેવી સ્થિતિ નથી.  સરકાર માત્ર પેટ્રોલ-ડીઝલ પર લાગતા જુદા જુદા ટેક્સ ઘટાડે તો પણ પેટ્રોલ-ડીઞલના ભાવમાં ઘટાડો શક્ય થઈ શકે છે, પરંતુ સરકાર માત્ર આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડઓઇલમાં થતો વધારો અને રૂપિયાનાં અવમૂલ્યનની વાત કરીને છટકી જાય છે. આજે જો રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે તે માટે જવાબદાર સરકાર ખરી કે નહીં? તે પ્રશ્ન પણ પાછો ઊભો તો છે જ. આજે જ્યારે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થયો છે ત્યારે સરકારી ટેક્સની શું માયાજાળ છે તે આપણે સમજવી રહી. કેન્દ્ર સરકારે નવેમ્બર-૨૦૧૪થી જુલાઈ-૨૦૧૭ની વચ્ચે પેટ્રોલ પર ૨૩૩ ટકા એક્સાઇઝડયૂટી વધારી છે, જ્યારે ડીઝલ ઉપર ૪૪૩ ટકા એક્સાઇઝ યૂટી વધારી છે. આ ઉપરાંત વેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે, હવે જ્યારે આટલા મોટા પ્રમાણમાં સરકાર ટેક્સ વધારે તો ભાવ તો વધવાનો જ છે. એક સાદી સમજ મુજબ નવેમ્બર-૨૦૧૪માં પેટ્રોલ પરની એક્સાઇઝડયૂટી દર લિટરે ૯.૨૦ રૂપિયા હતી તે વધીને ૨૦૧૭ સુધીમાં દર લિટરે ૨૧.૪૮ રૂપિયા કરવામાં આવી છે. આ જ રીતે ડીઝલમાં એક્સાઇઝડયૂટી દર લિટરે ૩.૪૬ રૂપિયા હતી તે વધારીને દર લિટરે ૧૫.૩૩ રૂપિયા કરવામાં આવી છે. આટલા વધારા પછી ગત ઓક્ટોબરમાં સરકારે એક્સાઇઝડયૂટીમાં ૨ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સવાલ એ છે કે ૨ રૂપિયાનો ઘટાડો કરતી સરકાર હજુ વધારે ઘટાડો કેમ કરતી નથી?

સરકાર મોંઘવારીના મુદ્દે ભારત બંધનાં વિપક્ષી એલાનની સફળતા અને નિષ્ફળતા પર ધ્યાન આપ્યા વિના પ્રજાને મોંઘવારી નડી રહી છે તેનો સ્વીકાર કરીને જલદી પગલાં લે તે પ્રજાનાં અને ખુદ સરકારનાં હિતમાં હશે.